Sports

એક વિકેટ લેતા જ સુનીલ નરેનનો મોટો વિક્રમ, IPLમાં 'બેવડી સદી' કરનાર પ્રથમ વિદેશી બોલર

By GS Team
3 May 20262 mins read
TukuTouch Logo
સુનીલ નરેને IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ)માં વધુ એક મોટો વિક્રમ પોતાના નામે કર્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના આ દિગ્ગજ સ્પિનરે આજે 3 મે (રવિવાર)ના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચમાં સલિલ અરોરાને આઉટ કરીને ઈતિહાસ રચી દીધો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એક વિકેટ લેતા જ સુનીલ નરેનનો મોટો વિક્રમ, IPLમાં 'બેવડી સદી' કરનાર પ્રથમ વિદેશી બોલર

Sunil Narine Record: સુનીલ નરેને IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ)માં વધુ એક મોટો વિક્રમ પોતાના નામે કર્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના આ દિગ્ગજ સ્પિનરે આજે 3 મે (રવિવાર)ના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચમાં સલિલ અરોરાને આઉટ કરીને ઈતિહાસ રચી દીધો છે.

IPLમાં 200 વિકેટ લેનાર પ્રથમ વિદેશી બોલર

સુનીલ નરેન IPLમાં 200 વિકેટ લેનાર પ્રથમ વિદેશી બોલર બની ગયો છે. એકંદરે આ લીગમાં 200 વિકેટ લેનાર તે ત્રીજો બોલર છે. તેના પહેલા આ સિદ્ધિ યુઝવેન્દ્ર ચહલ (228 વિકેટ) અને ભુવનેશ્વર કુમાર (215 વિકેટ) મેળવી ચૂક્યા છે. નરેને આ સિદ્ધિ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં હાંસલ કરી હતી.

IPLના ઈતિહાસમાં એક જ ટીમ માટે 200 વિકેટ લેનાર પ્રથમ બોલર

તેણે આ મેચમાં 4 ઓવરમાં 31 રન આપીને 2 વિકેટ લીધી હતી. 2012થી સતત KKR માટે રમી રહેલો નરેન IPLના ઈતિહાસમાં એક જ ટીમ માટે 200 વિકેટ લેનાર પ્રથમ બોલર પણ બની ગયો છે. તેણે અત્યાર સુધી 197 આઈપીએલ મેચોમાં 201 વિકેટ ઝડપી છે અને તેની સરેરાશ 25.53 રહી છે.

સુનીલ નરેનના અન્ય રેકોર્ડ્સ

સુનીલ નરેનની સૌથી મોટી તાકાત તેની કરકસરયુક્ત બોલિંગ રહી છે. IPLમાં તેનો ઈકોનોમી રેટ 6.79 છે, જે તેને લીગના સૌથી શ્રેષ્ઠ બોલરોમાં સામેલ કરે છે. તે IPL ઈતિહાસનો એકમાત્ર એવો બોલર છે, જેણે 100 થી વધુ વિકેટ 7 કરતા ઓછા ઈકોનોમી રેટ સાથે લીધી છે. આ ઉપરાંત, નરેનના નામે IPLમાં 8 વખત ચાર કે તેથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ છે, જેમાં એક ફાઈવ વિકેટ હોલ અને એક હેટ્રિક પણ સામેલ છે. છતાં પણ આ મામલે તે માત્ર યુઝવેન્દ્ર ચહલથી પાછળ છે.

આ પણ વાંચો: ભુવનેશ્વર-હેઝલવુડ પણ પાછળ છૂટ્યા: CSKને મળ્યો નવો 'ડેથ ઓવર માસ્ટર', ટીમ ઈન્ડિયામાં મળશે તક?

બેટથી પણ શાનદાર પ્રદર્શન

સુનીલ નરેન માત્ર બોલથી જ નહીં, બેટથી પણ કમાલ કરી ચૂક્યો છે. તેણે IPLમાં 1800થી વધુ રન બનાવ્યા છે, જેમાં તેનો સ્ટ્રાઈક રેટ લગભગ 165 રહ્યો છે. તે IPL ઈતિહાસનો પ્રથમ એવો ખેલાડી છે, જેણે 1000 રન અને 200 વિકેટનો ડબલ (બેવડી સિદ્ધિ) પૂર્ણ કર્યો છે. ટી20 ક્રિકેટમાં પણ તેનો રેકોર્ડ શાનદાર છે. સુનીલ નરેને 591 ટી20 મેચોમાં 622 વિકેટ લીધી છે. આ ફોર્મેટમાં તેના કરતા વધુ વિકેટ માત્ર રાશિદ ખાન (712) અને ડ્વેન બ્રાવો (631)ના નામે છે. આ સિઝનમાં પણ સુનીલ નરેન શાનદાર લયમાં જોવા મળી રહ્યો છે. તેણે અત્યાર સુધી 8 મેચમાં 7 વિકેટ લીધી છે અને તેનો ઈકોનોમી રેટ 6.80 છે.