MS Dhoniનો રૅકોર્ડ તૂટશે! ચોથી T20માં મેદાન પર ઉતરતા જ અક્ષર પટેલ રચશે ઇતિહાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India vs England 4th T20 Bristol 2026 : ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની T20 સીરીઝની ચોથી મેચ ગુરુવારે બ્રિસ્ટલના કાઉન્ટી ગ્રાઉન્ડ પર રમાવાની છે. આ મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થતાં જ ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલ એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી શકે છે. અક્ષર પટેલે અત્યાર સુધી ભારત માટે 99 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં તેણે 746 રન બનાવવાની સાથે 101 વિકેટ પણ ઝડપી છે. જો ગુરુવારની મેચમાં તેને તક મળશે, તો આ તેના કરિયરની 100મી T20 ઇન્ટરનેશનલ મેચ હશે અને તે ભારત તરફથી આ મુકામ હાંસલ કરનારો માત્ર પાંચમો ખેલાડી બની જશે.
મહેન્દ્ર સિંહ ધોનીનો રૅકોર્ડ તૂટશે
આ મેચમાં મેદાન પર ઉતરતાની સાથે જ અક્ષર પટેલ પૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી દેશે. ધોનીએ પોતાના કરિયરમાં ભારત તરફથી 99 T20 ઇન્ટરનેશનલ મેચ રમી હતી. અત્યાર સુધી ભારતના માત્ર 4 ખેલાડીઓ જ 100થી વધુ T20 મેચ રમી શક્યા છે, જેમાં રોહિત શર્મા (161 મેચ) પ્રથમ સ્થાને, હાર્દિક પંડ્યા (138 મેચ) બીજા સ્થાને, વિરાટ કોહલી (127 મેચ) ત્રીજા સ્થાને અને સૂર્યકુમાર યાદવ (115 મેચ) ચોથા સ્થાને છે.
100 વિકેટ ઝડપનારો પ્રથમ સ્પિનર
અક્ષર પટેલે ઇંગ્લૅન્ડ સામેની બીજી T20 મેચમાં હેરી બ્રુકને આઉટ કરીને પોતાની 100 વિકેટ પૂરી કરી હતી અને તે આ સિદ્ધિ મેળવનારો ભારતનો પ્રથમ સ્પિનર બન્યો હતો. જોકે, આ સીરિઝની 3 મેચોમાં તે માત્ર 15 રન અને 2 વિકેટ જ લઈ શક્યો હોવાથી ચોથી મેચમાં તેના તરફથી સારા પ્રદર્શનની આશા રહેશે.
ત્રીજી T20માં ભારતની શરમજનક હાર
નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાયેલી ત્રીજી T20 મેચમાં ભારતીય ટીમનો ઇંગ્લૅન્ડ સામે 125 રને કારમો પરાજય થયો હતો. ઇંગ્લૅન્ડના 202 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ભારતીય ટીમ માત્ર 76 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેમાં ટીમના 7 બેટ્સમેનો ડબલ ડિજિટ (બે આંકડા) નો સ્કોર પણ પાર કરી શક્યા નહોતા. ટીમ વતી વૈભવ સૂર્યવંશીએ સૌથી વધુ 13 રન બનાવ્યા હતા.









