ફિફા વર્લ્ડકપમાં નૉર્વેના ખેલાડીએ રચ્યો ઈતિહાસ! મેસી અને રોનાલ્ડો પણ રહી ગયા પાછળ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Haaland FIFA Record: ફિફા વર્લ્ડ કપ 2026માં નોર્વેના સ્ટાર સ્ટ્રાઇકર એરલિંગ હાલેન્ડે એક એવો અનોખો ઇતિહાસ રચી દીધો છે, જે ફૂટબોલ જગતના બે સૌથી મોટા દિગ્ગજ ખેલાડીઓ લિયોનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ અત્યાર સુધી પોતાના કરિયરમાં કરી શક્યા નથી. બ્રાઝિલ સામેની હાઈ-વોલ્ટેજ મેચમાં બે શાનદાર ગોલ ફટકારીને હાલેન્ડે નોર્વેને જીત અપાવી છે અને પોતાની ટીમને વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચાડી દીધી છે.
બ્રાઝિલને હરાવી નોર્વેને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચાડ્યું
રાઉન્ડ ઓફ-16ની અત્યંત રોમાંચક મેચમાં એરલિંગ હાલેન્ડના બે વિજયી ગોલની મદદથી નોર્વેએ પાંચ વખતની ચેમ્પિયન બ્રાઝિલની ટીમને 2-1થી હરાવીને મોટો અપસેટ સર્જ્યો છે. આ મેચમાં હાલેન્ડે 79મી મિનિટે પ્રથમ ગોલ કરીને નોર્વેને લીડ અપાવી હતી અને ત્યારબાદ 90મી મિનિટે બીજો ગોલ કરીને નોર્વેની જીત પાકી કરી દીધી હતી. ઇન્જરી ટાઇમની 10મી મિનિટે બ્રાઝિલ વતી નેમારે પેનલ્ટી દ્વારા એક ગોલ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું.
એક જ વર્લ્ડ કપમાં 4 મેચ-વિનિંગ ગોલ કરનાર વિશ્વનો ચોથો ખેલાડી
આ જીત સાથે એરલિંગ હાલેન્ડે એક જ ફિફા વર્લ્ડ કપમાં ચાર મેચ-વિનિંગ ગોલ કરવાનો ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ફૂટબોલના ઇતિહાસમાં અત્યાર સુધી માત્ર ત્રણ જ ખેલાડીઓ આ મુકામ સુધી પહોંચી શક્યા છે, જેમાં મેસ્સી, રોનાલ્ડો કે કિલિયન એમ્બાપ્પેનું નામ શામેલ નથી.
એક જ વર્લ્ડ કપમાં સૌથી વધુ મેચ-વિનિંગ ગોલ કરનારા ખેલાડીઓ:
- ગ્રેજોર્ઝ લાટો (1974) – 5 મેચ-વિનિંગ ગોલ
- સાલ્વાતોરે સ્કિલાચી (1990) – 5 મેચ-વિનિંગ ગોલ
- ગર્ડ મુલર (1970) – 4 મેચ-વિનિંગ ગોલ
- એરલિંગ હાલેન્ડ (2026) – 4 મેચ-વિનિંગ ગોલ
પ્રથમ ચાર વર્લ્ડ કપ મેચમાં જ 7 ગોલ અને એરિયલ ડ્યુઅલ્સમાં દબદબો
હાલેન્ડે પોતાના વર્લ્ડ કપ કરિયરની શરૂઆતની પ્રથમ ચાર મેચમાં જ કુલ 7 ગોલ ફટકારી દીધા છે. વર્ષ 1970 પછી આવું કરનાર તે વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે. તેમન પહેલા જર્મનીના દિગ્ગજ ગર્ડ મુલરે 1970ના વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ ચાર મેચમાં 8 ગોલ કર્યા હતા.
આ ઉપરાંત, બ્રાઝિલ સામેની મેચમાં એરિયલ ડ્યુએલ્સમાં પણ હાલેન્ડનો દબદબો રહ્યો હતો. તેણે હવામાં બોલ મેળવવા માટે થયેલા ચારેય મુકાબલા જીત્યા હતા. વર્ષ 1966 પછી વર્લ્ડ કપમાં 15થી વધુ એરિયલ ડ્યુઅલ્સ રમનારા સ્ટ્રાઇકરોમાં હાલેન્ડનો સક્સેસ રેટ સૌથી બેસ્ટ રહ્યો છે, તેણે કુલ 18 માંથી 14 એરિયલ ડ્યુઅલ્સ પોતાના નામે કર્યા છે.
મેસ્સી અને એમ્બાપ્પેની બરાબરી: બન્યો અનોખો રેકોર્ડ
આ વર્લ્ડ કપમાં અદભુત ફોર્મમાં ચાલી રહેલા એરલિંગ હાલેન્ડના હવે કુલ 7 ગોલ થઈ ગયા છે. આ જ ટૂર્નામેન્ટમાં લિયોનેલ મેસ્સી અને કિલિયન એમ્બાપ્પે પણ 7-7 ગોલ સાથે બરાબરી પર છે. ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે એક જ સીઝનમાં ત્રણ અલગ-અલગ ખેલાડીઓએ 7-7 ગોલ કર્યા હોય.
‘નોર્વેના ઇતિહાસનો સૌથી મોટો દિવસ’
ઐતિહાસિક જીત બાદ ભાવુક થયેલા એરલિંગ હાલેન્ડે જણાવ્યું કે,
“કદાચ આ દિવસ નોર્વેના ઇતિહાસમાં હંમેશા માટે યાદ રાખવામાં આવશે. અમારા દેશના ઇતિહાસના આ સૌથી અવિસ્મરણીય દિવસોમાંનો એક છે. મારા બીજા ગોલ વખતે એવું લાગ્યું કે બોલનું જાળમાં જવું ભગવાનની ભેટ સમાન હતું.”
બીજી તરફ નોર્વેના મુખ્ય કોચ સ્ટોલે સોલબાકેને ગર્વ અનુભવતા કહ્યું કે, “આજે દરેક નોર્વેજિયન પોતાના જીવનની સૌથી યાદગાર રાત જીવી રહ્યા છે. આ ટીમે નોર્વેના ફૂટબોલને હંમેશા માટે બદલી નાખ્યું છે અને કદાચ આખો દેશ હવે એક અઠવાડિયા સુધી આ જીતની ઉજવણી કરશે.”









