ફૂટબોલમાં 'પુનર્જન્મ': જ્યાં રડતાં રડતાં નિવૃત્તિ લીધી, 10 વર્ષ બાદ એ જ મેદાન પર વર્લ્ડ કપ ફાઈનલ રમશે મેસી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Lionel Messi Argentina vs Spain FIFA World Cup Final 2026: ઈસ્ટ રધરફોર્ડના મેટલાઇફ સ્ટેડિયમમાં જ્યારે ફિફા વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં આર્જેન્ટિના અને સ્પેનની ટીમો આમને-સામને ટકરાશે, ત્યારે કરોડો ફેન્સની નજર લિયોનેલ મેસી પર રહેશે. 39 વર્ષના આ દિગ્ગજ ફૂટબોલર માટે આ મેચ માત્ર એક ફાઇનલ નથી, પરંતુ ભાવનાત્મક રીતે એક મોટું વર્તુળ પૂરું થવા સમાન છે. આ એ જ સ્ટેડિયમ છે જ્યાં બરાબર 10 વર્ષ પહેલા મેસીએ નિરાશ થઈને ફૂટબોલ જગતને ચોંકાવનારો આંચકો આપતાં આંતરરાષ્ટ્રીય સંન્યાસની જાહેરાત કરી દીધી હતી.
2016 નો એ કાળો દિવસ અને મેસીના આંસુ
વર્ષ 2016 માં કોપા અમેરિકાની ફાઇનલ મેચમાં આર્જેન્ટિનાનો ચિલી સામે પરાજય થયો હતો. એ સતત ત્રીજી ફાઇનલ હતી જેમાં આર્જેન્ટિનાને હારનો સામનો કરવો પડ્યો હતો (આ અગાઉ 2014 વર્લ્ડ કપ અને 2015 કોપા અમેરિકાની ફાઇનલમાં પણ તેઓ હાર્યા હતા). ચિલી સામેની આ મેચ એક્સ્ટ્રા ટાઇમ સુધી ગોલરહિત રહી અને પેનલ્ટી શૂટઆઉટમાં મેસી પોતે કિક ચૂકી ગયો હતો. આ હાર બાદ માત્ર 29 વર્ષની ઉંમરે ભાવુક થઈને મેસીએ કહ્યું હતું કે, "મારા માટે હવે નેશનલ ટીમનું પ્રકરણ પૂરું થઈ ગયું છે."
જનતા અને નેતાઓના દબાણ બાદ વાપસી
ફેન્સની આકરી ટીકાઓથી કંટાળીને સંન્યાસ લેનારા મેસીને મનાવવા માટે આર્જેન્ટિનાની જનતાથી લઈને મોટા રાજકારણીઓ પણ મેદાનમાં આવ્યા હતા. પરિણામે, માત્ર 2 મહિના બાદ જ મેસીએ પોતાનો નિર્ણય બદલવો પડ્યો હતો. 2018 ના વર્લ્ડ કપ ક્વોલિફાયર્સમાં આર્જેન્ટિના જ્યારે બહાર ફેંકાવાની અણી પર હતું, ત્યારે ક્વિટો ખાતે ઇક્વાડોર સામે મેસીએ શાનદાર હેટ્રિક ફટકારીને ટીમને 3-1 થી જીતાડી સિંગલ-હેન્ડેડલી વર્લ્ડ કપની ટિકિટ અપાવી હતી. જોકે, 2018 નો વર્લ્ડ કપ આર્જેન્ટિના માટે નિરાશાજનક રહ્યો અને ટીમ રાઉન્ડ ઓફ 16 માંથી જ બહાર થઈ ગઈ હતી.
કોચ સ્કાલોનીની એન્ટ્રી અને સુવર્ણ યુગની શરૂઆત
આર્જેન્ટિના ફૂટબોલ એસોસિએશને લિયોનેલ સ્કાલોનીને વચગાળાના કોચ બનાવ્યા, જેમણે મેસીની આસપાસ એક મજબૂત ટીમ તૈયાર કરી. રોડ્રિગો ડી પોલ, ક્રિસ્ટિયન રોમેરો અને ગોલકીપર એમિલિયાનો માર્ટિનેઝ જેવા ખેલાડીઓના દમ પર આર્જેન્ટિનાએ પહેલા 2021 માં બ્રાઝિલને હરાવીને 28 વર્ષનો ટ્રોફીનો દુકાળ ખતમ કર્યો. ત્યારબાદ 2022 માં કતાર વર્લ્ડ કપ જીત્યો અને 2024 માં ફરી કોપા અમેરિકા ચેમ્પિયન બન્યા.
ઇતિહાસ રચવાની સુવર્ણ તક
હવે નિયતિ મેસીને ફરી એ જ મેદાન પર ખેંચી લાવી છે જ્યાંથી તેની કારકિર્દી તૂટી ગઈ હોય તેવું લાગતું હતું. ફૂટબોલના ઇતિહાસમાં અત્યાર સુધી માત્ર બે જ દેશો સતત બે વાર વર્લ્ડ કપ જીતી શક્યા છે: ઇટાલી (1934, 1938) અને બ્રાઝિલ (1958, 1962). જો મેસી સ્પેનને હરાવવામાં સફળ રહેશે, તો આર્જેન્ટિના આ એલિટ ક્લબમાં સામેલ થઈ જશે અને મેસીની મહાનતા પર અમર મહોર વાગી જશે.









