પરિવાર પ્રથમ... પત્નીએ બાળકને જન્મ આપતા T20 વર્લ્ડકપ અધવચ્ચે છોડી ઘરે પહોંચ્યો આ સ્ટાર ખેલાડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Lockie Ferguson Paternity Leave T20 World Cup 2026 : પત્નીએ બાળકને જન્મ આપતા ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર લૉકી ફર્ગ્યૂસન T20 વર્લ્ડકપ અધવચ્ચે છોડી ઘરે પહોંચ્યો હતો. એટલાં માટે તે ગ્રુપ-ડીની કેનેડા સામેની છેલ્લી મેચમાં હાજર રહી શક્યો ન હતો. ટીમ મેનેજમેન્ટે સ્પષ્ટ કર્યું કે, ફર્ગ્યૂસનના આ ખાસ પ્રસંગે ટીમ તેમની સાથે છે.
પત્નીએ બાળકને જન્મ આપતા T20 વર્લ્ડકપ અધવચ્ચે છોડી ઘરે પહોંચ્યો ફર્ગ્યૂસન
ન્યૂઝીલેન્ડના મુખ્ય કોચ રૉબ વાલ્ટરે જણાવ્યું કે, ફર્ગ્યૂસન ફરીથી ટીમ સાથે જોડાઈ તેવી યોજના છે અને જો ન્યૂઝીલેન્ડ સુપર-8 સ્તરે પહોંચે છે તો તેઓ પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. કોચ અનુસાર, 'પરિવાર પહેલા આવે છે. ફર્ગ્યૂસન માટે આ બહુ ખાસ સમય છે અને અમે ઈચ્છીએ છીએ કે તે આ પળને અનુભવે.'
કોચે શું કહ્યું?
તેમણે કહ્યું કે, 'અમે ટીમમાં ફર્ગ્યૂસનની જગ્યાએ બીજા કોઈને સામેલ કરી શકતા નથી. કારણ કે યોજના પ્રમાણે તે ટૂર્નામેન્ટના સુપર-8 તબક્કા માટે વાપસી કરશે. જો કે, અમારા રિઝર્વ ખેલાડી બેન સિયર્સ અને કોલ મેકકોન્ચી જરૂરત પડવા પર ટીમમાં જોડાવવા માટે તૈયાર છે.'
34 વર્ષીય ફર્ગ્યૂસને અત્યાર સુધીમાં રમેલી ત્રણ મેચમાં 108 રન આપીને 4 વિકેટ પોતાના નામે કરી છે. ન્યૂઝીલેન્ડની ટીમ હાલ ગ્રુપ-ડીમાં 4 અંકોની સાથે બીજા સ્થાને છે.
સાઉથ આફ્રિકા સામે હાર થતાં દબાણ વધ્યું
ગત શનિવારે રમાયેલી ગ્રુપ-ડી મેચમાં સાઉથ આફ્રિકા સામે સાત વિકેટથી ન્યૂઝીલેન્ડને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર પછી ટીમ પર દબાણ વધ્યું છે. એટલે હવે આગામી મંગળવારે ચેન્નઈમાં કેનેડા સામે રમાનારી મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે કોઈપણ રીતે જીત પોતાના નામે કરવી પડશે.
ફર્ગ્યૂસનની ગેરહાજરીમાં કિવી બોલિંગ આક્રમણને નવી રણનીતિ અપનાવવી પડશે. ડેથ ઓવરોમાં તેની ગતિ અને કુશળતા ટીમ માટે મહત્ત્વપૂર્ણ રહી છે, તેથી ટીમ સંયોજનમાં ફેરફાર અપેક્ષિત છે.
આ પણ વાંચો: ધો.10ની બોર્ડની પરીક્ષા નહીં આપે વૈભવ સૂર્યવંશી! છેલ્લી ઘડીએ કારણોસર લીધો નિર્ણય
પરિવાર અને પ્રોફેશન વચ્ચે સંતુલન
ક્રિકેટરો માટે મોટી ટૂર્નામેન્ટ વચ્ચે આ પ્રકારના મોટા નિર્ણય લેવા સરળ હોતા નથી, પરંતુ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ હંમેશા ખેલાડીઓના અંગત જીવનને પ્રાથમિકતા આપે છે. હવે સવાલ એ થાય છે કે, શું ન્યૂઝીલેન્ડ કેનેડાને હરાવીને સુપર-8માં પોતાની જગ્યા બનાવે છે અને શું ફર્ગ્યૂસન નિર્ણાયક તબક્કામાં ટીમની ઝડપી બોલિંગને ફરીથી મજબૂત બનાવી શકશે?









