IND vs BAN: ભારતની ધમાકેદાર જીત સાથે ફાઈનલમાં એન્ટ્રી, બાંગ્લાદેશ શેફાલીના 100 રન સુધી પણ ન પહોંચી શક્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Asian Games 2026, INDW vs BANW : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સ 2026ની સેમિફાઈનલમાં એકતરફી અને યાદગાર પ્રદર્શન કરીને ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. ભારતની આક્રમક ઓપનર શેફાલી વર્માના માત્ર 49 બોલમાં અણનમ 100 રન અને ત્યારબાદ ભારતીય બોલરોના તરખાટ સામે બાંગ્લાદેશની ટીમ સાવ ઘૂંટણીયે પડી ગઈ હતી. 196 રનના વિશાળ ટાર્ગેટ સામે બાંગ્લાદેશની આખી ટીમ 20 ઓવર પણ પૂરી ન રમી શકી અને માત્ર 81 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પરિણામે ભારતે 114 રનથી મેચ જીતીને બાંગ્લાદેશ સામે મહિલા T20I ક્રિકેટમાં પોતાની અત્યાર સુધીની સૌથી મોટી જીત નોંધાવી છે.
શેફાલી વર્માનો છગ્ગા-ચોગ્ગાનો વરસાદ: 49 બોલમાં અણનમ સદી
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ તરફથી ઓપનર શેફાલી વર્મા શરૂઆતથી જ બાંગ્લાદેશના બોલરો પર તૂટી પડી હતી. શેફાલીએ 204.08ની જબરદસ્ત સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા માત્ર 49 બોલમાં અણનમ 100 રન ફટકાર્યા હતા. તેની આ આક્રમક ઈનિંગમાં 3 ચોગ્ગા અને 9 છગ્ગા સામેલ હતા. બાંગ્લાદેશની હાલત એટલી કફોડી બની હતી કે તેઓ આખી ટીમ મળીને પણ શેફાલીના વ્યક્તિગત સ્કોર (100 રન) સુધી પહોંચી શકી નહોતી.
મંધાના અને હરમનપ્રીત સાથે મહત્વની ભાગીદારી
ભારતીય ટીમને ઓપનિંગમાં શેફાલી અને સ્મૃતિ મંધાનાએ મજબૂત શરૂઆત અપાવતા પ્રથમ વિકેટ માટે 72 રન જોડ્યા હતા. સ્મૃતિ મંધાના 37 રન બનાવીને આઉટ થયા બાદ તરત જ બીજી વિકેટ પણ પડી ગઈ હતી. જોકે, ત્યારબાદ શેફાલીએ કેપ્ટન હરમનપ્રીત કૌર સાથે મળીને ઈનિંગ સંભાળી હતી. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 55 બોલમાં 94 રનની શાનદાર પાર્ટનરશિપ થઈ હતી, જેમાં હરમનપ્રીતે 40 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. આ દમદાર બેટિંગના આધારે ભારતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 195 રનનો પહાડ જેવો સ્કોર ખડક્યો હતો.
એક વર્ષમાં સૌથી વધુ રન બનાવનારા બેટર્સની યાદીમાં શેફાલી બીજા સ્થાને
આ વિસ્ફોટક ઈનિંગની સાથે જ શેફાલી વર્મા મહિલા T20I ક્રિકેટમાં એક જ કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવનારા બેટર્સની યાદીમાં મોખરે આવી ગઈ છે. હાલમાં સાઉથ આફ્રિકાની લૌરા વોલ્વાર્ટ વર્ષ 2026માં 824 રન સાથે ટોચ પર છે, જ્યારે શેફાલી વર્મા વર્ષ 2026માં 815 રન બનાવીને બીજા સ્થાને પહોંચી ગઈ છે. આ યાદીમાં હોંગકોંગની નતાશા માઈલ્સ 800 રન (2026), યુએઈની ઈશા ઓઝા 779 રન (2025), હોંગકોંગની યાસ્મિન દાસવાની 779 રન (2026) અને સ્મૃતિ મંધાના 763 રન (2024) સાથે સ્થાન ધરાવે છે.
ભારતની દમદાર બોલિંગ સામે બાંગ્લાદેશના 8 બેટર્સ સિંગલ ડિજિટમાં આઉટ
196 રનના મોટા લક્ષ્યાંક સામે બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ ભારતીય બોલિંગ આક્રમણ સામે ટકી શકી નહોતી. કેપ્ટન હરમનપ્રીતે 5 બોલરો અજમાવ્યા હતા અને તમામ 5 બોલરોએ વિકેટ ઝડપી હતી. દીપ્તિ શર્મા અને નંદિની શર્માએ ઘાતક બોલિંગ કરતા 3-3 વિકેટ લીધી હતી. શ્રી ચરણીએ 2 વિકેટ ઝડપી હતી, જ્યારે ક્રાંતિ ગૌડ અને શ્રેયંકા પાટિલને 1-1 વિકેટ મળી હતી. ભારતીય બોલરોના દબાણ સામે બાંગ્લાદેશના 8 બેટ્સમેન બે આંકડાના સ્કોર સુધી પણ પહોંચી શક્યા નહોતા. બાંગ્લાદેશ તરફથી ઓપનર દિલારા અક્તરે સૌથી વધુ 27 રન બનાવ્યા હતા અને સમગ્ર ટીમ માત્ર 81 રનમાં સમેટાઈ ગઈ હતી.
બાંગ્લાદેશ સામે ભારતની સતત 10મી જીતનો રેકોર્ડ
ભારતની મહિલા T20I ક્રિકેટમાં રનની દ્રષ્ટિએ આ ત્રીજી સૌથી મોટી જીત છે, જ્યારે બાંગ્લાદેશ સામેની આ સૌથી મોટી જીત બની ગઈ છે. આ સાથે જ ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે સતત 10મી T20I મેચ જીતવાનો કીર્તિમાન પણ જાળવી રાખ્યો છે. બાંગ્લાદેશ સામે ભારતનો આ વિજય રથ સપ્ટેમ્બર 2023થી અવિરત ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, ભારતે કોઈપણ એક ટીમ સામે સૌથી વધુ સતત જીતનો રેકોર્ડ શ્રીલંકા સામે બનાવ્યો હતો, જ્યાં ભારતે ફેબ્રુઆરી 2016થી જૂન 2022 વચ્ચે સળંગ મેચો જીતી હતી.
ગોલ્ડ મેડલ માટે 22 સપ્ટેમ્બરે ભારત અને શ્રીલંકા વચ્ચે મહામુકાબલો
સેમિફાઈનલમાં ભવ્ય વિજય મેળવીને ભારતીય મહિલા ટીમે ફાઈનલમાં ગોલ્ડ મેડલ માટે પોતાની જગ્યા પાકી કરી લીધી છે. બીજી તરફ, શ્રીલંકાની ટીમે પાકિસ્તાનને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. હવે એશિયન ગેમ્સ 2026ના મહિલા ક્રિકેટના ગોલ્ડ મેડલ માટે 22 સપ્ટેમ્બરે ભારત અને શ્રીલંકા વચ્ચે ખરાખરીનો જંગ જામશે.




