Sports

બસના ભાડાના પૈસા બચાવીને મારો ભાઈ..., શ્રેયસ અય્યરની બહેનનું છલકાયું દર્દ

By GS Team
9 Jul 20263 mins read
TukuTouch Logo
ભારતીય ક્રિકેટર શ્રેયસ અય્યરની બહેન શ્રેષ્ઠા અય્યરે 'લોકઅપ'શો પછી ભાઈના સંઘર્ષની વાત કરી. શ્રેષ્ઠાએ જણાવ્યું કે, શ્રેયસે નાનપણથી જ ક્રિકેટ માટે ઘણા બલિદાન આપ્યા છે. લોકલ બસમાં પ્રેક્ટિસ કરવા જતા શ્રેયસના ત્યાગને કારણે આજે પરિવાર વૈભવી જીવન જીવે છે. તેણે શ્રેયસને ઘમંડી કહેનારને પણ જવાબ આપ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

બસના ભાડાના પૈસા બચાવીને મારો ભાઈ..., શ્રેયસ અય્યરની બહેનનું છલકાયું દર્દ

Shresta Iyer on brother Shreyas Iyer: ભારતીય સ્ટાર ક્રિકેટર શ્રેયસ અય્યરની બહેન શ્રેષ્ઠા અય્યરનો રિયાલિટી શો ‘લોકઅપ’નો પ્રવાસ તાજેતરમાં જ પૂર્ણ થયો છે. આ લોકપ્રિય શોમાંથી બહાર આવ્યા બાદ શ્રેષ્ઠાએ મીડિયા સાથે પોતાના અંગત અને વ્યવસાયિક જીવનને લઈને ખુલ્લા મને વાતચીત કરી હતી. આ દરમિયાન તેણે તેના ભાઈ શ્રેયસ અય્યરના પ્રારંભિક જીવનના સંઘર્ષ અને આજે મેળવેલી ભવ્ય સફળતા પાછળની કેટલીક અજાણી વાતો પરથી પડદો ઉઠાવ્યો હતો.

‘શ્રેયસના ત્યાગના કારણે આજે અમારો પરિવાર સુખી છે’

ભાઈના સંઘર્ષના દિવસોને યાદ કરતા શ્રેષ્ઠા અય્યર ભાવુક થઈ ગઈ હતી. તેણે જણાવ્યું કે,

"હું જ્યારે ભાઈના જૂના દિવસો વિશે વિચારું છું ત્યારે મને ખૂબ જ ખરાબ લાગે છે. મને લાગે છે કે તેઓ જીવનમાં દરેક શ્રેષ્ઠ વસ્તુના હકદાર છે, કારણ કે મેં તેમની સખત મહેનત ખૂબ જ નજીકથી જોઈ છે. તેમણે કરિયર માટે કેટલો બધો ત્યાગ કર્યો છે તે હું જાણું છું. મને નાનપણથી જેટલું સરળ અને સુવિધાજનક જીવન મળ્યું છે, તેટલું સરળ જીવન શ્રેયસને મળ્યું નહોતું. તેઓ મારાથી મોટા છે, તેથી તેમણે જીવનની ઘણી બધી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો એકલા હાથે કર્યો છે."

શ્રેષ્ઠાએ વધુમાં ઉમેર્યું કે, "આજે જો અમારી આખી ફેમિલી આટલી સરસ અને વૈભવી જિંદગી જીવી રહી છે, તો તેનો સંપૂર્ણ શ્રેય હું મારા ભાઈ શ્રેયસને જ આપીશ. તેમણે ખૂબ જ નાની ઉંમરે અમારા માતા-પિતાને આર્થિક રીતે મોટો ટેકો આપ્યો હતો. તેમની સફર ખૂબ જ મુશ્કેલીઓથી ભરેલી રહી છે. ક્રિકેટ પાછળ તેમણે પોતાનું કોલેજ લાઈફ, મિત્રો સાથે ફરવા જવું અને પોતાની અસંખ્ય નાની-મોટી ઈચ્છાઓનો બલિદાન આપ્યું છે. એક સમય હતો જ્યારે તેઓ વહેલી સવારે ઉઠીને લોકલ બસમાં પ્રેક્ટિસ કરવા જતા હતા અને કેબના પૈસા કેવી રીતે બચાવી શકાય તેના આયોજનો કરતા હતા."

હોસ્પિટલમાં જ્યારે બહેનને રડતી જોઈ શ્રેયસે આપી હતી કડક સલાહ

શ્રેષ્ઠાએ જણાવ્યું કે શ્રેયસ ખૂબ જ મજબૂત માનસિકતા ધરાવતો ખેલાડી છે. તેણે કહ્યું, "જે કન્સીસ્ટેન્સી આજે તેઓ મેદાન પર બતાવી રહ્યા છે, તે તેમને 3 વર્ષ પહેલાં જ મળી જવી જોઈતી હતી. પરંતુ ક્યારેક નસીબ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. તેઓ અતિશય સકારાત્મક વ્યક્તિ છે. જો તમે આ જ વાત તેમને કહેશો તો તેઓ હસીને કહેશે કે ‘શું થઈ ગયું? જે વહેલું ન મળ્યું તે હવે તો મળી ગયું ને, બસ હવે આ તકને સોનામાં ફેરવી દેવાની છે.’"

પોતાના ભાઈના ઈમોશનલ બોન્ડિંગ વિશે વાત કરતા શ્રેષ્ઠાએ એક કિસ્સો શેર કર્યો કે, "શ્રેયસ જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને હું તેમને હોસ્પિટલમાં મળવા ગઈ, ત્યારે તેમની હાલત જોઈને હું રડવા લાગી હતી. તે સમયે શ્રેયસે મને મક્કમતાથી કહ્યું હતું કે— ‘જો તારે રડવું જ હોય તો રૂમની બહાર જઈને રડ, મારી સામે નહીં.’ મેં મારા આખા જીવનમાં ભાઈને માત્ર 1 જ વખત રડતા જોયા છે, જ્યારે લગભગ 10 મહિના પહેલાં અમારા પાળેલા ડોગનું અવસાન થયું હતું."

શું શ્રેયસ અય્યર ઘમંડી છે? બહેને આપ્યો જડબાતોડ જવાબ

સોશિયલ મીડિયા પર શ્રેયસ અય્યરને લઈને થતી કેટલીક નકારાત્મક ટિપ્પણીઓ અને તેમને ‘ઘમંડી’ કહેનારા ટ્રોલ્સને પણ શ્રેષ્ઠાએ સણસણતો જવાબ આપ્યો હતો. તેણે સ્પષ્ટ કર્યું કે,

"લોકો જે વિચારે છે તેવું બિલકુલ નથી. શ્રેયસ સ્વભાવે ખૂબ જ પ્રેમાળ અને ડાઉન-ટુ-અર્થ છે. હવે તમે જ વિચારો કે કોઈ ખેલાડી મેદાન પર કે બહાર જમી રહ્યો હોય અથવા કોઈ ગંભીર કામમાં વ્યસ્ત હોય, અને તે જ સમયે અચાનક કોઈ તેની પાસે વાત કરવા કે સેલ્ફી લેવા પહોંચી જાય, તો સ્વાભાવિક છે કે કોઈપણ સામાન્ય માણસને પણ ચીડ આવી શકે. તેનાથી કોઈ ઘમંડી સાબિત નથી થતું."

તેણે વધુમાં ખુલાસો કર્યો કે શ્રેયસ પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ હેન્ડલ નથી કરતા. તેમની એક પ્રોફેશનલ સોશિયલ મીડિયા ટીમ આ બધું સંભાળે છે, કારણ કે શ્રેયસ મેદાન પર ફોકસ રાખવા માંગે છે અને બિનજરૂરી ટ્રોલિંગથી દૂર રહેવાનું પસંદ કરે છે. શ્રેષ્ઠાએ અંતમાં વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, ખૂબ જ ટૂંક સમયમાં એવો અદભુત સમય આવશે જ્યારે ફેન્સ અને ક્રિકેટ જગત એક સૂરે કહેશે કે શ્રેયસ અય્યર ટીમ ઈન્ડિયાના સૌથી શ્રેષ્ઠ કેપ્ટન છે.