T20 World Cup 2026, South Africa vs Afghanistan : T20 વર્લ્ડકપ-2026માં આજે દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં ઈતિહાસ રચાયો છે. આ હાઈ વોલ્ટેજ મુકાબલામાં બે-બે સુપર ઓવરના ડ્રામા બાદ અફઘાનિસ્તાનની હાર થઈ છે, પરંતુ આ હાર છતાં અફઘાનિસ્તાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ રોમાંચક મેચે ક્રિકેટ ચાહકોને જાન્યુઆરી 2024માં ભારત સામે રમાયેલી એ યાદગાર મેચ અને રોહિત શર્માની વિસ્ફોટક ઈનિંગની યાદ અપાવી દીધી છે.
મેચ ટાઈ બાદ બે સુપર ઓવરનો રોમાંચ
આજની મેચની વાત કરીએ તો, દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 187 રન બનાવ્યા હતા. આફ્રિકા તરફથી ક્વિન્ટન ડી કોકએ 59 રન (41 બોલ, 5 ચોગ્ગા, 3 છગ્ગા) અને રિયાન રિકલટનએ 61 રન (28 બોલ, 5 ચોગ્ગા, 4 છગ્ગા)ની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. અફઘાનિસ્તાન તરફથી અઝમતુલ્લા ઓમરઝાઈએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ પણ 187 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી, જેમાં રહેમાનુલ્લા ગુરબાઝએ 42 બોલમાં 4 ચોગ્ગા અને 7 છગ્ગા સાથે 84 રનની તોફાની ઈનિંગ રમી હતી. આફ્રિકા તરફથી લુન્ગી એનગિડીએ 3 વિકેટ ઝડપી હતી. સ્કોર સરખો થતા મેચ સુપર ઓવરમાં પહોંચી હતી.
બીજી સુપર ઓવરમાં દક્ષિણ આફ્રિકાનો વિજય
પ્રથમ સુપર ઓવરમાં દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન બંનેએ 17-17 રન બનાવતા ફરીથી ટાઈ થઈ હતી. ત્યારબાદ બીજી સુપર ઓવર રમાડવામાં આવી, જેમાં દક્ષિણ આફ્રિકાએ 23 રનનો મોટો સ્કોર ઉભો કર્યો હતો. જેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ માત્ર 19 રન જ બનાવી શકી અને દક્ષિણ આફ્રિકાનો વિજય થયો હતો.
અફઘાનિસ્તાનનો અનોખો રેકોર્ડ અને રોહિત શર્માનું કનેક્શન
આમ તો T20 વર્લ્ડકપના ઈતિહાસમાં બે સુપર ઓવર રમાડવી પડે તેવી, આ પ્રથમ ઘટના બની છે, જ્યારે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટ ઈતિહાસમાં બીજી ઘટના બની છે. આ સાથે અફઘાનિસ્તાન વિશ્વની એવી પ્રથમ ટીમ બની છે જે બે વખત ‘બે સુપર ઓવર’ મેચનો ભાગ બની હોય. આ ઘટનાએ જાન્યુઆરી 2024ની બેંગલુરુ મેચની યાદ તાજી કરી દીધી છે. તે મેચમાં પણ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બે સુપર ઓવર રમાઈ હતી.
અફઘાનિસ્તાનની સુપર ઓવરોએ રોહિત શર્માની ઈનિંગ યાદ અપાવી દીધી
જાન્યુઆરી-2024ની ઐતિહાસિક મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 69 બોલમાં 11 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી અણનમ 121 રન ફટકાર્યા હતા. એ મેચમાં અફઘાનિસ્તાન તરફથી રહેમાનુલ્લા ગુરબાઝ (50), ઈબ્રાહિમ ઝાદરાન (50) અને ગુલબદિન નાઈબ (55)એ લડત આપી હતી, પરંતુ અંતે ભારતીય ટીમ સામે હાર થઈ હતી. ત્યારે આજે ફરી એક મેચમાં બે સુપર ઓવરનો રોમાંચ જોવા મળ્યો છે.


