Get The App

રાહતના સમાચાર: યુદ્ધ વચ્ચે બે ભારતીય ગેસ ટેન્કરે હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યું, ભારત આવવા રવાના

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News
Google News
રાહતના સમાચાર: યુદ્ધ વચ્ચે બે ભારતીય ગેસ ટેન્કરે હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યું, ભારત આવવા રવાના 1 - image

US Iran War: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. શિપ ટ્રેકિંગ ડેટા મુજબ ભારતીય ધ્વજ ધરાવતા બે LPG ટેન્કર 'પાઇન ગેસ' અને 'જગ વસંત'એ ફારસની ખાડીથી ભારત આવવા મુસાફરી શરૂ કરી દીધી છે, તેઓ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી દીધું છે.

સુરક્ષિત રીતે હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યું

આજે સોમવારે બપોરે આ બંને જહાજો ઈરાનના લારક અને કેશ્મ ટાપુઓ વચ્ચે જોવા મળ્યા હતા, જે બાદ તેઓ સંભવતઃ ઈરાની અધિકારીઓને પોતાની ઓળખ સ્પષ્ટ કરાવી હતી. બાદમાં બંને જહાજોને હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવાની પરવાનગી મળતા હવે તે ભારતની વાટે નીકળી ચૂક્યા છે. આ બંને જહાજો એ 22 ભારતીય જહાજોમાં સામેલ હતા, જે પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે લગભગ બંધ થઈ ચૂકેલા હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા હતા. આ જળમાર્ગ ઈરાન અને ઓમાનની વચ્ચે આવેલો છે અને ખાડી દેશોમાંથી વૈશ્વિક સ્તરે ઓઇલ અને ગેસ પુરવઠા માટેનો મુખ્ય માર્ગ છે.

બે જહાજ સુરક્ષિત આવી ચૂક્યા છે!

આ પહેલા પણ ભારતના કેટલાક જહાજો સુરક્ષિત રીતે બહાર નીકળી ચૂક્યા છે. LPG ટેન્કર એમટી શિવાલિક 16 માર્ચે ગુજરાતના મુંદ્રા બંદરે પહોંચ્યું હતું, જ્યારે એમટી નંદા દેવી 17 માર્ચે કંડલા બંદરે પહોંચ્યું હતું. બંને જહાજો મળીને આશરે 92,712 ટન LPG લાવ્યા હતા, જે દેશના લગભગ એક દિવસના ઘરેલું ગેસ વપરાશ બરાબર છે. આ જ ક્રમમાં જગ લાડકી નામનું ભારતીય ઓઇલ ટેન્કર, જે UAEથી 80,886 ટન ક્રૂડ ઓઇલ લઈને આવી રહ્યું હતું, તે 18 માર્ચે મુંદ્રા પહોંચી ગયું હતું. જ્યારે જગ પ્રકાશ નામનું ટેન્કર ઓમાનથી પેટ્રોલ લઈને આફ્રિકા જવા માટે સુરક્ષિત રીતે હોર્મુઝ પાર કરી ચૂક્યું છે અને તાન્ઝાનિયા તરફ આગળ વધી રહ્યું છે.

ભારતના કેટલા જહાજો હજુ પણ ફસાયેલા છે?

યુદ્ધની શરૂઆતમાં કુલ 28 ભારતીય જહાજો આ વિસ્તારમાં હાજર હતા, જેમાંથી 24  હોર્મુઝ સ્ટ્રેટના પશ્ચિમ ભાગમાં અને ચાર પૂર્વી ભાગમાં હતા. ગત દિવસોમાં બંને તરફથી બે બે જહાજો સુરક્ષિત રીતે નીકળી ગયા છે, પરંતુ હજુ પણ 24માંથી 22 જહાજો પશ્ચિમ ભાગમાં ફસાયેલા છે, જેના પર 611 નાવિકો સવાર છે, જ્યારે બે જહાજો પૂર્વી ભાગમાં છે. ફસાયેલા જહાજોમાં વિવિધ પ્રકારના જહાજોનો સમાવેશ થાય છે: છ LPGટેન્કર (જેમાંથી બે હવે રવાના થયા છે), એક LNG ટેન્કર, ચાર ક્રૂડ ઓઇલ ટેન્કર, એક કેમિકલ ટેન્કર, ત્રણ કન્ટેનર જહાજ, બે બલ્ક કેરિયર, એક ડ્રેજર, એક ખાલી જહાજ અને ત્રણ જહાજો ડ્રાય ડોકમાં સમારકામ હેઠળ છે.

આ પણ વાંચો: લોકસભામાંથી PM મોદીનો દુનિયાને મેસેજ, કહ્યું- 'હોર્મુઝ સ્ટ્રેટમાં અવરજવરમાં અવરોધ ઊભો કરવો અસ્વીકાર્ય'

વૈશ્વિક સ્તરે પણ સ્થિતિ ગંભીર છે. આશરે 500 ટેન્કરો હજુ પણ ફારસની ખાડીમાં ફસાયેલા છે, જેમાં 108 ક્રૂડ ઓઇલ ટેન્કર, 166 ઓઇલ પ્રોડક્ટ ટેન્કર, 104 કેમિકલ/પ્રોડક્ટ ટેન્કર, 52 કેમિકલ ટેન્કર અને 53 અન્ય પ્રકારના ટેન્કરોનો સમાવેશ થાય છે. નિષ્ણાતોના અનુમાન મુજબ ઈરાન કેટલાક જહાજોને વેરિફિકેશન પ્રક્રિયા પછી જ હોર્મુઝમાંથી પસાર થવા દે છે. આ અંતર્ગત જહાજની માલિકી, કાર્ગો અને ગંતવ્ય સ્થળની તપાસ કરવામાં આવી રહી છે. કેટલાક જહાજો લારક-કેશ્મ ચેનલ દ્વારા માર્ગ બદલીને પણ નીકળી રહ્યા છે, જે આ વેરિફિકેશન પ્રક્રિયાનો ભાગ માનવામાં આવે છે.

ભારત માટે હોર્મુઝ કેમ આટલું મહત્ત્વનું છે?

ભારતની ઊર્જા જરૂરિયાતો માટે હોર્મુઝ સ્ટ્રેટની અત્યંત મહત્ત્વનું છે. દેશ તેની જરૂરિયાતનું લગભગ 88 ટકા ક્રૂડ ઓઇલ, 50 ટકા કુદરતી ગેસ અને 60 ટકા એલપીજી આયાત કરે છે. યુદ્ધ પહેલા ભારતની અડધાથી વધુ ક્રૂડ ઓઇલની આયાત સાઉદી અરેબિયા, ઈરાક અને UAE જેવા ખાડી દેશોમાંથી થતી હતી, જે આ જ માર્ગ પર નિર્ભર છે. જો કે ક્રૂડ ઓઇલના પુરવઠાને રશિયા, અમેરિકા, પશ્ચિમ આફ્રિકા અને લેટિન અમેરિકા જેવા વૈકલ્પિક સ્ત્રોતો દ્વારા અમુક અંશે સંતુલિત કરવામાં આવ્યો છે, પરંતુ ગેસ અને LPGના સપ્લાય પર અસર પડી છે. જેની અસર ઔદ્યોગિક અને વેપારી ગ્રાહકો પર સ્પષ્ટ દેખાઈ રહી છે.