| (IMAGE - IANS) |
Bangladesh's U-Turn on T20 World Cup Boycott: ભારતમાં યોજાનાર T20 વર્લ્ડકપમાં રમવાનો ઇન્કાર કરનાર બાંગ્લાદેશના વલણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. અગાઉ સુરક્ષા કારણો આગળ ધરીને ખસી જનાર બાંગ્લાદેશના ખેલ સલાહકાર આસિફ નઝરુલે હવે એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે વર્લ્ડકપનો બહિષ્કાર કરવાનો નિર્ણય સરકારનો નહીં, પરંતુ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ(BCB) અને ત્યાંના ખેલાડીઓનો હતો. ખેલાડીઓએ 'રાષ્ટ્રીય સન્માનની રક્ષા' માટે વર્લ્ડકપના સપનાનું બલિદાન આપ્યું છે.
પહેલાના નિવેદનથી તદ્દન ઉલટી વાત
આસિફ નઝરુલનું આ નવું નિવેદન તેમના જ અગાઉના નિવેદનો કરતાં સાવ અલગ છે. જાન્યુઆરી મહિનામાં જ્યારે ખેલાડીઓ સાથે બેઠક યોજાઈ હતી, ત્યારે નઝરુલે સ્પષ્ટપણે કહ્યું હતું કે બાંગ્લાદેશ વર્લ્ડ કપમાં ભાગ લેશે કે નહીં, તે પૂરેપૂરો સરકારનો નિર્ણય છે. તે સમયે તેમણે ICC પર પણ નિશાન સાધતાં કહ્યું હતું કે બાંગ્લાદેશને ન્યાય મળ્યો નથી. પરંતુ હવે તેમણે સુર બદલતા આ નિર્ણયને ખેલાડીઓની દેશભક્તિ સાથે જોડી દીધો છે.
BCB અને ખેલાડીઓના 'બલિદાન'ની પ્રશંસા
મંગળવારે પત્રકારો સાથે વાત કરતાં આસિફ નઝરુલે કહ્યું કે, 'વર્લ્ડ કપમાં ન રમવા બદલ અમને કોઈ અફસોસ નથી. આ નિર્ણય BCB અને ખેલાડીઓએ લીધો હતો કારણ કે તેઓ દેશની સુરક્ષા અને ગરિમા જાળવવા માંગતા હતા. ICCએ હવે ખાતરી આપી છે કે બાંગ્લાદેશ પર કોઈ પ્રતિબંધ નહીં લાગે અને ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટોના યજમાન તરીકે તેની વિચારણા કરવામાં આવશે. આ બાબતને તેમણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની મોટી સફળતા ગણાવી છે.


