Sports

9 ખેલાડી અને બધાની સરનેમ એકસમાન, એશિયન ગેમ્સમાં ઓમાન ક્રિકેટ ટીમે ધ્યાન ખેંચ્યું

By GS Team
26 Sep 20262 mins read
TukuTouch Logo
જાપાનમાં રમાયેલી 2026ની એશિયન ગેમ્સમાં હોંગકોંગ સામે ઓમાન 41 રને હાર્યું હતું. નિશિને સ્થિત કોરોગી સ્પોર્ટ્સ પાર્કમાં રમાયેલી આ મેચમાં ઓમાનની પ્લેઇંગ ઇલેવનના 7 ખેલાડીઓ 'અલ બલૂશી' અટક ધરાવતા હતા, જ્યારે 15 સભ્યોના સ્ક્વોડમાં આવા 9 ખેલાડીઓ હતા. મોહમ્મદ અલ બલૂશીએ 17 રનમાં 3 વિકેટ ઝડપી હતી. આ અનોખી ઘટના ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બની છે.

Summarized by AI; it may make mistakes. Check important info

9 ખેલાડી અને બધાની સરનેમ એકસમાન, એશિયન ગેમ્સમાં ઓમાન ક્રિકેટ ટીમે ધ્યાન ખેંચ્યું

Oman Squad Features Identical Surnames: આઈચી-નાગોયા એશિયન ગેમ્સ 2026માં હોંગકોંગ સામે રમાયેલા મેન્સ ક્રિકેટ મુકાબલામાં ઓમાનની ટીમને 41 રને હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, મેચના પરિણામ કરતાં ઓમાનની પ્લેઇંગ ઇલેવને રમતજગતમાં ભારે કુતૂહલ અને ચર્ચા જગાવી છે. 25 સપ્ટેમ્બરના રોજ નિશિને સ્થિત કોરોગી સ્પોર્ટ્સ પાર્કમાં રમાયેલી આ મેચમાં સુફયાન મહમૂદની કૅપ્ટનશીપ હેઠળની ઓમાન ટીમના 11માંથી 7 ખેલાડીઓ એક જ અટક ધરાવતા મેદાનમાં ઉતર્યા હતા. એટલું જ નહીં, સમગ્ર 15 સભ્યોના સ્ક્વોડમાં આ જ અટકના કુલ 9 ખેલાડીઓ સામેલ છે.

મેદાનમાં ઉતર્યા 'અલ બલૂશી' ખેલાડીઓ

હોંગકોંગ સામેની પ્લેઇંગ-11માં મોહમ્મદ અલ બલૂશી, શુએબ અલ બલૂશી, ઝુબૈર અલ બલૂશી, વહીદ અલ બલૂશી, ઈસા અલ બલૂશી, નવીદ અલ બલૂશી અને ફારિસ અલ બલૂશી સામેલ હતા. આ ઉપરાંત રિઝર્વ સ્ક્વોડમાં વસીમ અલ બલૂશી અને કૈસ અલ બલૂશી પણ હાજર હોવાથી ટીમમાં 'અલ બલૂશી' સરનેમ ધરાવતા ખેલાડીઓની સંખ્યા 9 થઈ જાય છે.

ટોપ ઑર્ડરથી લઈને બોલિંગ સુધી દબદબો

બેટિંગ ક્રમ: રસપ્રદ વાત એ રહી કે ઓમાન માટે બેટિંગની શરૂઆત પણ અલ બલૂશી ખેલાડીઓએ જ કરી હતી. મોહમ્મદ, શુએબ, ઝુબૈર અને વહીદ અનુક્રમે 1થી 4 નંબર પર બેટિંગ કરવા ઉતર્યા હતા. જોકે હોંગકોંગના બોલર્સ સામે તેઓ મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. શુએબે સૌથી વધુ 20 રન બનાવ્યા, જ્યારે ઈસાએ 7 રનનું યોગદાન આપ્યું હતું. મોહમ્મદે 2 તેમજ ઝુબૈર અને વહીદે 1-1 રન બનાવ્યો હતો.

બોલિંગમાં કમાલ: બોલિંગ મોરચે આ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. મોહમ્મદ, શુએબ અને નવીદે મળીને હોંગકોંગની 5 વિકેટો ઝડપી હતી. જેમાં મોહમ્મદ અલ બલૂશી 17 રન આપીને 3 વિકેટ સાથે સૌથી સફળ બોલર રહ્યા હતા.

હોંગકોંગે 41 રને મેળવી જીત

મેચમાં હોંગકોંગે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 8 વિકેટે 121 રન બનાવ્યા હતા. જવાબમાં 122 રનના ટાર્ગેટ સામે ઓમાનની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 80 રન જ બનાવી શકી હતી. આ હાર બાદ હવે ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવવા માટે ઓમાનનો આગામી મુકાબલો મલેશિયા સામે અત્યંત મહત્ત્વનો બની રહેશે.