Ahmedabad

267 વેપારીઓનું 250 કરોડનું ફૂલેકું ફેરવી વિદેશી ભાગી ગયેલા ઓસિયા મોલના ધીરેન્દ્ર ચોપરાના આગોતરા જામીન ફગાવાયા

By GS Team
30 Oct 20262 mins read
TukuTouch Logo
ઓસીયા મોલ કૌભાંડમાં 267 વેપારીઓ પાસેથી ₹250 કરોડનો માલ મંગાવી નાણાં નહીં ચૂકવનાર ડાયરેક્ટર ધીરેન્દ્ર ચોપરાના આગોતરા જામીન સેશન્સ કોર્ટે ફગાવ્યા છે. સરકારપક્ષે જણાવ્યું કે, ચોપરા અને તેની પત્ની વિદેશ ભાગી ગયા છે. NCLTમાં પણ ₹634 કરોડના ક્લેઈમ છે અને મુંબઈ સહિત અન્ય રાજ્યોમાં પણ છેતરપિંડીના ગુના નોંધાયેલા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

267 વેપારીઓનું 250 કરોડનું ફૂલેકું ફેરવી વિદેશી ભાગી ગયેલા ઓસિયા મોલના ધીરેન્દ્ર ચોપરાના આગોતરા જામીન ફગાવાયા

Osia Mall Scam: વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાનો માલ મંગાવ્યા બાદ રૂપિયા નહીં ચૂકવી કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર ઓસીયા હાયપર રીટેઈલ લિ.ના ડાયરેક્ટર ધીરેન્દ્ર ગૌતમ ચોપરાને આગોતરા જામીન આપવાનો અત્રેની સેશન્સ કોર્ટે સાફ ઈનકાર કરી દીધો છે. સરકારપક્ષ તરફથી કોર્ટ સમક્ષ ખુલાસો કરાયો હતો કે, આરોપીએ 267 વેપારીઓ પાસેથી મોટાપાયે માલ મંગાવ્યા બાદ 250 કરોડ રૂપિયાથી વધુની રકમ ચૂકવી નથી. એનસીએલટીમાં પણ આરોપીઓ સામે 634 કરોડ રૂપિયાના કલેઈમ છે.

પતિ-પત્ની બંને વિદેશ ભાગી ગયા, સેશન્સ કોર્ટે ગંભીર નોંધ લીધી

આરોપી ડાયરેક્ટર ધીરેન્દ્ર ચોપરા અને તેની પત્ની વિદેશ ભાગી ગયા છે. તે એનસીએલટી કોર્ટ સમક્ષ પણ હાજર થતા નથી. આ સિવાય આરોપીઓ સામે મુંબઈ તેમજ અન્ય રાજ્યોમાં પણ છેતરપિંડીના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. કૌભાંડની ગંભીરતા ધ્યાને લઈ એડિશનલ સેશન્સ જજ જે.આઈ.પટેલે ધીરેન્દ્ર ચોપરાની આગોતરા જામીનઅરજી ફગાવી દીધી હતી.

ઓસીયા હાયપર રીટેઈલ લિ.ના કરોડો રૂપિયાના કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઈમમાં ગુનો નોંધાયો છે. સીઆઈડી ક્રાઈમની તપાસમાં મોટા ખુલાસો સામે આવ્યો હતો કે, મૂળ ફરિયાદમાં 4.43 કરોડ રૂપિયાની છેતરપિંડીની વાત હતી, પરંતુ તપાસ દરમિયાન ઓસીયા હાયપર રીટેઈલ લિ.ના ધીરેન્દ્ર ચોપરા અને તેની પત્ની કવિતા ચોપરાની સંડોવણી મોટાપાયે બહાર આવી હતી. જેમાં આરોપીઓએ આશરે 267 વેપારીઓ પાસેથી 250 કરોડ રૂપિયા રૂપિયાનો માલ મંગાવી ફુલેકું ફેરવ્યું હતું અને તેઓને માલના પૈસા આપવામાંથી હાથ ઊંચા કરી દીધા હતા.

આ કેસમાં આરોપી ડાયરેક્ટર ધીરેન્દ્ર ચોપરાની આગોતરા જામીન અરજીનો સરકારપક્ષ તરફથી ઉગ્ર વિરોધ કરતાં જણાવાયું હતું કે, અરજદાર આરોપીએ તેમના પત્ની કવિતા ચોપરા તથા અન્ય રૂચિ રાજકુમાર સહિતના આરોપીઓએ ઓસીયા મોલના સ્ટાફ મારફતે નાના-મોટા વેપારીઓ પાસેથી માલ મંગાવ્યો હતો. શરૂઆતમાં સમયસર નાણાં ચૂકવી વિશ્વાસ કેળવ્યા બાદ, ખાતામાં બેલેન્સ નથી તેવું જાણતા હોવાછતાં પંજાબ નેશનલ બેંકના ચેકો સહી કરીને આપ્યા હતા. એટલું જ નહીં, ચેકો રિટર્ન કરાવી, મોલમાં માલ વેચી તેના પૈસા પોતાના અને પરિવારના નામે મિલકતો ખરીદવામાં વાપરી કાઢ્યા હતા.

સરકારપક્ષ તરફથી અદાલતનું ધ્યાન દોરાયું કે, સેંકડો વેપારીઓને કરોડો રૂપિયાનો ચૂનો લગાડનાર આરોપી ડાયરેક્ટર ધીરેન્દ્ર ચોપરા અને તેની પત્ની હાલ વિદેશ નાસી ગયા છે અને કેસની તપાસમાં સાથ સહકાર આપી રહ્યા નથી. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી)માં પણ આરોપીઓ હાજર થતા નથી. આરોપીઓ રીઢા ગુનેગાર છે અને આ પ્રકારની છેતરપિંડી આચરવાની ટેવવાળા છે. આરોપીઓ વિરુદ્ધ મુંબઈ તેમજ અન્ય રાજ્યોમાં પણ છેતરપિંડીના ગુના નોંધાયેલા છે. કૌભાંડની ગંભીરતા જોતાં આરોપીની કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશન ખૂબ જરૂરી છે અને જો તેને આગોતરા જામીન આપાય તો કેસના સાક્ષીઓ અને પુરાવાઓ સાથે ચેડાં થવાની પૂરી શક્યતા છે અને કેસની તપાસને પણ વિપરીત અસર થાય.