મહિલા એશિયા કપની ફાઈનલમાં ભારતનો શાનદાર વિજય, શ્રીલંકાને 72 રને હરાવ્યું, શેફાલી-સ્મૃતિની તોફાની ફિફ્ટી, ચરણીની 4 વિકેટથી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IND Women vs SL Women Final Match : દુબઈમાં રમાયેલી મહિલા એશિયા કપની ફાઇનલમાં ભારતીય મહિલા ટીમે શ્રીલંકા સામે શાનદાર પ્રદર્શન કરતાં 72 રને વિજય મેળવ્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટે 183 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ ભારતીય બોલરો સામે માત્ર 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ બેટિંગમાં તોફાન મચાવ્યું, જ્યારે બોલિંગમાં શ્રી ચરણી અને દીપ્તિ શર્માએ શ્રીલંકાની કમર તોડી નાખી હતી.
સ્મૃતિ અને શેફાલીની વિસ્ફોટ ફિફ્ટી
ભારતીય મહિલા ટીમ તરફથી સ્મૃતિ મંધાનાએ 39 બોલમાં 59 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 5 ફોર અને 3 સિક્સ સામેલ હતી. શેફાલી વર્માએ પણ તોફાની બેટિંગ કરતાં 39 બોલમાં 68 રન બનાવ્યા હતા, જેમાં 9 ફોર અને 2 સિક્સ ફટકારી હતી. હરમનપ્રીત કૌરે 14 બોલમાં 14 રન બનાવ્યા હતા, જ્યારે રિચા ઘોષે 13 બોલમાં 17 રન સાથે 1 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. દીપ્તિ શર્માએ 7 બોલમાં 5 રન બનાવ્યા હતા. ભારતી ફુલમાલીએ 3 બોલમાં 2 રન બનાવ્યા હતા, જ્યારે ગુનાલન કમાલિનીએ માત્ર 5 બોલમાં અણનમ 15 રન બનાવ્યા હતા, જેમાં 1 ફોર અને 1 સિક્સ સામેલ હતી. ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 183 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો.
શ્રીલંકન મહિલા બોલરોનું કંગાળ પ્રદર્શન
ભારતીય બેટ્સમેનો સામે શ્રીલંકન બોલરો ખાસ અસર પાડી શક્યા નહોતા. મિથાલી અયોધ્યાએ 4 ઓવરમાં 33 રન આપી 1 વિકેટ ઝડપી હતી. કવિશા દિલહરીએ 3 ઓવરમાં 29 રન અને સુગંધિકા કુમારીએ 4 ઓવરમાં 31 રન આપ્યા હતા, પરંતુ બંનેને એકપણ વિકેટ મળી નહોતી. ચમારી અથાપથ્થુએ 4 ઓવરમાં 34 રન આપી 1 વિકેટ ઝડપી હતી, જ્યારે ચામુડી પ્રબોધાએ 4 ઓવરમાં 40 રન આપી 1 વિકેટ લીધી હતી. નિલાક્ષી સિલ્વાએ 1 ઓવરમાં 15 રન આપ્યા હતા, પરંતુ તેઓ પણ વિકેટ મેળવી શક્યા નહોતા.
111 રનમાં ખખડી ગઈ શ્રીલંકન ટીમ
184 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકન ટીમની શરૂઆત સારી રહી નહોતી અને ભારતીય બોલરો સામે એક પછી એક વિકેટ ગુમાવતી ગઈ હતી. ચમારી અથાપથ્થુએ સૌથી વધુ 36 રન બનાવ્યા હતા. તેણે 32 બોલમાં 4 ફોર અને 2 સિક્સ ફટકારી હતી. વિશ્મી ગુણરત્નેએ 22 બોલમાં 20 રન બનાવ્યા હતા, જ્યારે નિલાક્ષી સિલ્વાએ 16 બોલમાં 22 રન સાથે 1 ફોર ફટકારી હતી. હર્ષિતા સમરવિક્રમાએ 14 બોલમાં 9 રન, કવિશા દિલહારીએ 5 બોલમાં 7 રન અને કૌશિની નુથ્યાંગનાએ 14 બોલમાં 9 રન બનાવ્યા હતા. ઈમેશા દુલાનીએ 4 બોલમાં 4 રન બનાવ્યા હતા. હસિની પરેરાએ 3 બોલમાં 1 રન અને સુગંધિકા કુમારીએ 7 બોલમાં 1 રન બનાવ્યો હતો, જ્યારે મિથાલી અયોધ્યા 3 બોલમાં 0 રને આઉટ થઈ હતી. ચામુડી પ્રબોધા અણનમ રહી હતી. શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 111 રનમાં સમેટાઈ ગઈ હતી.
ચરણીની 4 વિકેટ
ભારત તરફથી શ્રી ચરણીએ ઘાતક બોલિંગ કરતાં 4 ઓવરમાં માત્ર 20 રન આપી 4 વિકેટ ઝડપી હતી. દીપ્તિ શર્માએ પણ શાનદાર પ્રદર્શન કરતાં 4 ઓવરમાં 19 રન આપી 3 વિકેટ ઝડપી હતી. ક્રાંતિ ગૌડે 2 ઓવરમાં માત્ર 8 રન આપી 1 વિકેટ ઝડપી હતી. શેફાલી વર્માએ 4 ઓવરમાં 23 રન આપી 1 વિકેટ, જ્યારે પ્રેમા રાવતે 3 ઓવરમાં 22 રન આપી 1 વિકેટ ઝડપી હતી. નંદિની શર્માએ 3 ઓવરમાં 17 રન આપ્યા હતા, પરંતુ તેમને એકપણ વિકેટ મળી નહોતી. ભારતીય બોલરોના આ શાનદાર પ્રદર્શનના કારણે શ્રીલંકાની ટીમ 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.




