Get The App

VIDEO: IPL 2026ની પહેલી મેચમાં ફિલ સોલ્ટે કર્યો 'સુપરમેન' કેચ, જોનારા રહી ગયા દંગ

Updated: Mar 28th, 2026

GS TEAM

Google News
Google News
VIDEO: IPL 2026ની પહેલી મેચમાં ફિલ સોલ્ટે કર્યો 'સુપરમેન' કેચ, જોનારા રહી ગયા દંગ 1 - image


Phil Salt Magical Catch: IPL 2026ની ઓપનિંગ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના નવા કેપ્ટન ઈશાન કિશને કમાલની બેટિંગ કરી હતી. પેટ કમિન્સની ઈજાના કારણે કેપ્ટનશીપની જવાબદારી સંભાળતા ઈશાન કિશને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના બોલરોની લાઈન-લેન્થ બગાડી નાખી હતી. પરંતુ તેને આઉટ કરવા માટે ફિલ સોલ્ટે એક અવિશ્વસનીય કેચ ઝડપ્યો હતો. ફિલ સોલ્ટે અદભૂત દોડ લગાવીને હવામાં છલાંગ લગાવી આ કેચ લપકી લીધો હતો, જેને જોઈને દરેક ક્રિકેટ ચાહકો દંગ રહી ગયા હતા.

ફિલ સોલ્ટે ઝડપ્યો અદભૂત કેચ

ઈશાન કિશન 37 બોલમાં 80 રનની વિસ્ફોટક ઈનિંગ રમીને ક્રીઝ પર રમી રહ્યો હતો, ત્યારે જ ફિલ સોલ્ટે ગજબનો એથલેટિક કેચ ઝડપીને સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. સનરાઇઝર્સ હૈદરાબાદની ઈનિંગની 16મી ઓવરના છેલ્લા બોલ પર અભિનંદન સિંહ સામે ઈશાન કિશને પોઈન્ટની ઉપરથી શાનદાર શોટ રમ્યો હતો, જે બાઉન્ડ્રી તરફ જઈ રહ્યો હતો. પહેલી નજરે એવું લાગતું હતું કે બોલ ફેન્સની બહાર જશે, પરંતુ ત્યારે જ ફિલ સોલ્ટે ડીપ બેકવર્ડ પોઈન્ટ તરફ દોડ લગાવી હતી. તેણે હવામાં ઉડતા પોતાની જમણી તરફ હાથ લંબાવીને એક હાથે શાનદાર કેચ પકડી લીધો હતો.

મેચનો ટર્નિંગ પોઈન્ટ

આ કેચ એટલો અદભૂત હતો કે પહેલી નજરે કોઈને પણ વિશ્વાસ ન આવ્યો. કોમેન્ટેટર્સે પણ ફિલ સોલ્ટને ‘સુપરમેન’ કહીને બોલાવ્યો હતો. આ કેચ માત્ર મેચનો ટર્નિંગ પોઈન્ટ જ સાબિત થયો નથી, પરંતુ IPL 2026ની પ્રથમ મેચની સૌથી યાદગાર ફિલ્ડિંગ મોમેન્ટ પણ બની ગઈ હતી. જેના કારણે ઈશાન કિશનની વિસ્ફોટક ઈનિંગનો અંત આવ્યો હતો,  સોલ્ટના આ શાનદાર કેચના કારણે ઈશાન 38 બોલમાં 80 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો, જેમાં 8 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ હતા.

આ પણ વાંચો: IPL 2026ની પહેલી મેચ RCBના નામે, SRHને 6 વિકેટથી હરાવ્યું, કોહલીની દમદાર ઈનિંગ

RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, પ્રથમ બેટિંગમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 201 બનાવ્યા હતા. મોટા ટાર્ગેટને પાર પાડવા ઉતરેલી RCB ટીમે 15.4 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર આસાનીથી 6 વિકેટે જીત મેળવી IPLમાં ધમાકેદાર શરૂઆત કરી છે.

સ્કોર કાર્ડ

SRH: 201/9(20)

RCB: 203/4(15.4)