IPL 2026: IPL 2026 માટે રાશિદ ખાન ગુજરાત ટાઈટન્સ સાથે જોડાઈ ગયો છે. ટીમને આ સીઝનમાં રાશિદ પાસેથી મજબૂત પ્રદર્શનની આશા રહેશે. અફઘાનિસ્તાનના સ્પિન બોલર માટે ગત સીઝન કંઈ ખાસ નહોતી રહી. તેણે 15 મેચમાં માત્ર 9 વિકેટ જ ઝડપી હતી.
રાશિદ ખાનના સ્વાગત માટે ખાસ પોસ્ટ
ગુજરાત ટાઇટન્સે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ 'X' પર રાશિદ ખાનના સ્વાગત માટે એક ખાસ પોસ્ટ શેર કરી છે. રાશિદનીતસવીર સાથે ગુજરાતે કેપ્શનમાં લખ્યું કે, 'ખુશીનો માહોલ છે, કારણ કે ગુજરાતનું ગૌરવ ઘરે આવી ગયું છે. ઘરમાં તમારું સ્વાગત છે, રાશિદ ખાન.' રાશિદ IPL 2025માં ગુજરાત ટાઈટન્સ માટે રમતા સંઘર્ષ કરતો નજર આવ્યો હતો. રાશિદે 9.35ના ઈકોનોમી રન ખર્ચ કર્યા હતા.
T20 વર્લ્ડ કપ 2026માં રાશિદ ખાનનું શાનદાર પ્રદર્શન
જોકે, તાજેતરમાં પૂર્ણ થયેલા T20 વર્લ્ડ કપ 2026માં રાશિદ ખાને શાનદાર પ્રદર્શન કર્યું હતું. રાશિદે અફઘાનિસ્તાન માટે રમતા ચાર મેચમાં છ વિકેટ ઝડપી હતી. રાશિદે માત્ર 6.68ના ઈકોનોમીથી રન આપ્યા હતા. ગુજરાત ટાઈટન્સ IPL 2026માં રાશિદ પાસે આ જ ફોર્મને ટૂર્નામેન્ટમાં યથાવત રાખવાની આશા કરશે.
IPL 2025માં આ બે ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન
IPL 2025માં ગુજરાત ટાઈટન્સ એલિમિનેટર સુધી પહોંચ્યું હતું. શુભમન ગિલની કેપ્ટનશીપમાં ટીમે 14માંથી 9 મેચ જીતી હતી. જોકે, એલિમિનેટર મેચમાં ગુજરાતને મુંબઈ ઈન્ડિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. શુભમન ગિલ અને સાઈ સુદર્શને ગુજરાત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ગિલે 15 મેચમાં 144ના સ્ટ્રાઈક રેટથી 650 રન બનાવ્યા હતા. બીજી તરફ સાઈ સુદર્શને 15 મેચમાં 156ના સ્ટ્રાઈક રેટથી 759 રન બનાવ્યા હતા.
બોલિંગમાં પ્રસિદ્ધ કૃષ્ણાનું શાનદાર પ્રદર્શન
બીજી તરફ બોલિંગમાં પ્રસિદ્ધ કૃષ્ણા ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહ્ય હતો. તેણે 15 મેચમાં 25 વિકેટ ઝડપી હતી. ગુજરાતે IPL 2026ની હરાજીમાં જેસન હોલ્ડર, ટોમ બેન્ટન અને લ્યુક વુડને ખરીદ્યા છે. હોલ્ડરના આગમનથી આ સીઝનમાં ટીમ વધુ સંતુલિત નજર આવી રહી છે.


