3 વર્ષ બાદ સરફરાઝ ખાનની ફરી IPLમાં એન્ટ્રી, પૃથ્વી શૉને પણ 75 લાખમાં ખરીદી લેવાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IPL 2026 Auction: IPL 2026ની હરાજીમાં કરોડો રૂપિયાનો વરસાદ, રેકોર્ડ તૂટવા અને મોટા નામોની ચર્ચા વચ્ચે બે સ્ટોરી એવી રહી જેણે ભાવનાઓને સ્પર્શી લીધી. આ સ્ટોરી છે, સરફરાઝ ખાન અને પૃથ્વી શૉની છે. એક સમયે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય કહેવાતા આ બેટ્સમેન આ વખતે ઓક્શનની શરૂઆતમાં અનસોલ્ડ રહ્યા હતા. પરંતુ કિસ્મતને IPLની મેજ પર છેલ્લો શબ્દ કહેવાથી કોણ રોકી શક્યું છે?
IPL 2026 પહેલા મંગળવારે અબુ ધાબીના એતિહાદ સ્ટેડિયમમાં યોજાયેલા મીની-ઓક્શનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ખૂબ જ સમજી-વિચારીને ખરીદી કરી રહી છે. માતબર રકમ સાથે હરાજી ઉતરેલી ટીમે યુવાનો પર વિશ્વાસ મૂક્યો છે. હરાજીના અંતે ફ્રેન્ચાઈઝીએ ભારતીય બેટ્સમેન સરફરાઝ ખાનને 75 લાખની બેઝ પ્રાઈસમાં ખરીદ્યો છે.
પહેલા અનસોલ્ડ રહ્યો હતો સરફરાઝ
હરાજીના પ્રથમ રાઉન્ડમાં સરફરાઝ ખાન અનસોલ્ડ રહ્યો હતો. ત્યારબાદ જ્યારે એક્સિલરેટર રાઉન્ડમાં તેનું નામ આવ્યું ત્યારે માત્ર ચેન્નાઈ સુપર કિંગ્સે જ તેને ખરીદવામાં રસ દાખવ્યો. સરફરાઝ ખાન 3 વર્ષ પછી IPLમાં વાપસી કરી રહ્યો છે. તે છેલ્લે 2023માં લીગમાં રમ્યો હતો. ત્યારે તે દિલ્હી કેપિટલ્સનો હિસ્સો હતો.
સરફરાઝ ખાન શાનદાર ફોર્મમાં
સરફરાઝને ઘરેલું ક્રિકેટમાં તેના પ્રદર્શનનું ઈનામ મળ્યું છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે અત્યાર સુધી સાત મેચમાં 329 રન બનાવ્યા છે. આજે જ સરફરાઝે તેની વિસ્ફોટક બેટિંગથી રાજસ્થાન સામે તેની ટીમને વિજય અપાવ્યો. સરફરાઝે 331.82ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી અને 22 બોલમાં 73 રન બનાવ્યા. તેણે મેચમાં છ ચોગ્ગા અને સાત છગ્ગા પણ ફટકાર્યા છે.
પૃથ્વી શૉ
પૃથ્વી શોની સફર સૌથી નાટકીય રહી. 75 લાખની બેઝ પ્રાઈસ પર બે વાર નામ આવ્યા બાદ જ્યારે કોઈ ખરીદનાર ન મળ્યું ત્યારે નિરાશા સ્પષ્ટ દેખાઈ આવી. હરાજી વચ્ચે તેણે સોશિયલ મીડિયા પર તૂટેલા દિલનું ઇમોજી પોસ્ટ કર્યું અને લખ્યું કે, 'It’s OK.' જાણે તેણે સ્વીકારી લીધું કે આ વખતે દરવાજો બંધ થઈ ગયો.
આ પણ વાંચો: ફક્ત 5 ખેલાડીઓ પર હરાજીની 40% રકમ ખર્ચાઈ, જુઓ IPL 2026ના સૌથી મોંઘા ખેલાડીઓની યાદી
પરંતુ થોડી જ મિનિટોમાં સ્ટોરી પલટાઈ ગઈ. એક્સિલરેટર રાઉન્ડમાં દિલ્હી કેપિટલ્સ, જે ટીમ માટે શૉ 2018 થી 2024 સુધી રમ્યો હતો તેણે તેને 75 લાખ રૂપિયામાં પાછો બોલાવી લીધો. શૉએ તરત જ તેની જૂની પોસ્ટ ડિલીટ કરી અને DCના વેલકમ ગ્રાફિક્સ સાથે લખ્યું- 'Back to my family.' આ માત્ર એ ખરીદી નહોતી, પરંતુ ઘર વાપસી હતી.
પૃથ્વી શૉ શાનદાર લયમાં
26 વર્ષીય શૉ તાજેતરની ઘરેલું સિઝનમાં શાનદાર ફોર્મમાં છે. તેણે રણજી ટ્રોફીના ઈતિહાસમાં બીજી સૌથી ઝડપી બેવડી સદી ફટકારીને હેડલાઈન્સ બનાવી હતી. વાસ્તવમાં પૃથ્વી શૉએ માત્ર 141 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી હતી. પ્લેટ ગ્રુપ મેચોને બાદ કરતાં રણજી ટ્રોફીના ઈતિહાસમાં આ બીજી સૌથી ઝડપી બેવડી સદી છે. આ પહેલા માત્ર રવિ શાસ્ત્રીએ 1984-85 સિઝનમાં બરોડા સામે 123 બોલમાં આ કમાલ કર્યો હતો.









