94 વર્ષમાં પહેલીવાર થયો આ ચમત્કાર! વેલિંગ્ટન ટેસ્ટમાં ભારતના ટોપ-5 બેટર્સે રચ્યો ઈતિહાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IND vs NZ Top 5 Indian Batters Record: ન્યૂઝીલેન્ડના ઘરમાં ટીમ ઈન્ડિયાના બેટર્સએ કંઈક એવું કરી બતાવ્યું છે કે, ભારતીય ક્રિકેટ ચાહકો હરખમાં સમાતા નથી. ભારતીય બેટર્સએ કિવિ બોલરોને વેલિંગ્ટનના બેસિન રિઝર્વમાં ચાલી રહેલી 2 મેચની ટેસ્ટ શ્રેણીના પહેલા મુકાબલામાં જબરદસ્ત ધોઈ કાઢ્યા છે. શનિવારે ત્રીજા દિવસે રમત પૂરી થાય ત્યાં સુધીમાં ભારતે પહેલી ઇનિંગમાં 4 વિકેટના નુકસાને 486 રન ફટકારી લીધા હતા, પરંતુ આ સ્કોર કરતાં પણ વધુ ભારતના 94 વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં પહેલી વખત ટીમ ઈન્ડિયાના બેટર્સએ બનાવેલો રેકોર્ડ ચર્ચામાં રહ્યો.
ભારતે પોતાની પહેલી ટેસ્ટ મેચ વર્ષ 1932માં રમી હતી, પરંતુ છેલ્લા 94 વર્ષમાં ટીમ ઈન્ડિયાના તમામ ટોચના 5 બેટર્સએ વિદેશની ધરતી પર રમાયેલી કોઈ પણ ટેસ્ટ મેચમાં એક જ ઇનિંગમાં 50થી વધુ રનનો સ્કોર બનાવ્યો ન હતો; જોકે હવે ટીમ ઈન્ડિયાના બેટર્સએ ઇતિહાસ બદલી નાખ્યો છે. ન્યૂઝીલેન્ડ સામે વેલિંગ્ટનમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચની પહેલી જ ઇનિંગમાં ટોચના 5 બેટર્સ (કેએલ રાહુલ, યશસ્વી જાયસ્વાલ, દેવદત્ત પડિક્કલ, શુભમન ગિલ અને ઋષભ પંત)એ 50+ સ્કોર બનાવ્યો છે. ભારતીય ટેસ્ટ ક્રિકેટના 94 વર્ષના ઇતિહાસમાં આવું પહેલી વખત બન્યું છે.
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પહેલી ટેસ્ટમાં ભારતના ટોપ 5 બેટર્સનું પ્રદર્શન
- યશસ્વી જાયસ્વાલ - 85 રન
- કેએલ રાહુલ - 136 રન
- દેવદત્ત પડિક્કલ - 80 રન
- શુભમન ગિલ - 98 રન
- ઋષભ પંત - 55 રન પર અણનમ
94 વર્ષમાં પહેલી વખત બન્યો આ રેકોર્ડ
ભારત તરફથી યશસ્વી જાયસ્વાલ અને કેએલ રાહુલની જોરદાર ભાગીદારીથી ઇનિંગની શરૂઆત થઈ હતી. જાયસ્વાલે 85 રનની ઇનિંગ રમી, જ્યારે રાહુલે 136 રન ફટકાર્યા હતા. જાયસ્વાલ આઉટ થયા બાદ ત્રીજા નંબરે આવેલા દેવદત્ત પડિક્કલે પણ કિવિ બોલરોને પરેશાન કર્યા. તેણે 175 બોલનો સામનો કરીને 80 રન ફટકાર્યા. જ્યારે, ચોથા નંબરે ઉતરેલા કેપ્ટન શુભમન ગિલે 98 રનની જબરદસ્ત ઇનિંગ રમી.
એક ઇનિંગમાં ટોચના 5 બેટર્સએ ફટકાર્યા 50+ રન
ત્રીજા દિવસના છેલ્લા સેશનમાં ઋષભ પંતે પણ પોતાની અડધી સદી ફટકારી લીધી હતી. પંતે આક્રમક અંદાજમાં બેટિંગ કરતાં માત્ર 62 બોલ પર અણનમ 55 રન ફટકાર્યા હતા. આ રીતે ભારતીય ટીમના ટોચના 5 બેટર્સએ સાથે મળીને કિવિ બોલરોને બેકફૂટ પર ધકેલી દીધા. ત્રીજા દિવસે મેચ પૂરી થાય ત્યાં સુધીમાં ભારતનો સ્કોર 486/4 હતો. ટીમ ઈન્ડિયા પહેલી જ ઇનિંગમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 118 રન આગળ નીકળી ગઈ છે.




