'હું પણ 400 વિકેટ ઝડપી શક્યો હોત...', શોએબ અખ્તરનું દર્દ છલકાયું, અધૂરી ખ્વાહીશ જણાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shoaib Akhtar News : વિશ્વ ક્રિકેટમાં પોતાની ખતરનાક ઝડપ માટે જાણીતા પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે એક ટીવી ચેનલ પર વાતચીત દરમિયાન ચોંકાવનારો ખુલાસો કર્યો છે. 'રાવલપિંડી એક્સપ્રેસ' તરીકે જાણીતા અખ્તરે જણાવ્યું હતુ કે જો તેને પોતાની કારકિર્દી દરમિયાન ઇમરાન ખાન જેવી કપ્તાની મળી હોત, તો તેની ટેસ્ટ કારકિર્દીનું ચિત્ર જ કંઈક અલગ હોત અને તેના ખાતામાં માત્ર 178 નહીં પરંતુ 400થી વધુ ટેસ્ટ વિકેટ હોત.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ અને આંતરરાષ્ટ્રીય આંકડાઓ
શોએબ અખ્તરે પોતાની કારકિર્દી વિશે વાત કરતા જણાવ્યું કે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 400થી વધુ વિકેટ ઝડપી છે, પરંતુ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં તે 46 મેચોમાં 178 વિકેટ જ લઈ શક્યો હતો. જ્યારે તેણે 1997માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું, ત્યારે ઇમરાન ખાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા હતા. અખ્તરના મતે ઇમરાન ખાનમાં ખેલાડીઓ પાસેથી તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કઢાવવાની અદ્ભુત કુશળતા હતી, જેની તેને હંમેશા ખામી વર્તાઈ હતી.
શરીરની કઠિન જંગ અને સંઘર્ષભરી સફર
શોએબ અખ્તરે પોતાની ફિટનેસ અને સંઘર્ષ વિશે વાત કરતા જણાવ્યું કે તે ઝડપ જાળવી રાખવા માટે દરરોજ એક યુદ્ધ લડતો હતો. ઘૂંટણમાં જામેલા પ્રવાહીને બહાર કાઢવા માટે રોજ સિરીંજનો સહારો લેવો પડતો હતો. ટીમ જાગે તે પહેલાં વહેલી સવારે જિમ અને સાઇકલિંગ કરવું પડતું હતું અને મેચ પછી શરીરને સામાન્ય સ્થિતિમાં લાવવા માટે રોજ 5 કલાક જેટલો સમય લાગતો હતો. 2011ના વર્લ્ડ કપ દરમિયાન તેની કારકિર્દીનો અંત આવ્યો હતો. જેમાં તેમણે કુલ 163 વનડેમાં 247 અને 15 ટી 20 મેચોમાં 21 વિકેટ પોતાના નામે કરી હતી.









