T20 World Cup 2026: T20 વર્લ્ડ કપ 2026માં વેસ્ટ ઈન્ડિઝની ટીમ અત્યારે ફુલ ફોર્મમાં જોવા મળી રહી છે. ઝિમ્બાબ્વેને ધૂળ ચટાડ્યા બાદ વેસ્ટ ઈન્ડિઝરન રેટમાં ઉછાળો આવ્યો છે. આ જીત સાથે વેસ્ટ ઈન્ડિઝ ગ્રુપ-એના પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે અને ભારત માટે મુશ્કેલીઓ વધારી દીધી છે.
વેસ્ટઈન્ડિઝની વિકરાળ જીત, ભારતનું ટેન્શન વધ્યું
ઝિમ્બાબ્વે સામેની પ્રચંડ જીત બાદ વેસ્ટ ઈન્ડિઝનો નેટ રન રેટ +5.35 પર પહોંચી ગયો છે. દક્ષિણ આફ્રિકા બીજા ક્રમે ધકેલાઇ ગયું છે. ભારત અને સાઉથ આફ્રિકા બંને માટે હવે આ પડકાર ઘણો મોટો થઈ ગયો છે. ભારત માટે ચિંતાની વાત એ છે કે દક્ષિણ આફ્રિકા સામેની પહેલી મેચ 76 રને હાર્યા બાદ ભારતનો રન રેટ -3.8 છે. જોકે, ઝિમ્બાબ્વે 107 રને હારતા તે ભારતથી નીચે ફેંકાયું છે, પણ ભારત હજુ સુરક્ષિત નથી. સુપર-8 માંથી જ બહાર થવાની તલવાર ટીમ ઈન્ડિયા પર લટકી રહી છે.
કયા ગ્રુપમાં કઈ બે ટીમો ટોપમાં?
T20 વર્લ્ડ કપ હવે તેના સૌથી રોમાંચક તબક્કે પહોંચ્યો છે. સુપર-8 માં 8 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપની ટોપ-2 ટીમો જ સેમીફાઈનલમાં પ્રવેશશે. અત્યારે બંને ગ્રુપમાં સ્થિતિ કંઈક આવી છે:
જેમાં ગ્રુપ-1 વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા પ્રથમ બે ક્રમ પર છે. જ્યારે ભારત ત્રીજા અને ઝિમ્બાબ્વે ચોથા ક્રમે છે. ગ્રુપ-2 ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન ટોપ-2માં છે.
સેમિફાઈનલમાં પહોંચવા શું કરવું પડશે?
ભારતે સેમિફાઈનલમાં પહોંચવું હોય તો 26 ફેબ્રુઆરીએ ઝિમ્બાબ્વે અને 1 માર્ચે વેસ્ટ ઈન્ડિઝ સામેની બંને મેચો મોટા માર્જિનથી જીતવી પડશે. સાથે જ એવી પ્રાર્થના કરવી પડશે કે 26 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકા વેસ્ટ ઈન્ડિઝને હરાવે.


