મહિલા ક્રિકેટમાં પાકિસ્તાન પછડાયું, ટીમ ઇન્ડિયાએ માત્ર 52 બોલમાં જીતી મેચ, કેપ્ટન હરમનપ્રીતે લગાવી જીતની SIX
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Womens Asia Cup 2026 India vs Pakistan: વિમેન્સ એશિયા કપ 2026માં ભારતીય મહિલા ટીમની શાનદાર જીતની સફર ચાલુ રહી છે. ગૃપ સ્ટેજની પોતાની અંતિમ મેચમાં ભારતે પાકિસ્તાનને એકતરફી મુકાબલામાં 7 વિકેટે પરાજય આપ્યો છે. પાકિસ્તાની ટીમને માત્ર 55 રનના ઓલટાઇમ લોએસ્ટ સ્કોર પર ઓલઆઉટ કર્યા બાદ ટીમ ઇન્ડિયાએ માત્ર 52 બોલ (8.4 ઓવર) માં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે ભારતે ગૃપ સ્ટેજમાં જીતની હેટ્રિક લગાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
T20 માં ભારત સામે પાકિસ્તાનની સતત 5મી હાર
દુબઈમાં રમાયેલી આ મેચમાં પાકિસ્તાન સામે T20 માં સતત પાંચમી જીત મેળવવાના ઈરાદા સાથે ભારતીય ટીમ મેદાનમાં ઉતરી હતી. ઓક્ટોબર 2022 પછી પાકિસ્તાન ભારત સામે એક પણ મેચ જીતી શક્યું નથી અને ફાતિમા સનાની આગેવાની હેઠળની ટીમનો હારનો સિલસિલો આ વખતે પણ યથાવત્ રહ્યો હતો.
ભારતીય સ્પિનરોનો કહેર: પાકિસ્તાન 55 રનમાં ઓલઆઉટ
ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો પાકિસ્તાની કેપ્ટનનો નિર્ણય ખોટો સાબિત થયો હતો. ઓપનર્સે 27 રનની શરૂઆત અપાવી હતી, પરંતુ ત્યારબાદ ભારતીય સ્પિનર્સે પાકિસ્તાની બેટિંગ લાઇન-અપને સંપૂર્ણપણે તહેસ-નહેસ કરી દીધી હતી.
શ્રી ચરણી: 3 વિકેટ (7 રન)
દીપ્તિ શર્મા: 2 વિકેટ (5 રન)
પ્રેમા રાવત: 3 વિકેટ (9 રન)
શેફાલી વર્મા: 1 વિકેટ (10 રન)
પાકિસ્તાને 27 રને પહેલી વિકેટ ગુમાવ્યા બાદ બાકીની 9 વિકેટો માત્ર 28 રનના ઉમેરામાં ગુમાવી દીધી હતી.
52 બોલમાં ટાર્ગેટ ચેઝ
લક્ષ્યનો પીછો કરતી વખતે શેફાલી વર્માએ પ્રથમ બોલે છગ્ગો ફટકારીને આક્રમક શરૂઆત કરી હતી. જોકે, પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સનાએ શેફાલી, પ્રતિકા રાવલ અને સ્મૃતિ મંધાનાને આઉટ કરીને ભારતને પ્રારંભિક ઝાટકા આપ્યા હતા. પરંતુ કેપ્ટન હરમનપ્રીત કૌર (18 રન) અને દીપ્તિ શર્મા (12 રન) એ સંયમપૂર્વક બેટિંગ કરીને 8.4 ઓવરમાં ટીમને આસાન જીત અપાવી હતી.




