U-19 એશિયા કપમાં ચમકેલા મોહિત ઉલ્વાના રાજકોટ સ્થિત ઘરે દિવાળી જેવો માહોલ, પિતાએ જણાવી 2016થી 2026 સુધીની ક્રિકેટ સફર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mohit Ulva U19 Asia Cup 2026: ACC મેન્સ અંડર-19 એશિયા કપ 2026ની રોમાંચક ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 1 વિકેટથી હરાવી દીધું છે. મેચમાં 338 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયા એક સમયે હારની નજીક પહોંચી ગઈ હતી, પરંતુ નંબર-10 પર બેટિંગ કરવા આવેલા મૂળ સુરેન્દ્રનગર અને હાલ રાજકોટ રહેતા પ્રતિભાશાળી ક્રિકેટર મોહિત ઉલ્વાએ 26 બોલમાં અણનમ 49 રનની યાદગાર અને વિસ્ફોટક ઇનિંગ રમીને ભારતને શાનદાર વિજય અપાવ્યો હતો. આ ઐતિહાસિક જીત બાદ રાજકોટ સ્થિત તેના ઘરે દિવાળી જેવો ઉત્સાહ અને ખુશીનો માહોલ છવાઈ ગયો છે. પરિવારે મીઠાઇ વહેંચી ઉજવણી કરી હતી.

મોહિતના પિતા મહેશભાઈ ઉલ્વાએ કહ્યું કે-
એક ઓલરાઉન્ડર તરીકે બોલિંગ અને બેટિંગ બંનેમાં સતત પ્રેક્ટિસ કરવી અને સ્કીલ ડેવલપ કરવી એ બહુ મોટો પડકાર હોય છે, જેમાં ફિટનેસના ઘણા બધા પ્રશ્નો પણ આવતા હોય છે. તેમ છતાં, આજે તેણે બોલિંગ ઓલરાઉન્ડર તરીકે જે કમાલ કરી બતાવી છે, અહીં પ્રેક્ટિસ દરમિયાન રોજ 400-500 બોલની મહેનત કરી હતી, તેનું આજે સાચું ફળ મળ્યું છે. એશિયા કપની ફાઈનલ મેચમાં વિજયી શોટ ફટકારીને જીત મેળવવી એ અમારા માટે ગર્વની વાત છે. પરિવારમાં એવો માહોલ હતો કે પિન પડે તો પણ અવાજ સંભળાય, અને જેવો એણે ચોગ્ગો માર્યો કે બધા ખુશીથી ઝૂમી ઉઠ્યા; અત્યારે ઘરમાં ખૂબ જ ખુશીનો માહોલ છે.

'તેણે 2016માં ક્રિકેટની શરૂઆત કરી હતી અને સતત સાડા નવ વર્ષ થઈ ગયા છે. શરૂઆતના સાડા ત્રણ વર્ષ જામનગર ક્રિકેટ બંગલે, રવિન્દ્ર જાડેજાના કોચ રહી ચૂકેલા મહેન્દ્રસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ પ્રેક્ટિસ કરી. ત્યારબાદ મારું ટ્રાન્સફર રાજકોટ થતાં, છેલ્લા 6 વર્ષથી તે રેલવે આરડીએસ ગ્રાઉન્ડમાં તાલીમ લઈ રહ્યો છે અને સતત રાજકોટનું પ્રતિનિધિત્વ કરે છે. તેણે અંડર-16 અને અંડર-19માં વિજય મર્ચન્ટ, વિનુ માંકડ, કૂચ બિહાર જેવી ટૂર્નામેન્ટ્સમાં કેપ્ટન તરીકે રમીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ખેલાડીને સાથ આપીને આગળ લાવવા બદલ હું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનો પણ ખૂબ આભારી છું.' પિતાએ આશા વ્યક્ત કરી કે ઝડપથી મોહિત ટીમ ઈન્ડિયામાં રમતો દેખાય.
કોણ છે મોહિત મોહિત ઉલ્વા?
એક રિપોર્ટ મુજબ જામનગરમાં રવિન્દ્ર જાડેજાના જ કોચ મહેન્દ્રસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ક્રિકેટની કડક તાલીમ મેળવનાર મોહિત શરૂઆતમાં ઓફ-સ્પિનર હતો, જે બાદ ફાસ્ટ બોલર બન્યો હતો. રાજકોટ સ્થળાંતર કર્યા બાદ સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ દરમિયાન જયદેવ ઉનડકટ પાસેથી મળેલી ખાસ ટિપ્સ તેના માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ હતી. ગામડાના ટેનિસ-બોલ ક્રિકેટથી શરૂ થયેલી આ સફર આજે તેને ભારતની અંડર-19 ટીમ સુધી લઈ ગઈ છે.

પછી આવ્યો મેચનો સૌથી મોટો યુટર્ન
આ મુકાબલામાં પાકિસ્તાનની ટીમે ભારતીય ટીમને જીતવા માટે 338 રનનો ટાર્ગેટ આપ્યો, શરૂઆતમાં ઓપનિંગ જોડીએ ધમાકેદાર શરૂઆત અપાવ્યા બાદ ધીમે ધીમે વિકેટો પડવાનો દોર શરૂ થયો હતો. જે બાદ ભારતીય ટીમની 8 વિકેટ પડ્યા પછી મોહિત ઉલ્વા અને મનાલ ચૌહાણ વચ્ચે 35 બોલમાં 57 રનની પાર્ટનરશિપ થઈ. 47.2 ઓવર્સમાં જ્યારે મનાલ 47 રન પર આઉટ થયા ત્યારે ટીમ ઇન્ડિયાનો સ્કોર 309-9 પર હતો. જેના પછી 11મા નંબરે આવેલા ચિગુરુપતિ વેંકટાએ પણ મોહિત ઉલ્વાનો સાથ નિભાવ્યો અને બંને જીતાડીને જ પાછા ફર્યા.




