ટીમ ઇન્ડિયાની ફજેતી: પાકિસ્તાન બાદ હવે UAE સામે શરમજનક હાર, કેપ્ટન કૃણાલ પંડ્યાની બોલિંગમાં છગ્ગાનો વરસાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Team India Knocked Out Of Hong Kong Sixes: હોંગકોંગ સિક્સીસ 2026 ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમનું પ્રદર્શન અત્યંત કંગાળ રહ્યું છે. પાકિસ્તાન સામે પરાજયનો સામનો કર્યા બાદ એવી આશા હતી કે ટીમ ઇન્ડિયા UAEને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લેશે, પરંતુ યુએઈએ પણ ભારતને કારમી હાર આપીને ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકી દીધું છે. સળંગ બીજી હાર સાથે ટીમ ઇન્ડિયા આ સ્પર્ધામાંથી ફેંકાઈ ગઈ છે.
ટી નટરાજનની લડાયક બેટિંગ, બાકીના બેટ્સમેનો ફ્લોપ
યુએઈ સામે પ્રથમ બેટિંગ કરતાં ભારતે 6 વિકેટ ગુમાવીને 94 રન બનાવ્યા હતા. બોલર ટી નટરાજને અસાધારણ બેટિંગનું પ્રદર્શન કરતાં માત્ર 14 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી ટીમ માટે સૌથી વધુ 38 રન ફટકાર્યા હતા. રાહુલ ત્રિપાઠીએ 7 બોલમાં 21 રનની ઝડપી ઇનિંગ્સ રમી હતી. બીજી તરફ શશાંક સિંહ, નીતિશ રાણા અને કેપ્ટન કૃણાલ પંડ્યા જેવા અનુભવી બેટ્સમેનો બેટ સાથે કોઈ ખાસ યોગદાન આપવામાં સંપૂર્ણ નિષ્ફળ રહ્યા હતા.
UAEએ માત્ર 26 બોલમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના મેચ જીતી લીધી
ભારતના 95 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી યુએઈની ટીમે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના માત્ર 26 બોલમાં મેચ પોતાના નામે કરી લીધી હતી. યુએઈના કેપ્ટન ખાલિદ શાહે માત્ર 14 બોલમાં તોફાની અર્ધશતક ફટકારી અણનમ 52 રન બનાવ્યા હતા, જેમાં 3 ચોગ્ગા અને 6 ગગનચુંબી છગ્ગા સામેલ હતા. ઓપનર અંશ ટંડને પણ આક્રમક બેટિંગ કરીને 12 બોલમાં 2 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી અણનમ 39 રન ઝૂડી કાઢ્યા હતા.
પાકિસ્તાન સામે પણ ભારતને મળી હતી કારમી હાર
આ અગાઉ 30 ઓક્ટોબરે રમાયેલી મેચમાં પાકિસ્તાને પણ ભારતીય ટીમને શરમજનક રીતે પરાજય આપ્યો હતો. શશાંક સિંહની 11 બોલમાં 40 રનની વિસ્ફોટક ઇનિંગ્સ છતાં ભારત 6 ઓવરમાં માત્ર 88 રન બનાવી શક્યું હતું. પાકિસ્તાને કેપ્ટન અબ્બાસ આફ્રિદીના 8 બોલમાં 35 રનના દમ પર માત્ર 3.5 ઓવર (23 બોલ)માં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.
કેપ્ટન કૃણાલ પંડ્યાની અત્યંત ખરાબ બોલિંગ
આખી ટૂર્નામેન્ટ દરમિયાન ભારતીય કેપ્ટન કૃણાલ પંડ્યાનું બોલિંગ પ્રદર્શન ભારે નિરાશાજનક રહ્યું હતું. પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં તેણે પોતાની પ્રથમ જ ઓવરના સતત 5 બોલમાં 5 છગ્ગા આપ્યા હતા. યુએઈ સામેની બીજી મેચમાં પણ તેમણે માત્ર 2 બોલ ફેંક્યા હતા અને તે બંને બોલ પર યુએઈના બેટ્સમેનોએ સતત બે છગ્ગા ફટકારી દીધા હતા.




