IND vs SL કોલંબો ટેસ્ટ: મેચ જીત્યા તો 3 વર્ષ બાદ ઈતિહાસ રચશે ટીમ ઈન્ડિયા, ગિલ અને જયસ્વાલની કસોટી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IND vs SL: કોલંબોના સિંહલીઝ સ્પોર્ટ્સ ક્લબ (SSC) ગ્રાઉન્ડમાં જ્યારે રવિવારે (23 ઓગસ્ટ) ભારત અને શ્રીલંકાની ટીમો આમને-સામને હશે, તો ટીમ ઈન્ડિયા માટે શુભમન ગિલ અને યશસ્વી જાયસ્વાલના પ્રદર્શન પર નજર રહેશે. આ સાથે જ શુભમન બ્રિગેડ ઈતિહાસ રચવાની કગાર પર હશે. ગોલમાં પહેલી ટેસ્ટ 165 રનથી જીતીને ભારતીય ટીમ સિરિઝમાં 1-0થી આગળ છે. હવે શુભમન ગિલની કેપ્ટનશીપ વાળી ટીમ પાસે શ્રીલંકામા સિરિઝ 2-0થી જીતવાની તક છે.
ભારત માટે આ મુકાબલો એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તેને વિદેશી ધરતી પર ટેસ્ટ સિરિઝ જીત્યાને ત્રણ વર્ષ થઈ ચૂક્યા છે. ભારતે છેલ્લી વખત જુલાઈ 2023માં વેસ્ટ ઈન્ડીઝને તેની જ ધરતી પર ટેસ્ટ સિરિઝમાં હરાવ્યું હતું. ત્યારબાદ ઓસ્ટ્રેલિયામાં ટીમે સિરિઝ ગુમાવી હતી, જ્યારે સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ સામે વિદેશી ધરતી પર સિરિઝ ડ્રો પર ખતમ થઈ હતી.
આ દરમિયાન ઘરઆંગણે ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા સામે મળેલી હારે પણ ભારતીય ટેસ્ટ ટીમની ચમક ફીકી કરી દીધી હતી. એવામાં ગોલમાં મળેલી 165 રનની જીત ટીમ માટે ઘણી રાહત લઈને આવી છે. શ્રીલંકન સ્પિનરોએ મુશ્કેલ પીચ પર ભારતીય બેટ્સમેનોને પરેશાન ચોક્કસ કર્યા, પરંતુ ભારતે મેચ પર પકડ જાળવી રાખી.
2-0 થયું તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ ફાયદો
ભારત જો કોલંબોમાં પણ જીત હાંસલ કરીને સિરિઝ 2-0થી પોતાના નામે કરે છે, તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ટેબલમાં પણ તેની સ્થિતિ વધુ સારી થઈ શકે છે. ક્લીન સ્વીપ બાદ ભારત 57.58% અંકો સુધી પહોંચી શકે છે. આનાથી તેના ચોથા સ્થાને પહોંચવાની શક્યતા બનશે.
હાલમાં બાંગ્લાદેશ 66.67 ટકા% અંકો સાથે ચોથા સ્થાન પર છે. જો ડાર્વિનમાં ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશ હારી જાય, તો તેના અંક ઘટીને 55.56% થઈ શકે છે. એવામાં તે પાંચમા સ્થાને ખસી શકે છે અને ભારતને ચોથા સ્થાને પહોંચવાની તક મળી શકે છે. એટલે કે કોલંબો ટેસ્ટ ભારત માટે માત્ર સિરિઝ જીતનો મામલો નથી, પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની રેસમાં પણ મહત્વપૂર્ણ છે.
ગિલ સામે સ્પિનનો પડકાર
ગોલમાં જીત છતાં ભારતીય ટીમને પોતાના કેપ્ટન શુભમન ગિલ પાસેથી મોટી ઈનિંગ્સની અપેક્ષા રહેશે. ગિલે પોતાની છેલ્લી છ ઈનિંગ્સમાં બે સદી ફટકારી છે અને એકંદરે તે સારી લયમાં દેખાઈ રહ્યો છે. પરંતુ સ્પિન સામે તેમની એક નબળાઈ સતત સામે આવી છે, ખાસ કરીને ડાબોડી પરંપરાગત સ્પિનરો સામે. ગોલ ટેસ્ટમાં પ્રભાત જયસૂર્યાએ બંને ઈનિંગ્સમાં ગિલને આઉટ કર્યો. પહેલી ઇનિંગ્સમાં તે 16 અને બીજી ઈનિંગ્સમાં 8 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ટેસ્ટ ક્રિકેટમાં ડાબોડી સ્પિનરો સામે ગિલ અત્યાર સુધીમાં 11 વાર આઉટ થઈ ચૂક્યા છે. આ જ કારણ છે કે ગિલે શુક્રવારે કોલંબોમાં પ્રેક્ટિસ દરમિયાન ડાબોડી સ્પિન સામે ઘણો સમય વિતાવ્યો. તેમણે માનવ સુથાર, રવીન્દ્ર જાડેજા અને કેટલાક સ્થાનિક બોલરોનો સામનો કર્યો અને પોતાની ટેકનિક પર કામ કર્યું.
કેપ્ટન તરીકે ગિલના આંકડા જોકે ખૂબ જ શાનદાર છે. તેણે 10 ટેસ્ટમાં 1100 રન બનાવ્યા છે અને તેની એવરેજ 73થી વધુ છે. કેપ્ટનશીપ સંભાળ્યા પહેલા 32 ટેસ્ટમાં તેના નામે 1,893 રન હતા અને એવરેજ લગભગ 35 હતી. હવે ગિલ સામે બેવડો પડકાર છે. એક તરફ તેણે સ્પિન સામેની પોતાની નબળાઈને દૂર કરવાની છે, તો બીજી તરફ પોતાની કેપ્ટનશીપમાં પહેલી વિદેશી ટેસ્ટ સિરિઝ જીતાડવાની છે. જો બેટ પણ ચાલ્યું તો તેની કેપ્ટનશીપનો આ પડાવ વધુ ખાસ બની શકે છે.
જયસ્વાલ પાસેથી પણ મોટી ઈનિંગ્સની આશા
યશસ્વી જયસ્વાલનું ફોર્મ પણ ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય છે. ગત વર્ષે નવી દિલ્હીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે સદી ફટકાર્યા બાદ જયસ્વાલ પોતાની છેલ્લી 8 ઈનિંગ્સમાં માત્ર એક અડધી સદી ફટકારી શક્યો છે. તેની પરેશાનીની એક ખાસ પેટર્ન પણ સામે આવી છે. ફાસ્ટ બોલરો સામે કટ અથવા બોલને પોઈન્ટ ઉપરથી રમવાનો પ્રયાસ કરતી વખતે તે પોતાની વિકેટ ગુમાવી રહ્યો છે.
ગોલ ટેસ્ટમાં પહેલી ઈનિંગ્સમાં જયસ્વાલ રન આઉટ થયો હતો. બીજી ઈનિંગ્સમાં પણ તે વધુ સમય ટકી નહોતો શક્યો. અસિથા ફર્નાન્ડોના શોર્ટ બોલ પર કટ કરવાનો પ્રયાસ કરતી વખતે બેટની કિનારી લાગી અને વિકેટકીપર નિરોશન ડિકવેલાએ કેચ ઝડપી લીધી.
ત્યારબાદ જયસ્વાલે શુક્રવારે એસએસસીમાં નેટ્સ પર ઘણો સમય વિતાવ્યો. ભારતીય બોલિંગ કોચ મોર્ને મોર્કેલે તેના માટે ઓફ સ્ટમ્પની બહાર બોલિંગ કરાવી. પ્રયાસ એ જ હતો કે, જયસ્વાલને કટ અથવા પોઈન્ટ ઉપરથી બોલ રમવા માટે ઉશ્કેરવામાં આવે. જોકે આ વખતે જયસ્વાલે સારી સમજદારી બતાવી. તેણે ઘણા બોલ છોડી દીધા અને બોલને વિકેટની પાછળથી નીકળી જવા દીધા.
કુલદીપ કે સારાંશ? આ નિર્ણય પર પણ નજર
પહેલી ટેસ્ટમાં અસર છોડવામાં અસફળ રહેલા ભારતીય બોલરોમાં કુલદીપ યાદવ પણ રહ્યો છે. કુલદીપે ગોલ ટેસ્ટની બંને ઈનિંગ્સમાં કુલ 25 ઓવર બોલિંગ કરી અને માત્ર એક વિકેટ ઝડપી. આ દરમિયાન તેણે 103 રન આપ્યા હતા. તેની એકમાત્ર વિકેટ પણ શુભમન ગિલના શાનદાર કેચના લીધે મળી હતી. એવામાં સવાલ ઉઠી રહ્યો છે કે, શું ટીમ મેનેજમેન્ટ કુલદીપની જગ્યાએ ઓફ સ્પિનર સારાંશ જૈનને તક આપશે?
શ્રીલંકા સામે પણ મુશ્કેલીઓ ઓછી નથી
શ્રીલંકા માટે આ ટેસ્ટ સિરિઝ બચાવવાની છેલ્લી તક છે. ગોલમાં 165 રનની હાર બાદ તેમની નજર વાપસી પર છે, પરંતુ ટીમને ઘણા મોટા ખેલાડીઓની ખોટ સાલશે. કુસલ મેન્ડિસ હેમસ્ટ્રિંગ ઈજાના કારણે ઉપલબ્ધ નથી. પથુમ નિસંકા અને અનુભવી બેટ્સમેન દિનેશ ચાંદીમલ પણ આગામી ટેસ્ટમાંથી બહાર છે. એવામાં શ્રીલંકાએ કામિલ મિશારા અને સહન અરાચિગેને ટીમમાં સામેલ કર્યા છે.
શ્રીલંકન બેટ્સમેનોએ પણ પોતાની વ્યૂહરચના બદલવી પડશે. ગોલમાં ટોપ ઓર્ડરના બેટ્સમેન ઘણી વાર જરૂરિયાત કરતાં વધુ શોટ રમવાના ચક્કરમાં વિકેટ ગુમાવતા નજરે પડ્યા. બીજી ટેસ્ટમાં તેમણે ક્રીઝ પર વધુ સમય ટકીને બેટિંગ કરવી પડશે. કામિલ મિશારા અને સહન અરાચિગે પાસેથી ટીમને સકારાત્મક બદલાવની આશા છે. જો શ્રીલંકાના બેટ્સમેન પાછી એ જ ભૂલનું પુનરાવર્તન કરશે તો ભારત સામે મુકાબલો ફરી એક વાર એક તરફો થઈ શકે છે.
ભારત માટે તસવીર સ્પષ્ટ છે. કોલંબોમાં જીત મળી તો સિરિઝ 2-0થી તેના નામે થશે, વિદેશી ધરતી પર સિરિઝ જીતવાની તેમની ત્રણ વર્ષની રાહનો અંત આવશે અને સંભવતઃ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ટેબલમાં પણ ટીમને ફાયદો મળી શકે છે. બીજી ટેસ્ટ રવિવાર સવારે 10:00 વાગ્યે ભારતીય સમયાનુસાર શરૂ થશે.
ભારત: શુભમન ગિલ (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રૃષ્ણા, ગુરનૂર બ્રાર, દેવદત્ત પડિક્કલ, સારાંશ જૈન, ઔકિબ નબી, સરફરાઝ ખાન.
શ્રીલંકા: ધનંજય ડી સિલ્વા (કેપ્ટન), લાહિરુ ઉદારા, કામિલ મિશારા, પસિંદુ સૂરિયાબંદર, કામિંન્દુ મેન્ડિસ, સહન અરાચિગે, સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા, કેશરા નુવંથા, પ્રભાત જયસૂર્યા, મિલાન રત્નાયકે, લાહિરુ કુમારા, અસિથા ફર્નાન્ડો, વિશ્વા ફર્નાન્ડો.









