Sports

'આ તો ઉતાવળ ગણાશે...' વૈભવ સૂર્યવંશી અંગે સચિન તેંડુલકરનું ચોંકાવનારું નિવેદન

By GS Team
4 Nov 20263 mins read
TukuTouch Logo
ક્રિકેટ દિગ્ગજ સચિન તેંડુલકરે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને દુલીપ ટ્રોફી માટે ઈસ્ટ ઝોનનો વાઇસ કેપ્ટન બનાવવાનો નિર્ણય ઉતાવળિયો ગણાવ્યો છે. રેડિટ પરના સવાલ-જવાબ સેશનમાં સચિને કહ્યું કે, વૈભવને લાલ બોલથી વધુ મેચ રમવા દેવી જોઈએ અને તેની કારકિર્દીમાં એક સમયે એક જ પગલું આગળ વધવું જોઈએ. હાલ વૈભવ ભારતીય ક્રિકેટમાં ઉભરતા યુવા ખેલાડીઓમાંનો એક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'આ તો ઉતાવળ ગણાશે...' વૈભવ સૂર્યવંશી અંગે સચિન તેંડુલકરનું ચોંકાવનારું નિવેદન

Sachin Tendulkar Vaibhav Suryavanshi : ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરનું માનવું છે કે માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીને દુલીપ ટ્રોફી માટે ઈસ્ટ ઝોનનો વાઇસ કેપ્ટન બનાવવાનો નિર્ણય ઉતાવળિયો હતો. સચિનના મતે, આ યુવા ખેલાડીને લાલ બોલથી વધુ મેચ રમવાની તક આપવી જોઈએ અને તેની કારકિર્દીમાં એક સમયે એક જ પગલું આગળ વધવું જોઈએ. વૈભવ સૂર્યવંશી હાલ ભારતીય ક્રિકેટમાં સૌથી વધુ ચર્ચામાં રહેલા યુવા ખેલાડીઓમાંનો એક છે. પોતાની પ્રતિભા અને ક્ષમતાના જોરે તેણે નાની ઉંમરે જ ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું છે.

નાની ઉંમરે જ ટોપ સ્કોરર

15 વર્ષની ઉંમરે તે IPL સિઝનમાં ટોચના સ્કોરર તરીકે પણ રહ્યો હતો. રવિચંદ્રન અશ્વિન જેવા દિગ્ગજ ખેલાડીઓએ પણ તેની પ્રતિભાનાં વખાણ કર્યાં છે. તાજેતરમાં દુલીપ ટ્રોફી માટે વૈભવને ઈસ્ટ ઝોનનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ નિર્ણય અંગે મંગળવારે Reddit પર યોજાયેલા સવાલ-જવાબ સત્રમાં સચિનને પૂછવામાં આવ્યું હતું કે 15 વર્ષની ઉંમરે વૈભવને આટલી મોટી જવાબદારી સોંપવા અંગે તેમનો શું મત છે.જવાબમાં સચિને કહ્યું, “મને લાગે છે કે દુલીપ ટ્રોફીમાં તેને વાઇસ કેપ્ટન બનાવવું હજુ ઉતાવળ ગણાશે. આપણે તેને લાલ બોલથી વધુ મેચ રમવા દેવી જોઈએ અને એક સમયે એક જ પગલું આગળ વધારવું જોઈએ.”

જો રૂટનાં પણ સચિને કર્યાં વખાણ

આ જ સવાલ-જવાબ સત્રમાં સચિનને તેમના મનપસંદ બિનભારતીય બેટ્સમેનો વિશે પણ પૂછવામાં આવ્યું હતું. તેના જવાબમાં તેમણે હેરી બ્રૂક, જો રૂટ અને સ્ટીવ સ્મિથનાં નામ આપ્યાં હતાં. જો રૂટ સચિનના ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રનના રેકોર્ડની નજીક પહોંચી રહ્યા છે. આ અંગે સચિને કહ્યું કે તેઓ રૂટને હંમેશાં ઊંચું સ્થાન આપતા આવ્યા છે. રૂટે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી ત્યારે જ સચિનને લાગ્યું હતું કે આ ખેલાડી ભવિષ્યમાં ઘણું આગળ જશે.

વૈભવને તક મળવાની રાહ, ગંભીરનો નિર્ણય અંગે સ્પષ્ટ મત

વૈભવ સૂર્યવંશીએ ઇંગ્લેન્ડમાં ડેબ્યૂ કર્યું હોવા છતાં તેને પોતાની તક માટે રાહ જોવી પડી રહી છે. ટોપ ઓર્ડરમાં સંજુ સેમસન અને અભિષેક શર્માનાં સતત સારાં પ્રદર્શનને કારણે ટીમમાં સ્થાન મેળવવાની સ્પર્ધા વધી છે. આ બંને ખેલાડીઓએ આ વર્ષની શરૂઆતમાં ભારતને T20 વર્લ્ડ કપનું ટાઇટલ જાળવી રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર પણ ખેલાડીઓની પસંદગી અંગે પોતાનો મત સ્પષ્ટ કરી ચૂક્યા છે. પાંચમી T20 મેચ પહેલાં બ્રોડકાસ્ટર્સ સાથે વાતચીતમાં તેમણે કહ્યું હતું કે તેમની જવાબદારી દરેકને ખુશ કરવાની નહીં, પરંતુ યોગ્ય નિર્ણયો લેવાની છે.

લોકપ્રિયતાના ઓથાર હેઠળ નિર્ણયો લઇ ન શકાય

ગંભીરે કહ્યું હતું કે લોકપ્રિય નિર્ણયો લેવા સરળ છે, પરંતુ તેમના માટે સૌથી મહત્ત્વનું એ છે કે યોગ્ય ખેલાડીઓને તક મળે અને ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓ સુરક્ષિત તથા વિશ્વાસપૂર્ણ વાતાવરણ અનુભવે. લાંબા સમયથી સારું પ્રદર્શન કરતા ખેલાડીઓ વધુ તક મેળવવાના હકદાર છે અને ટીમ આ જ વિચાર સાથે આગળ વધે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.