Sports

'હવે આપઘાતનો જ રસ્તો રહી ગયો છે...', એશિયન ગેમ્સથી બહાર થતાં દિવ્યાંશીનો ભાવુક VIDEO

By GS Team
12 Sep 20262 mins read
TukuTouch Logo
રાજસ્થાનના કોટાની વુશુ ખેલાડી દિવ્યાંશી ચૌધરી એશિયન ગેમ્સમાંથી અચાનક બહાર થતાં માનસિક રીતે ભાંગી પડી છે. તેણે ભાવુક વીડિયોમાં માતા-પિતાની માફી માંગી જીવનનો અંત આણવાની વાત કરી, જે વાયરલ થયો છે. 19 સપ્ટેમ્બરથી શરૂ થતી ગેમ્સ માટે 11 સપ્ટેમ્બરે અયોગ્ય ગણી તેને બદલી રોશિબીના દેવીને ટીમમાં લેવાઈ, જે દિવ્યાંશી નકારી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'હવે આપઘાતનો જ રસ્તો રહી ગયો છે...', એશિયન ગેમ્સથી બહાર થતાં દિવ્યાંશીનો ભાવુક VIDEO

Divyanshi Choudhary Wushu Viral Video : એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સ્વપ્ન અધૂરું રહી જવાથી ભારતીય વુશુ ખેલાડી દિવ્યાંશી ચૌધરી માનસિક રીતે સંપૂર્ણપણે ભાંગી પડી હતી. તેનો એક ભાવુક વીડિયો જારી કરીને પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દિવ્યાંશી એટલી બધી દુખી અને પરેશાન નજરે પડે છે કે તે પોતાના માતા-પિતાની માફી માંગતા પોતાના જીવનનો અંત આણવા જેવી વાતો કરતી જોવા મળે છે. રાજસ્થાનના કોટાની રહેવાસી દિવ્યાંશીએ વીડિયોમાં સ્પષ્ટ કહ્યું છે કે આ તેમનો છેલ્લો વીડિયો હોઈ શકે છે.

લાંબી મહેનત બાદ અચાનક ટીમમાંથી બહાર થવાનું દુઃખ

દિવ્યાંશીએ વીડિયોમાં પોતાના દર્દ વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે તેમણે એશિયન ગેમ્સ માટે લાંબા સમય સુધી અત્યંત સખત મહેનત કરી હતી. આટલા મોટા આંતરરાષ્ટ્રીય મંચ પર દેશ માટે રમવાનું તેમનું મોટું સ્વપ્ન હતું, પરંતુ અચાનક એશિયન ગેમ્સની ટીમમાંથી બહાર થવાના સમાચારે તેને અંદરથી તોડી નાખી છે. વીડિયોમાં તેના અવાજ અને ચહેરા પર છવાયેલી નિરાશા સ્પષ્ટપણે જોઈ શકાય છે, જે કોઈ પણ ખેલાડી માટે અત્યંત પીડાદાયક સ્થિતિ દર્શાવે છે.

માતા-પિતાની માફી માંગતી ભાવુક ક્ષણો

આ વીડિયોનો સૌથી વધુ હચમચાવી દેનાર અને ભાવુક પળ ત્યારે આવે છે જ્યારે દિવ્યાંશી પોતાના માતા-પિતાની માફી માંગે છે. તે વીડિયોમાં કહે છે કે મમ્મી-પપ્પા મને માફ કરજો… હું જીવનનો અંત આણવાની વાત કરી રહી છું. આ પ્રકારની નિરાશાજનક વાતો સાંભળીને સોશિયલ મીડિયા પર સામાન્ય નાગરિકો અને ખેલ જગતના લોકો પણ ભારે ભાવુક થઈ ગયા છે. દેશ માટે રમવાનું સ્વપ્ન જોનાર ખેલાડીને આ રીતે તૂટતા જોવું સૌ કોઈને ચિંતિત કરી રહ્યું છે.

ટીમ પસંદગીનો વિવાદ અને અપડેટ તારીખો

ઉલ્લેખનીય છે કે એશિયન ગેમ્સની શરૂઆત આગામી 19 સપ્ટેમ્બરથી થવાની છે, જેના માટે ભારતીય ટીમની જાહેરાત અગાઉ 23 જૂને રોજ જ કરી દેવામાં આવી હતી. પરંતુ 11 સપ્ટેમ્બરે એકાએક નવું અપડેટ જાહેર કરીને દિવ્યાંશી ચૌધરીને ટીમમાંથી બહાર કરવામાં આવી અને તેમના સ્થાને રોશિબીના દેવીને સામેલ કરવાની જાહેરાત કરાઈ હતી. એસોસિએશન દ્વારા દિવ્યાંશી ફિટ ન હોવાનું કારણ રજૂ કરાયું હતું. જ્યારે દિવ્યાંશી આ દાવાને સંપૂર્ણપણે નકારી રહી છે. આ ઘટના મોટા સપનાઓના ભંગ થયા પછી ખેલાડીઓ પર ઊભા થતા માનસિક દબાણની ગંભીર વાસ્તવિકતા ઉજાગર કરે છે.