Shubman Gill IPL Record : આઈપીએલ-2026માં ગુજરાત ટાઈટન્સે ફરી એકવાર શાનદાર પ્રદર્શન કર્યું છે. 2022માં પહેલી જ સિઝનમાં ચેમ્પિયન બનેલી અને 2023માં ફાઈનલમાં પહોંચેલી ગુજરાતની ટીમે આ વર્ષે પણ પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે જ ટીમે તેની શરૂઆતની પાંચ સિઝનમાંથી ચોથી વખત પ્લેઓફમાં પહોંચવાનો રેકોર્ડ બનાવ્યો છે. ટીમની આ સફળતા પાછળ તેનું લાંબા ગાળાનું આયોજન અને મેદાન પર ખેલાડીઓનું સારું પ્રદર્શન મુખ્ય કારણ છે.
ગિલના પ્રદર્શનથી ફેન્ચાઈઝી ખુશ
આ સફરમાં કેપ્ટન શુભમન ગિલની ભૂમિકા સૌથી મહત્વની રહી છે. 2022માં ટીમ સાથે જોડાયેલા ગિલે 2023ની સિઝનમાં 890 રન બનાવ્યા હતા. ફ્રેન્ચાઈઝીએ તેના પર કેપ્ટન તરીકે ભરોસો મૂક્યો અને તેના નેતૃત્વમાં ટીમે આ સિઝનમાં પણ જોરદાર પ્રદર્શન કર્યું છે. ગુજરાતની ટીમ પોતાની છેલ્લી મેચ પહેલા 16 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને મજબૂત સ્થિતિમાં છે.
ગિલ સચિન-કોહલીના ખાસ ક્લબમાં સામેલ
શુભમન ગિલે આ સિઝનમાં બેટિંગમાં પણ કમાલ કરતા 12 મેચમાં 552 રન બનાવ્યા છે, જેમાં પાંચ અડધી સદી સામેલ છે. આ સાથે જ તે સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને ડેવિડ વોર્નર જેવા દિગ્ગજોની યાદીમાં સામેલ થઈ ગયો છે, જેમણે કેપ્ટન તરીકે આઈપીએલમાં એકથી વધુ વખત 500થી વધુ રન બનાવ્યા હોય. કેપ્ટન તરીકે ગિલનો જીતનો રેકોર્ડ 56.41 ટકા છે, જે આઈપીએલ ઈતિહાસમાં 30થી વધુ મેચોમાં કેપ્ટન્સી કરનાર ખેલાડીઓમાં ચોથો સૌથી શ્રેષ્ઠ છે. આ યાદીમાં તેની આગળ માત્ર એમએસ ધોની, સચિન તેંડુલકર અને સ્ટીવ સ્મિથ છે.
આ પણ વાંચો : ICC વર્લ્ડ કપ નહીં રમી શકે રોહિત શર્મા? BCCI તો હાર્દિક પંડ્યાને લઈને પણ ટેન્શનમાં!


