IND vs NZ: ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડના આ 4 ખેલાડીઓ ટીમ ઈન્ડિયા માટે બની શકે છે 'ખતરો'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

INDvsNZ 3rd ODI : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી વનડે મેચ રવિવારે, 18 જાન્યુઆરીએ ઇન્દોર ખાતે રમાશે. ત્રણ મેચોની આ સીરીઝ હાલ 1-1 થી બરાબરી પર છે. ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં ભારતીય ટીમનો વનડે રેકોર્ડ શાનદાર રહ્યો છે; અહીં ટીમ ઈન્ડિયા અત્યાર સુધી અજેય રહી છે. જોકે, ન્યૂઝીલેન્ડના આ ચાર ખેલાડીઓ ત્રીજી મેચમાં ભારતની જીતની મજા બગાડી શકે છે.
1. ડેરિલ મિચેલ
ડેરિલ મિચેલે બીજી વનડેમાં ભારતીય બોલરોની શિસ્તબદ્ધ બોલિંગ સામે શાનદાર લડત આપતા અણનમ 131 રન બનાવ્યા હતા. મિચેલ હાલ કારકિર્દીના સર્વોત્તમ ફોર્મમાં છે. આ પહેલા તેણે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પણ સદી ફટકારી હતી. સ્પિન અને પેસ બંને સામે સમાન ક્ષમતાથી રમતા મિચેલને વહેલા આઉટ કરવા એ ભારતીય બોલરો માટે મોટો પડકાર રહેશે.
2. માઇકલ બ્રેસવેલ (કેપ્ટન)
આ સીરીઝમાં કેપ્ટન તરીકે રમી રહેલા માઇકલ બ્રેસવેલે ભલે 2 મેચમાં માત્ર 2 વિકેટ ઝડપી હોય, પરંતુ તેની કરકસરયુક્ત બોલિંગ ભારતીય બેટ્સમેનોને રન બનાવતા રોકે છે. બીજી વનડેમાં તેણે 10 ઓવરમાં માત્ર 34 રન આપીને ભારત પર દબાણ બનાવી રાખ્યું હતું. એક ઓલરાઉન્ડર તરીકે તે લોઅર ઓર્ડરમાં બેટિંગમાં પણ વિસ્ફોટક સાબિત થઈ શકે છે.
3. કાઇલ જેમીસન
6 ફૂટ 8 ઇંચની ઊંચાઈ ધરાવતો આ પહાડી ખેલાડી પોતાની હાઈટને કારણે પિચ પરથી વધારાનો બાઉન્સ મેળવે છે. તેની સ્લોઅર બોલ અને સચોટ લાઈન-લેન્થે પ્રથમ વનડેમાં ભારતીય ટોપ-ઓર્ડરને ખૂબ જ પરેશાન કર્યા હતા. જેમીસન આ સીરીઝમાં અત્યાર સુધી 5 વિકેટ સાથે સૌથી સફળ કિવી બોલર રહ્યો છે.
4. વિલ યંગ
વિલ યંગ ભલે પ્રથમ વનડેમાં નિષ્ફળ રહ્યો હોય, પરંતુ બીજી મેચમાં તેણે પોતાની ક્ષમતા સાબિત કરી હતી. જ્યારે ન્યૂઝીલેન્ડે 46 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારે યંગે 87 રનની લડાયક ઇનિંગ રમીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. તે સ્પિનર્સ સામે ખૂબ જ આત્મવિશ્વાસથી રમે છે, જે ઇન્દોરની પિચ પર ભારત માટે જોખમી બની શકે છે.








