‘હાર્દિકની ગેરહાજરીમાં મુંબઈના ખેલાડીઓ વધુ ખુશ દેખાય છે..’ ટીમ ઈન્ડિયાના દિગ્ગજનો ચોંકાવનારો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Hardik Pandya and Mumbai Indians: મુંબઈ ઇન્ડિયન્સ અને તેના કેપ્ટન હાર્દિક પંડ્યા વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હોય એવા એંધાણ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ મુંબઈ ટીમના ઘણા ખેલાડીઓ પંડ્યાના વિરોધમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. આ દરમિયાન ભારતના પૂર્વ કેપ્ટન કૃષ્ણમાચારી શ્રીકાંતે હાર્દિક પંડ્યાને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમનું માનવું છે કે જ્યારે પંડ્યા ટીમમાં નથી હોતા ત્યારે મુંબઈના ખેલાડીઓ વધુ ખુશ દેખાય છે.
મુંબઈએ ગુરુવારે ધર્મશાળામાં રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સને હરાવ્યું હતું. જોકે મુંબઈ પહેલેથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે, પરંતુ તેણે પંજાબની આશાઓને મોટો ઝટકો આપ્યો હતો. આ મેચમાં હાર્દિક પંડ્યા રમ્યો નહોતો. તે છેલ્લી ત્રણ મેચથી બહાર છે અને તેનું કારણ ઇજા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ટીમમાં બદલાવ જોવા મળ્યો
સૂર્યકુમાર યાદવ પણ આ મેચમાં રમ્યો નહોતો. તેની જગ્યાએ જસપ્રીત બુમરાહે મુંબઈની કેપ્ટન્સી સંભાળી હતી. શ્રીકાંતે મુંબઈના આ નિર્ણયની પ્રશંસા કરી હતી. પોતાના યુટ્યુબ ચેનલ પર વાત કરતા તેમણે કહ્યું કે ‘આ સારો નિર્ણય હતો. બુમરાહને કેપ્ટન બનાવવું એક સારું પગલું હતું.’
શ્રીકાંતે વધુમાં કહ્યું કે જ્યારેથી પંડ્યા ટીમ સાથે નથી, ત્યારથી ટીમમાં બદલાવ જોવા મળી રહ્યો છે. આ વિશે વધુ જણાવતાં તેમણે કહ્યું હતું કે ‘ચોક્કસ કંઈક તો થયું છે. હાલમાં ટીમનું વાતાવરણ થોડું હળવું લાગે છે. ટીમ અચાનક પહેલા કરતાં વધુ સાથે મળીને કામ કરી રહી છે.’
મુંબઈમાં આંતરિક અસંતોષ?
ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મુંબઈની ટીમમાં હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવાના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. હાર્દિકે પોતાના આઈપીએલ કારકિર્દીની શરૂઆત મુંબઈ ઇન્ડિયન્સથી જ કરી હતી, પરંતુ 2022માં તેઓ ગુજરાત ટાઇટન્સમાં જોડાયા હતા. 2024માં તેમની ફરી મુંબઈમાં વાપસી થઈ હતી. પરત આવ્યા બાદ તેમને રોહિત શર્માની જગ્યાએ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ નિર્ણયને લઈને જ વિરોધ જોવા મળ્યો હોવાનું કહેવાય છે કારણ કે ઘણા સિનિયર ખેલાડીઓનું માનવું હતું કે જો રોહિતને કેપ્ટન્સીમાંથી હટાવવાના હતા તો તેમની બાદ સૂર્યકુમાર યાદવ અથવા જસપ્રીત બુમરાહને કેપ્ટન બનાવવો જોઈએ હતો.









