Sports

ઈરફાન પઠાણ સાથે મુંબઈ એરપોર્ટ પર ગેરવર્તણૂક, પોસ્ટ શેર કરીને જણાવી આપવીતી

By GS Team
25 Aug 20222 mins read
This article was originally published on 25 Aug 2022
ઈરફાન પઠાણ સાથે મુંબઈ એરપોર્ટ પર ગેરવર્તણૂક, પોસ્ટ શેર કરીને જણાવી આપવીતી

- કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ વિસ્તારા એરલાઈન્સને આ અંગે જવાબ આપવા માટે જણાવ્યું

મુંબઈ, તા. 25 ઓગષ્ટ 2022, ગુરૂવાર

ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ અને તેના પરિવારે બુધવારના રોજ મુંબઈ એરપોર્ટ ખાતે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. એશિયા કપ 2022 માટે ક્રિકેટ કોમેન્ટ્રી પેનલમાં સામેલ ઈરફાન પઠાણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાની આપવીતી વર્ણવી હતી.   

ઈરફાન પઠાણ પોતાના પરિવાર સાથે મુંબઈથી દુબઈ માટે રવાના થઈ રહ્યા હતા. તે સમયે એરપોર્ટ પર વિસ્તારાના ચેક-ઈન કાઉન્ટર પર તેમણે પત્ની અને બાળકો સાથે આશરે 1.5 કલાક સુધી ઉભા રહેવું પડ્યું હતું. 

ઈરફાનની ફરિયાદ બાદ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ લખ્યું હતું કે, તમારા સાથે આ પ્રકારે વ્યવહાર કરવામાં આવ્યો તે જાણીને ખૂબ જ દુઃખ થયું. આ સાથે જ કેન્દ્રીય મંત્રીએ વિસ્તારા એરલાઈન્સને આ અંગે જવાબ આપવા માટે કહ્યું છે. 

દિગ્ગજ ઓલરાઉન્ડરે ટ્વિટમાં લખ્યું હતું કે, 'આજે (બુધવારે) હું વિસ્તારાની ફ્લાઈટ UK-201 દ્વારા મુંબઈથી દુબઈ માટે રવાના થઈ રહ્યો હતો. ચેકઈન કાઉન્ટર પર મારા સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કરાયો. વિસ્તારાએ મારી કન્ફર્મ ટિકિટમાં હેરફેર કરી નાખી. આ સમસ્યાના સમાધાન માટે મારે કાઉન્ટર પર આશરે 1.5 કલાક સુધી રાહ જોવી પડી. મારી સાથે મારી પત્ની, એક 8 મહિનાનું બાળક અને એક 5 વર્ષનું બાળક પણ હતા.'

આગળ લખ્યું હતું કે, ગ્રાઉન્ડ સ્ટાફનો વ્યવહાર પણ ખૂબ જ અસભ્ય હતો અને તે લોકો ખૂબ જ બહાના બનાવી રહ્યા હતા. મારા સિવાય પણ અનેક મુસાફરોએ આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. હું સંબંધિત ઓથોરિટીને વિનંતી કરૂં છું કે, તેઓ આ મામલે શક્ય તેટલી ઝડપથી કાર્યવાહી કરે જેથી હું જે અનુભવમાંથી પસાર થયો છું તેવું અન્ય કોઈ સાથે ન બને. પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડાએ પણ ઈરફાન પઠાણની ટ્વિટમાં રિપ્લાય કર્યો હતો અને 'હાય એર વિસ્તારા, તમારા પાસેથી આવી આશા નહોતી.' એવું લખ્યું હતું.