Sports

વિરાટ કોહલી સાથે મારો કોઈ ઝઘડો નથી…, હેન્ડશેક વિવાદ પર ટ્રેવિસ હેડનો જવાબ

By GS Team
25 Jul 20263 mins read
TukuTouch Logo
IPL 2026માં RCB-SRH મેચ બાદ વિરાટ કોહલી સાથેના કથિત અણબનાવ અને પરિવારને ટ્રોલ કરવાના વિવાદ પર ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડે મૌન તોડ્યું છે. તેણે સ્પષ્ટ કર્યું કે કોહલી સાથે કોઈ ખરાબ સંબંધ નથી અને સોશિયલ મીડિયા પરની વાતો અફવા છે. હેડે પરિવાર પર થયેલી ઓનલાઇન ટ્રોલિંગ સામે પીડા વ્યક્ત કરી અને આવી પ્રવૃત્તિઓ બંધ કરવા અપીલ કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

વિરાટ કોહલી સાથે મારો કોઈ ઝઘડો નથી…, હેન્ડશેક વિવાદ પર ટ્રેવિસ હેડનો જવાબ

Stop Trolling Innocent Athlete Families: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની મેચ બાદ ભારે ચર્ચામાં રહેલા વિવાદ પર આખરે ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓપનર ટ્રેવિસ હેડે મૌન તોડ્યું છે. વિરાટ કોહલી સાથેના કથિત અણબનાવ અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેના પરિવારને નિશાનો બનાવીને કરવામાં આવેલી દર્દનાક ટ્રોલિંગ પર હેડે પહેલીવાર ખુલ્લેઆમ પોતાનો આક્રોશ અને પીડા વ્યક્ત કરી છે. તેણે સ્પષ્ટ કર્યું છે કે વિરાટ કોહલી સાથે તેના કોઈ ખરાબ સંબંધો નથી અને મીડિયા તેમજ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી વાતો માત્ર અફવા છે.

શું હતો સમગ્ર હેન્ડશેક વિવાદ?

IPL 2026ની સીઝન દરમિયાન સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાયેલી મેચ બાદ એક વીડિયો વાયરલ થયો હતો. મેચ સમાપ્ત થયા બાદ જ્યારે બંને ટીમના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવી રહ્યા હતા, ત્યારે કેમેરામાં કેદ થયું હતું કે વિરાટ કોહલી ટ્રેવિસ હેડની સામે જોયા વગર તેની બાજુમાંથી પસાર થઈ ગયો હતો અને હેડ સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું. આ વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયાના કીબોર્ડ વોરિયર્સ સક્રિય થઈ ગયા હતા અને દાવો કરવામાં આવ્યો હતો કે બંને દિગ્ગજો વચ્ચે મેદાન પર થયેલી સ્લેજિંગના કારણે સંબંધોમાં ભારે ખટાસ આવી ગઈ છે.

"પેચ-અપ કરવા જેવું કંઈ નથી" - હેડનો ખુલાસો

આ વિવાદના મહિનાઓ બાદ એક ઇન્ટરવ્યુમાં વાતચીત કરતી વખતે ટ્રેવિસ હેડે તમામ અટકળોને સખત શબ્દોમાં નકારી કાઢી છે. હેડે જણાવ્યું,

"મને નથી લાગતું કે અમારે કોઈ પેચ-અપ કરવાની જરૂર છે. અમારા વચ્ચે કોઈ વિવાદ કે અણબનાવ જેવી વાત જ નથી. ટૂર્નામેન્ટ જે રીતે આગળ વધી, તે રીતે જ બધું સામાન્ય રહ્યું હતું. આમાં કોઈ આશ્ચર્ય પામવા જેવી ઘટના નહોતી. વિરાટ અને મારા સંબંધો એકદમ સામાન્ય છે."

હેડના આ નિવેદન બાદ હવે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી વાહિયાત ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.

પરિવાર પર થયેલી ઓનલાઇન ટ્રોલિંગથી છલકાયું દર્દ

મેદાન પરની હરીફાઈને એક પ્રોફેશનલ ખેલાડી તરીકે હેડ સામાન્ય ગણાવે છે, પરંતુ વિવાદ બાદ સોશિયલ મીડિયા પર તેની પત્ની અને પરિવારને જે રીતે ટાર્ગેટ કરવામાં આવ્યા તેનાથી તે ખૂબ જ દુખી થયો છે. આ વિવાદ બાદ કથિત ક્રિકેટ ફેન્સે ટ્રેવિસ હેડની પત્ની જેસિકા હેડના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જઈને અત્યંત આપત્તિજનક અને અભદ્ર કમેન્ટ્સ કરી હતી. પોતાની પીડા વ્યક્ત કરતા હેડે જણાવ્યું કે,

"હું અને જેસિકા પ્રોફેશનલ સ્પોર્ટ્સની દુનિયાને સારી રીતે સમજીએ છીએ અને અમારી પાસે એક યોગ્ય પરિપ્રેક્ષ્ય છે. અમે જાણીએ છીએ કે આ તે જ દુનિયાનો એક હિસ્સો છે જેમાં આપણે જીવીએ છીએ. પરંતુ અસલી મુશ્કેલી ત્યારે થઈ જ્યારે નફરત ફેલાવતી આ બાબતો પરિવારના અન્ય સભ્યો સુધી પહોંચવા લાગી, જેઓ આવી નકારાત્મકતા જોવા કે સહન કરવા માટે બિલકુલ ટેવાયેલા નથી."

જોકે, હેડે મુશ્કેલ સમયમાં ધીરજ રાખવા બદલ પોતાની પત્ની જેસિકાની પ્રશંસા કરતા ઉમેર્યું કે, "આવી ઘટનાઓ બાદ થોડા દિવસોમાં લોકો બધું ભૂલી જતા હોય છે. જેસિકાએ આ સમગ્ર સ્થિતિને અદભુત પરિપક્વતા અને શાંતિથી સંભાળી છે. પરંતુ ખેલાડીઓની રમતની આલોચના કરવી અલગ બાબત છે અને તેમના નિર્દોષ પરિવારને ઓનલાઇન નફરતનો ભોગ બનાવવો એ રમત જગતની સૌથી કમનસીબ સચ્ચાઈ છે."

IPL 2026નું સરવૈયું

અત્રે ઉલ્લેખનીય છે કે, IPL 2026ની આ સીઝન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) માટે ખૂબ જ યાદગાર રહી હતી, જેમાં ટીમે ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ (GT)ને હરાવીને સતત બીજી વખત આઇપીએલ ટ્રોફી પોતાના નામે કરી હતી. જ્યારે ટ્રેવિસ હેડની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) પ્લેઓફમાં ક્વોલિફાય થઈને એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે હારીને બહાર થઈ ગઈ હતી.