Sports

'હું મશીન કે રોબોટ નથી...' સંજુ સેમસનનું દર્દ છલકાયું, વૈભવના સિલેક્શન અંગે કહી મોટી વાત

By GS Team
16 Sep 20264 mins read
TukuTouch Logo
દિલ્હીમાં અફઘાનિસ્તાન સામેની T20 મેચમાં 57 રન ફટકારી, સંજુ સેમસને લાંબા સમયથી રાહ જોવાતી ઇનિંગ્સ રમી. તેણે પોતાની બેટિંગ, આલોચનાઓ અને 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની પસંદગી અંગે ખુલીને વાત કરી. સંજુએ કહ્યું કે તે મશીન નથી અને નેગેટિવ કમેન્ટ્સથી દુઃખ થાય છે. તેણે ગૌતમ ગંભીર અને ટીમ મેનેજમેન્ટના કઠિન નિર્ણયોનો બચાવ કર્યો, જે ટીમ હિતમાં લેવાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

'હું મશીન કે રોબોટ નથી...' સંજુ સેમસનનું દર્દ છલકાયું, વૈભવના સિલેક્શન અંગે કહી મોટી વાત

Sanju Samson Defends Tough Decisions: દિલ્હી ખાતે અફઘાનિસ્તાન સામે રમાયેલી બીજી T20 મેચમાં સંજુ સેમસને જે જવાબી ઇનિંગ્સની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે પોતાના બેટથી રમી બતાવી છે. તેણે માત્ર 22 બોલમાં 57 રનની તોફાની અડધી સદી ફટકારીને ભારતની 7 વિકેટથી થયેલી શાનદાર જીતમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. મેચ પૂર્ણ થયા બાદ સંજુએ પોતાની વિસ્ફોટક બેટિંગ ઉપરાંત તેની સામે થતી સતત આલોચનાઓ, સોશિયલ મીડિયા પર થતા બહારના અવાજો અને 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની ટીમમાં પસંદગી અંગે ખુલીને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

'હું મશીન કે રોબોટ નથી, ખરાબ કમેન્ટ્સથી દુઃખ થાય છે': સંજુ સેમસન

સંજુએ સ્વીકાર્યું કે ભારતીય ક્રિકેટરોની આસપાસ થતી અવિરત ચર્ચાઓ અને ટીકાઓથી બચવું સરળ નથી અને તેની અસર તેના પર પણ પડે છે. આ વિશે સંજુ સેમસને કહ્યું કે,

"હું Wi-Fi બંધ રાખવાનો પ્રયાસ કરું છું, પરંતુ ક્યારેક Wi-Fi ઓન થઈ જાય છે અને સોશિયલ મીડિયા પર કેટલાક નેગેટિવ કમેન્ટ્સ સામે આવી જાય છે."

પૂર્વ કે સિનિયર ખેલાડીઓની ટિપ્પણીઓ અંગે તેણે કહ્યું કે કેટલાક ખેલાડીઓ તેના વિશે બોલે છે અને કેટલાક નથી બોલતા, જે તેમની તે સમયની માનસિક સ્થિતિ અને પસંદગી પર નિર્ભર કરે છે; કોઈ સકારાત્મક શબ્દો વાપરે છે તો કોઈ નકારાત્મક. આ વિશે સંજુ સેમસને વધુમાં કહ્યું કે,

"હું કોઈ મશીન કે રોબોટ નથી. તમે એક માણસ છો એટલે થોડી ઘણી અસર તો થાય જ છે અને ખરાબ પણ લાગે છે. પરંતુ ત્યારબાદ તમારે પોતાની જાત સાથે વાત કરવી પડે છે અને ખુદને યાદ અપાવવું પડે છે કે તમે કોણ છો અને તમારે મેદાન પર શું કરવાનું છે."

માઇન્ડસેટ સ્પષ્ટ ન હોય તો બેટિંગ કરવી અસંભવ

બહારના દબાણ અંગે વાત કરતાં સંજુએ સ્પષ્ટ કર્યું કે જો તે સતત સોશિયલ મીડિયાની ચર્ચાઓ પર ધ્યાન આપતો હોત તો ક્યારેય આક્રમક રીતે રમી શક્યો ન હોત. તેણે કહ્યું કે જો તે લોકોની વાતો સાંભળતો હોત તો બોલને ફટકારતાં પહેલાં 10 વાર વિચારતો. જો બોલ બાઉન્ડ્રી બહાર જતો રહે તો ફરી Wi-Fiની સમસ્યા ઊભી થતી, પરંતુ હવે તેને આ બાબતોથી કોઈ ફરક પડતો નથી. ખેલાડીએ જાતે જ નક્કી કરવું પડે છે કે તેને કઈ માનસિકતા સાથે તૈયારી કરીને મેદાનમાં ઉતરવું છે.

15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની પસંદગી પર સંજુનું મોટું નિવેદન

હાલના સમયમાં ઓપનિંગ સ્લોટ માટે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીના દાવેદારીથી સંજુ સામે મોટો પડકાર ઊભો થયો છે. વૈભવે આ સિઝનમાં અંદાજે 700થી 800 રન ફટકારીને જોરદાર પ્રદર્શન કર્યું છે, જેનો ઉલ્લેખ સંજુએ પણ કર્યો હતો. આ વિશે સંજુએ સ્વીકાર્યું કે,

"ભારતીય ટીમ ચલાવવી સહેલું કામ નથી. એક 15 વર્ષના બાળકે સિઝનમાં 700-800 રન બનાવ્યા છે અને ટૂર્નામેન્ટ પહેલાં પણ ઉત્કૃષ્ટ રમત બતાવી હતી. તેથી તેને કોઈને કોઈ રીતે ટીમમાં તક આપવી અત્યંત સ્વાભાવિક અને જરૂરી હતું."

સેમસને પોતાની ભૂલ સ્વીકારતાં કહ્યું કે તે પોતે અગાઉની 2-3 મેચોમાં સારું પ્રદર્શન કરી શક્યો નહોતો, જ્યારે વૈભવ શાનદાર ફોર્મમાં હતો અને સીરિઝ જીતવાના પ્રબળ ઇરાદા સાથે આવ્યો હતો. આવા સંજોગોમાં ટીમ મેનેજમેન્ટે તેને તક આપી તે યોગ્ય નિર્ણય હતો.

ગૌતમ ગંભીર અને ટીમ મેનેજમેન્ટના કઠિન નિર્ણયોનો કર્યો બચાવ

ટીમમાંથી બહાર બેસવા કે સ્થાન ગુમાવવા અંગે કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવાને બદલે સંજુએ હેડ કોચ ગૌતમ ગંભીર અને લીડરશીપ ગ્રુપની પ્રશંસા કરી હતી. સંજુએ કહ્યું કે તે પોતે પણ કેપ્ટન રહી ચૂક્યો છે, તેથી જાણે છે કે આવા આકરા નિર્ણયો લેવા કેટલા અઘરા હોય છે. આ વિશે સંજુએ જણાવ્યું કે,

"આવી પરિસ્થિતિમાં સૌથી મહત્ત્વનું પરિબળ સંવાદ છે. સીરિઝ શરૂ થતાં પહેલાં પણ હેડ કોચ ગૌતમ ગંભીરે મારી સાથે લાંબી વાતચીત કરી હતી અને ટીમની અંદર પણ સતત સ્પષ્ટ ચર્ચાઓ થતી રહી હતી. લોકપ્રિય નિર્ણયો લેવા ખૂબ સહેલા હોય છે, પરંતુ ટીમના હિતમાં કઠિન નિર્ણયો લેવા અત્યંત મુશ્કેલ હોય છે. અમારું લીડરશીપ ગ્રુપ વ્યક્તિગત ખેલાડીઓ કરતાં ટીમના હિતને સર્વોપરી રાખીને કઠોર નિર્ણયો લઈ રહ્યું છે, જેનો સંપૂર્ણ શ્રેય મેનેજમેન્ટને મળવો જોઈએ."

આમ, બીજી T20Iમાં 22 બોલમાં 57 રનની તોફાની ઇનિંગ્સ રમીને પુનરાગમન કરનારા સંજુ સેમસને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેના માટે વ્યક્તિગત સ્થાન કરતાં હંમેશાં દેશ અને ટીમનું હિત સર્વોચ્ચ રહેશે.