Business

શેરબજારના રોકાણકારો માટે મોટી રાહતના સંકેત? કેપિટલ ગેઇન્સ ટેક્સ મુદ્દે નાણા મંત્રી નિર્મલા સીતારમણનું સૂચક નિવેદન

By GS Team
3 Nov 20263 mins read
TukuTouch Logo
કેન્દ્રીય બજેટ 2027 પહેલાં શેરબજારમાં લાંબાગાળાના મૂડીલાભ (LTCG) ટેક્સમાં રાહતની માંગ તેજ બની છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે 2 નવેમ્બરે મુંબઈમાં રોકાણકારોની ચિંતાઓ પર વિચાર કરવાની વાત કરી. સેબીએ વિદેશી રોકાણકારો માટે LTCG ટેક્સ નાબૂદ કરવાની ભલામણ કરી છે. જોકે, સરકારે કોઈ નિર્ણય જાહેર કર્યો નથી, પરંતુ રોકાણકારો રાહતની આશા રાખી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શેરબજારના રોકાણકારો માટે મોટી રાહતના સંકેત? કેપિટલ ગેઇન્સ ટેક્સ મુદ્દે નાણા મંત્રી નિર્મલા સીતારમણનું સૂચક નિવેદન

Budget 2027 LTCG Tax Relief : કેન્દ્રીય બજેટ 2027 પહેલાં શેરબજારમાં લાંબા ગાળાના મૂડીલાભ (LTCG) પર લાગતા ટેક્સમાં રાહત આપવાની માગ તેજ બની છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)એ વિદેશી રોકાણકારો માટે LTCG ટેક્સ નાબૂદ કરવાની ભલામણ કરી હોવાના અહેવાલો વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે રોકાણકારોની ચિંતાઓ પર વિચાર કરવાની વાત કરી છે. જોકે, સરકારે ટેક્સમાં ઘટાડો કરવાનો કોઈ નિર્ણય જાહેર કર્યો નથી. 2 નવેમ્બરે મુંબઈમાં એક કાર્યક્રમમાં વાતચીત દરમિયાન નાણામંત્રીએ જણાવ્યું હતું કે રોકાણકારો પોતાની ચિંતાઓ વધુ જોરશોરથી રજૂ કરી રહ્યા છે અને તેઓ આ તમામ બાબતો પર વિચાર કરશે. તેમણે રિટેલ રોકાણકારો અને શેરબજારમાં રોકાણ કરતા લોકોની ચિંતાઓને સ્વીકારી હતી.

વિદેશી રોકાણકારોને રાહત આપીએ તો સ્થાનિક રોકાણકારોનું શું?

કાર્યક્રમમાં સીતારમણને પૂછવામાં આવ્યું હતું કે ભારતીય શેરબજારમાં ડૉલરનો પ્રવાહ વધારવા માટે વિદેશી રોકાણકારોને વિશેષ રાહત આપવામાં આવશે કે કેમ?
આ સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે વિદેશી રોકાણકારો માટે વિશેષ નીતિ બનાવવામાં આવે તો સ્થાનિક રોકાણકારોનો પણ વિચાર કરવો પડશે. તેમણે સવાલ કર્યો હતો કે જો ડૉલર રોકાણકારો માટે રાહતની વાત કરવામાં આવે છે, તો રૂપિયા એટલે કે સ્થાનિક રોકાણકારોનું શું?
જોકે, તેમણે શેરબજારને પણ સહકારની જરૂરિયાત હોવાનું સ્વીકાર્યું હતું. ભારતનો આર્થિક વિકાસ 7 ટકા કે તેથી વધુ જાળવી રાખવા માટે મૂડી અને ખાસ કરીને ઇક્વિટી રોકાણ મહત્ત્વનું હોવાનું તેમણે જણાવ્યું હતું.

રોકાણકારો LTCG ટેક્સમાં રાહત કેમ માગી રહ્યા છે?

ભારતીય શેરબજારમાંથી વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) સતત નાણાં પાછાં ખેંચી રહ્યા છે. અહેવાલ અનુસાર, 2026માં વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી રેકોર્ડ 31 અબજ ડૉલરના શેર વેચ્યા છે.આ સ્થિતિમાં શેરબજારમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે LTCG ટેક્સની સમીક્ષા કરવાની માગ ઊઠી છે. નાણામંત્રીએ પણ સ્વીકાર્યું હતું કે અગાઉના વર્ષોમાં વિદેશી રોકાણનો પ્રવાહ મજબૂત હતો, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે અને રોકાણકારોની ચિંતાઓ વધી છે.

સેબીએ LTCG ટેક્સ નાબૂદ કરવાની ભલામણ કરી

અહેવાલો અનુસાર, સેબીએ બજેટ પહેલાં સરકારને કેટલીક મહત્ત્વપૂર્ણ ભલામણો મોકલી છે. તેમાં વિદેશી ઇક્વિટી રોકાણકારો માટે LTCG ટેક્સ નાબૂદ કરવાનો પ્રસ્તાવ સામેલ છે.આ ઉપરાંત, એક વર્ષથી વધુ સમય સુધી રોકાણ જાળવી રાખ્યા બાદ મ્યુચ્યુઅલ ફંડની એક સ્કીમમાંથી બીજી સ્કીમમાં નાણાં ટ્રાન્સફર કરનારા સ્થાનિક રોકાણકારોને પણ LTCG ટેક્સમાંથી મુક્તિ આપવાની ભલામણ કરવામાં આવી છે. જોકે, સેબીની આ ભલામણો બંધનકર્તા નથી. તેના પર અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર જ લેશે.

હાલમાં LTCG અને STCG પર કેટલો ટેક્સ લાગે છે?

હાલના ટેક્સ નિયમો અનુસાર, લિસ્ટેડ ઇક્વિટી શેર અને ઇક્વિટી આધારિત મ્યુચ્યુઅલ ફંડમાં 12 મહિનાથી વધુ સમય સુધી રોકાણ રાખ્યા બાદ વેચાણથી થતા નફા પર LTCG ટેક્સ લાગે છે.

  • LTCG ટેક્સ: વાર્ષિક 1.25 લાખ રૂપિયાની મુક્તિ મર્યાદા કરતાં વધુ નફા પર 12.5 ટકા ટેક્સ.
  • STCG ટેક્સ: નિર્ધારિત સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)ની શરતો પૂરી થતી હોય તો ટૂંકા ગાળાના નફા પર 20 ટકા ટેક્સ.
    હવે બજેટ 2027માં સરકાર LTCG ટેક્સ અંગે શું નિર્ણય લે છે તેના પર રોકાણકારોની નજર રહેશે. ખાસ કરીને વિદેશી રોકાણકારો ઉપરાંત સીધા શેરબજારમાં નાણાં રોકતા સામાન્ય રોકાણકારોને પણ ટેક્સમાં રાહત મળશે કે કેમ તે મહત્ત્વનો સવાલ છે.