IND vs PAK: પાકિસ્તાની કૅપ્ટન સલમાને ખોલ્યા પત્તા, આ ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ 'ટ્રમ્પ કાર્ડ'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IND vs PAK Match Salman Ali Agha : ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે રમાનારા મહામુકાબલા પહેલા પાકિસ્તાની કૅપ્ટન સલમાન આગાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેણે પોતાની ટીમની રણનીતિ, ખેલાડીઓની ફિટનેસ અને વિવાદો પર મન ખોલીને વાત કરી છે. સલમાન આગાએ ખાસ કરીને રહસ્યમય સ્પિનર ઉસ્માન તારિકને ભારત વિરુદ્ધ પોતાનો 'ટ્રમ્પ કાર્ડ' ગણાવ્યો છે.
ઉસ્માન તારિક પાકિસ્તાનનો 'ટ્રમ્પ કાર્ડ'
સલમાન આગાએ જણાવ્યું કે, "ભારત-પાકિસ્તાન મેચ હંમેશા મોટી હોય છે. તમે લોકોએ ઉસ્માન તારિકને ઘણો મોટો બનાવ્યો છે, તે ખરેખર સારી બોલિંગ કરી રહ્યો છે અને તે અમારો ટ્રમ્પ કાર્ડ છે. જોકે આ પીચ પર સ્પિનરો હાવી થઈ શકે છે, પરંતુ અમે પેસરોની ભૂમિકાને પણ નકારી શકીએ નહીં."
'ચકિંગ'ના આરોપો પર સ્પષ્ટતા
ઉસ્માન તારિકના શંકાસ્પદ બોલિંગ એક્શન પર ચાલી રહેલા વિવાદ અંગે સલમાન આગાએ કહ્યું કે, "ઉસ્માનને ICCએ બે વાર ક્લીન ચીટ આપી છે. મને સમજાતું નથી કે તેના એક્શન વિશે આટલી વાતો કેમ થઈ રહી છે. તેને આ વાતોથી કોઈ ફરક પડતો નથી."
હેન્ડશેક અને બૉયકોટ ડ્રામા
જ્યારે પ્રેસ દ્વારા પૂછવામાં આવ્યું કે શું મેચ બાદ ભારતીય ખેલાડીઓ સાથે હાથ મિલાવવામાં આવશે? આ અંગે સસ્પેન્સ જાળવી રાખતા આગાએ કહ્યું, "હું અત્યારે આ વિશે કંઈ કહી શકું તેમ નથી, અમે આવતીકાલે મેદાન પર જ જોઈશું." નોંધનીય છે કે ICCની ચેતવણી બાદ પાકિસ્તાનનો બૉયકોટ ડ્રામા ખતમ થયો છે.
બાબર આઝમ અને અભિષેક શર્મા
બાબર આઝમના ફોર્મ અંગે કૅપ્ટને કહ્યું કે તે રન બનાવી રહ્યો છે અને તે અમારા માટે ચિંતાનો વિષય નથી. જ્યારે ભારતીય ખેલાડી અભિષેક શર્મા વિશે તેણે કહ્યું કે, "અભિષેક મોટો ખેલાડી છે, અમે ઇચ્છીએ છીએ કે તે ફિટ થઈને રમે, કારણ કે અમે શ્રેષ્ઠ ટીમ સામે લડવા માંગીએ છીએ."
હવામાન અને ઇતિહાસ
કોલંબોમાં 60 ટકાથી વધુ વરસાદની આગાહી છે, જેના પર સલમાન આગાએ કહ્યું કે ભૂતકાળના રૅકોર્ડ્સ કે ઇતિહાસ મહત્ત્વના નથી, દરેક દિવસ નવો હોય છે અને અમે આ વખતે જીતવા માટે સર્વસ્વ જોર લગાવીશું.









