અમને દર મહિને રૂ. 4 લાખ નહીં, 10 લાખ ભરણપોષણ ભથ્થું જોઈએ, ક્રિકેટર શમીની પત્નીની સુપ્રીમ કોર્ટમાં માંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mohammad Shami News : ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર મોહમ્મદ શમીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સુપ્રીમ કોર્ટે શમીની પત્ની હસીન જહાં દ્વારા દાખલ કરવામાં આવેલી ભરણપોષણની રકમ વધારવાની માંગ કરતી અરજી પર નોટિસ જારી કરી છે. કોર્ટે મોહમ્મદ શમી અને પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી ચાર અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. આ કેસની આગામી સુનાવણી ચાર અઠવાડિયા પછી થશે.
હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો
હસીન જહાંએ કલકત્તા હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. ઉલ્લેખનીય છે કે, કલકત્તા હાઈકોર્ટે હસીન જહાંને દર મહિને ₹1.5 લાખ અને તેમની દીકરી માટે ₹2.5 લાખ ભરણપોષણ આપવાનો આદેશ આપ્યો હતો. હસીન જહાંએ આ રકમને અપૂરતી ગણાવીને તેને વધારવાની માંગ કરી છે.
દર મહિને 10 લાખ રૂપિયા ભરણપોષણની માંગ
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં હસીન જહાંએ માંગ કરી છે કે, મોહમ્મદ શમીને આદેશ આપવામાં આવે કે તે પત્ની તરીકે તેમને દર મહિને ₹7,00,000 અને સગીર દીકરીના ઉછેર માટે દર મહિને ₹3,00,000 વચગાળાના ભરણપોષણ તરીકે ચૂકવે.
શમી પર લગાવ્યા હતા ગંભીર આરોપ
નોંધનીય છે કે, મોહમ્મદ શમી અને મોડલ હસીન જહાંના લગ્ન 2014માં થયા હતા. પરંતુ 2018માં હસીન જહાંએ શમી પર ઘરેલું હિંસા જેવા ગંભીર આરોપો લગાવીને અલગ રહેવાનું શરૂ કર્યું હતું. તેમને એક દીકરી પણ છે. આ પહેલા જુલાઈ મહિનામાં હસીન જહાંએ શમી પર તેને બદનામ કરવાનો અને તેની વિરુદ્ધ ગુનેગારોને કામે લગાડવાનો આરોપ લગાવ્યો હતો. એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં હસીન જહાંએ શમીને 'ચરિત્રહીન, લાલચી અને મતલબી' કહ્યો હતો. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે, "હવે હું કાયદાની મદદ લઈશ, મારા તમામ અધિકારોનો દાવો કરીશ અને ખુશીથી રહીશ."








