અમરેલીના ગીગાસણ ગામમાં કૂવામાં ઝેરી નાગની સાથે દુર્લભ ઘોરખોદિયા પણ પડ્યું, મહામહેનતે સફળ રેસ્ક્યૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli Honey Badger Rescue: અમરેલી જિલ્લાના ધારી તાલુકા હેઠળ આવતી ગીર પૂર્વ વનવિભાગની દલખાણિયા રેન્જના ગીગાસણ ગામની સીમમાં આવેલા એક ખેતરના કૂવામાંથી દુર્લભ વન્યજીવ ઘોરખોદિયા (હની બેજર)નું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. સતત બે દિવસ સુધી ચાલેલી આ કામગીરી બાદ પ્રાણીને કૂવામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢીને તેના કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવ્યું છે.
'ઘોરખોદિયા'નું બે દિવસના ભારે પ્રયાસો બાદ રેસ્ક્યૂ
મળતી માહિતી અનુસાર, ખેતરના કૂવામાં કોઈ વન્યપ્રાણી ખાબક્યું હોવાની જાણ થતાં જ વનવિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. શરૂઆતમાં કૂવાની ઊંડાઈને કારણે પ્રાણી સ્પષ્ટ નજરે પડતું નહોતું. જોકે, ખેડૂતે પાડેલા ફોટોગ્રાફ્સની ચકાસણી કરતા કૂવામાં પડેલું પ્રાણી દુર્લભ વન્યજીવ ઘોરખોદિયું (Honey Badger) હોવાની ઓળખ થઈ હતી.
આ રેસ્ક્યૂ કામગીરી દરમિયાન વનવિભાગ સમક્ષ બેવડો પડકાર ઊભો થયો હતો. કૂવાની અંદર ઘોરખોદિયાની સાથે અત્યંત ઝેરી નાગ (કોબ્રા) પણ હાજર હતો. વધુમાં, ઘોરખોદિયાએ કૂવાની દીવાલમાં બખોલ બનાવી તેમાં આશ્રય લઈ લીધો હોવાથી તેને બહાર કાઢવું અત્યંત જોખમી અને પડકારજનક બન્યું હતું.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને વનકર્મીઓએ સાવચેતીપૂર્વક કૂવામાં પાંજરું લટકાવ્યું હતું. વનવિભાગના એક અનુભવી ટ્રેકરે પોતાની જાનના જોખમે પાંજરા મારફતે કૂવામાં ઊતરી, લાકડી તથા ગાળિયાની મદદથી ઘોરખોદિયાને બખોલમાંથી બહાર કાઢી પાંજરામાં પૂરવામાં સફળતા મેળવી હતી.
ઘોરખોદિયાને જંગલમાં મુક્ત કરાયું
રેસ્ક્યૂ બાદ વનવિભાગના પશુ ચિકિત્સક દ્વારા ઘોરખોદિયાનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પ્રાણી સંપૂર્ણ સ્વસ્થ અને ઈજામુક્ત જણાતાં તેને ગીર પૂર્વના સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યું હતું. દલખાણિયા રેન્જના સ્ટાફ અને ટ્રેકરની આ સમયસૂચકતા તથા સાહસિક કામગીરીની સ્થાનિકો અને વનપ્રેમીઓ દ્વારા પ્રશંસા થઈ રહી છે.




