ટી20 વર્લ્ડકપ 2026માંથી શુભમન ગિલને કેમ પડતો મુકાયો, જાણો ટીમ ઈન્ડિયાના સિલેક્શનની ઈન્સાઈડ સ્ટોરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

T20 World Cup 2026: ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ની સિનિયર સિલેક્શન કમિટીએ આજે શનિવારે(20 ડિસેમ્બર) ફેબ્રુઆરીમાં શરૂ થનારી T20 વર્લ્ડ કપ 2026ને લઈને ભારતીય ટીમની જાહેરાત કરી છે. અજિત અગરકરના નેતૃત્વ હેઠળની પેનલે આખરે મુખ્ય કોચ ગૌતમ ગંભીરના ફેવરિટ ગણાતા સુંદર અને રિંકુ બંનેએ બાજી મારીને ટીમમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી લીધું છે. બીજી તરફ ઝારખંડ માટે અલગ-અલગ ઘરેલુ પ્રતિયોગિતામાં સારા એવા રન કરવાનું ઈશાન કિશનને ફળ મળ્યું છે. એક સમયે BCCIએ કૉન્ટ્રૅક્ટમાંથી પણ કાઢી મૂકેલા ઈશાનને 750 દિવસ બાદ ટીમ ઈન્ડિયાએ સામેલ કરવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં ઈશાને ઝારખંડને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનો ખિતાબ અપાવ્યો હતો. હરિયાણા સામેની ફાઈનલમાં તેણે ધમાકેદાર સદી ફટકારી હતી. આ બધા વચ્ચે ક્રિકેટ ચાહકોને એક પ્રશ્ન સતત સતાવી રહ્યો છે કે આખરે શુભમન ગિલને કેમ બેસાડી દેવામાં આવ્યો?
ગિલને પહેલાથી કોઈ જાણ કરાઇ ન હતી
જ્યારે BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ 2026 T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી ત્યારે શુભમન ગિલ પત્તું કપાઈ ગયું હતું. આ દરમિયાન એક ચોંકાવનારી માહિતી સામે આવી છે કે શુભમન ગિલને T20 ટીમમાંથી બહાર કરાયાની કોઈએ જાણ કરી ન હતી. એક ખાનગી રિપોર્ટમાં BCCI સૂત્રના હવાલે જણાવાયું છે કે મુખ્ય પસંદગીકાર અજિત અગરકર, મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ શુભમન ગિલ સાથે ટીમમાંથી બહાર થવા અંગે વાત કરી ન હતી. બીજી તરફ કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ ખરાબ ફોર્મમાં હતો, પરંતુ તેમની કેપ્ટનશીપ ઓછામાં ઓછી વર્લ્ડ કપ સુધી તો અકબંધ રહેશે.
ગિલ પાંચમી T20 મેચમાં રમવા માંગતો હતો, પરંતુ..
રિપોર્ટ મુજબ દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી દરમિયાન શુભમન ગિલને પગમાં ઈજા થઈ ત્યારથી એવા અહેવાલો વહેતા થયા હતા કે ગૌતમ ગંભીર અને સૂર્યકુમાર યાદવ સહિત ટીમ મેનેજમેન્ટે ગિલના વિકલ્પો શોધવાનું શરૂ કરી દીધું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગિલ અમદાવાદમાં રમાયેલી પાંચમી T20 મેચમાં રમવા માંગતો હતો, પરંતુ સૂત્રોએ જણાવ્યું હતું કે ટીમ મેનેજમેન્ટે તેને તે પહેલા જ ટીમમાંથી બહાર કરવાની યોજના બનાવી લીધી હતી. આનો અર્થ એ થયો કે ગિલને કોઈપણ પૂર્વ સૂચના વિના ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.
અજિત અગરકરે કોઈ સ્પષ્ટ જવાબ ન આપ્યો
શુભમન ગિલની ઈજા અંગે ફ્રેક્ચરની અટકળો ચાલી રહી હતી પરંતુ તબીબી ટીમન સ્પષ્ટ કર્યું હતું કે ગિલની ઈજા ગંભીર નથી. પરિણામે, તે દક્ષિણ આફ્રિકા સામે પાંચમી T20I રમી શકે છે. પ્રેસ કોન્ફરન્સમાં એ પણ જોવા મળ્યું કે મુખ્ય ટીમ પસંદગીકાર અજિત અગરકરે ગિલને કેમ પડતો મુકાયો તે અંગે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો.
પહેલાથી જ નક્કી હતું?
તો બીજી તરફ સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, ટીમ મેનેજમેન્ટ પહેલાથી જ ગિલ માટે વૈકલ્પિક વિકલ્પો પર વિચાર કરી રહ્યું હતું, જે પગની ઈજાને કારણે લખનઉમાં ચોથી ટી20iમાંથી બહાર થઈ ગયો હતો. ત્યારબાદ, ઈજા ગંભીર ન હોવા છતાં, તેને અમદાવાદમાં અંતિમ T20I રમતમાં ઉતરાયો ન હતો. જો BCCI સૂત્રોનું માનીએ તો ટીમ મેનેજમેન્ટે પહેલાથી જ ઉપ કેપ્ટનને પડતો મૂકવાનો નિર્ણય લઈ લીધો હતો. આ ઉપરાંત શુભમન ગિલ સતત ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો હતો. તેને વધારે ચાન્સ આપવા છતાં પણ છેલ્લી 15 મેચોમાં ફક્ત 291 રન બનાવ્યા હતા. જેમાં ગિલની સરેરાશ ફક્ત 24.25 અને સ્ટ્રાઇક રેટ 137.26 હતી. ગિલે એક પણ અડધી સદી ફટકારી ન હતી.
આ પણ વાંચો: T20 World Cup માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, સૂર્યકુમાર કૅપ્ટન, અક્ષર વાઇસ કૅપ્ટન, ગિલ બહાર
T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, સંજુ સેમસન (વિકેટકીપર), કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, રિંકુ સિંહ, હર્ષિત રાણા અને ઈશાન કિશન.









