Sports

ટી20 વર્લ્ડકપ ફાઈનલમાં મળશે 'સરપ્રાઈઝ'? અમદાવાદમાં આ વખતે 'હાઈબ્રિડ પિચ'

By GS Team
7 Mar 20263 mins read
TukuTouch Logo
ટી20 વર્લ્ડ કપની ફાઈનલને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે ક્રિકેટ પ્રેમીઓની નજર ભારત અને ન્યુઝીલેન્ડના ખેલાડીઓ પર તો છે જ, પરંતુ તેનાથી પણ વધુ ચર્ચા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચને લઈને થઈ રહી છે. ગ્રાઉન્ડ સ્ટાફ આ વખતે ફાઈનલ માટે 'હાઈબ્રિડ પિચ' તૈયાર કરી રહ્યો હોવાના અહેવાલો છે, જે મેચનું પરિણામ નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટી20 વર્લ્ડકપ ફાઈનલમાં મળશે 'સરપ્રાઈઝ'? અમદાવાદમાં આ વખતે 'હાઈબ્રિડ પિચ'

T20 World Cup Final 2026: ટી20 વર્લ્ડ કપની ફાઈનલને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે ક્રિકેટ પ્રેમીઓની નજર ભારત અને ન્યુઝીલેન્ડના ખેલાડીઓ પર તો છે જ, પરંતુ તેનાથી પણ વધુ ચર્ચા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચને લઈને થઈ રહી છે. ગ્રાઉન્ડ સ્ટાફ આ વખતે ફાઈનલ માટે 'હાઈબ્રિડ પિચ' તૈયાર કરી રહ્યો હોવાના અહેવાલો છે, જે મેચનું પરિણામ નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે.

ત્રણ પ્રકારની પિચ અને 'હાઈબ્રિડ' ફોર્મ્યુલા

અહેવાલો અનુસાર, અમદાવાદનું આ મેદાન દેશના અન્ય સ્ટેડિયમો કરતા અલગ છે કારણ કે અહીં લાલ માટી, કાળી માટી અને બંનેના મિશ્રણવાળી એમ ત્રણ પ્રકારની પિચો છે. કાળી માટીની પિચ ધીમી હોય છે અને બોલ રોકાઈને આવતો હોવાથી બેટર્સને મુશ્કેલી પડે છે. લાલ માટીની પીચ અહીં વધુ ઉછાળો અને ગતિ મળે છે, જે હાઈ-સ્કોરિંગ મેચ માટે આદર્શ માનવામાં આવે છે.

સૂત્રોના જણાવ્યાનુસાર, ફાઈનલ માટે લાલ અને કાળી માટીના મિશ્રણવાળી સેન્ટર પિચ પસંદ કરાઈ શકે છે. આ પિચ પર શરૂઆતમાં ગતિ અને ઉછાળો જોવા મળશે, જ્યારે મેચ આગળ વધતા સ્પિનરોને થોડી પકડ મળી શકે છે.

કેમ લાલ માટી પર વધુ ભાર મુકાયો?

ભારતીય ટીમનો ભૂતકાળનો અનુભવ આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ હોઈ શકે છે. 2023ના વનડે વર્લ્ડકપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત કાળી માટીની ધીમી પિચ પર ફસાઈ ગયું હતું. તે જ રીતે, ચાલુ ટુર્નામેન્ટના સુપર-8માં પણ દક્ષિણ આફ્રિકા સામે ભારતને આ જ મેદાન પર કાળી માટીની પિચને કારણે હારનો સામનો કરવો પડ્યો હતો. આ કડવા અનુભવોમાંથી પાઠ શીખીને આ વખતે વધુ સંતુલિત અને ઝડપી પિચ તૈયાર કરવા પર ધ્યાન અપાયું છે.

આ પણ વાંચો: 'બુમરાહ પણ માણસ છે, એનો પણ દિવસ ખરાબ હોઈ શકે..' ફાઈનલ અગાઉ કિવી ખેલાડીની 'માઈન્ડ ગેમ'

BCCIના ઉચ્ચ અધિકારીઓની નજર

શુક્રવારે મોડી રાત સુધી પિચ અંગે સસ્પેન્સ જળવાઈ રહ્યું હતું. સામાન્ય રીતે પિચ ફાઈનલ થયા બાદ જ સ્ટમ્પ કેમેરા લાગે છે, જે હજુ સુધી જોવા મળ્યા ન હતા. BCCIના CEO હેમાંગ અમીન અને સ્થાનિક ક્યુરેટર્સે પિચનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ પિચ પર અત્યાર સુધી માત્ર એક જ મેચ (9 ફેબ્રુઆરીએ કેનેડા વિ. દક્ષિણ આફ્રિકા) રમાઈ છે, જેમાં આફ્રિકાએ 213 રન ફટકાર્યા હતા. આથી, પિચ તાજી હોવાથી રનનો વરસાદ થવાની પૂરી શક્યતા છે.

કોને થશે ફાયદો?

જો પિચ અપેક્ષા મુજબ લાલ માટીના ગુણો ધરાવતી હશે, તો ભારતીય પેસ એટેક ખાસ કરીને જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ નવા બોલથી કીવી બેટર્સને મુશ્કેલીમાં મૂકી શકે છે. બુમરાહની સચોટ લાઇન અને લેન્થ ઉછાળવાળી પિચ પર ઘાતક સાબિત થઈ શકે છે. બીજી તરફ, બેટર્સને પણ બોલ બેટ પર સરસ રીતે આવતો હોવાથી મોટા શોટ્સ રમવામાં સરળતા રહેશે.

હવે જોવાનું એ રહેશે કે રવિવારે ટોસ વખતે કયા પ્રકારની પિચ પરથી પડદો ઉંચકાય છે અને તે ભારતને વિશ્વ વિજેતા બનાવવામાં કેટલી મદદરૂપ થાય છે.