Sports

720 રન ખડક્યાં છતાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારત જીતથી વંચિત, વેલિંગ્ટન ટેસ્ટ ડ્રો થતાં WTC ફાઈનલની રેસમાં ફટકો

By GS Team
23 Nov 20263 mins read
TukuTouch Logo
વેલિંગ્ટનમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ ડ્રો રહી. 352 રનની લીડ છતાં ભારતીય ટીમ જીત મેળવી શકી નહીં. ન્યૂઝીલેન્ડે 5 વિકેટે 239 રન બનાવી મેચ બચાવી. આ ડ્રોથી બંને ટીમોને 4-4 પોઈન્ટ મળ્યા છે, જે WTC ફાઇનલની રેસમાં ભારત માટે ફટકો છે. હવે બીજી ટેસ્ટ 27 નવેમ્બરથી ક્રાઇસ્ટચર્ચમાં રમાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

720 રન ખડક્યાં છતાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારત જીતથી વંચિત, વેલિંગ્ટન ટેસ્ટ ડ્રો થતાં WTC ફાઈનલની રેસમાં ફટકો

IND vs NZ 1st Test : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી વેલિંગ્ટન ટેસ્ટ ડ્રો રહી છે. પાંચમા દિવસના અંતિમ સેશનમાં હજુ 15 ઓવરની રમત બાકી હતી, તે પહેલાં જ બંને ટીમોના ખેલાડીઓએ મેચ ડ્રો કરવા માટે સહમતી દર્શાવી હતી. આ સાથે જ બે ટેસ્ટ મેચની સીરિઝ હાલ બરાબરી પર થઈ ગઈ છે છે. આ મેચ ડ્રો થવાથી બંને ટીમોને 4-4 પોઈન્ટ મળ્યા છે, જે આગામી જૂનમાં રમાનારા WTC ફાઈનલની રેસમાં ભારત માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. હવે આ સીરિઝની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ 27 નવેમ્બરથી ક્રાઇસ્ટચર્ચમાં રમાશે.

ભારતની 352 રનની લીડ છતાં ન્યૂઝીલેન્ડે મેચ બચાવી

વેલિંગ્ટન ટેસ્ટમાં પ્રથમ ચાર દિવસની રમત બાદ ભારતની સ્થિતિ મજબૂત હતી. ન્યૂઝીલેન્ડે પ્રથમ ઇનિંગમાં 368 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ભારતે 9 વિકેટ ગુમાવીને 720 રનના વિશાળ સ્કોર પર પોતાની ઇનિંગ ડિકલેર કરી હતી અને 352 રનની લીડ મેળવી હતી. ત્યારબાદ બીજી ઇનિંગમાં ન્યૂઝીલેન્ડે 5 વિકેટના નુકસાન પર 239 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી ડેરિલ મિચેલે શાનદાર પ્રદર્શન કરીને ટીમને મેચ ડ્રો કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

શું ટીમ ઈન્ડિયાને સિરાજ-જાડેજાની ખોટ પડી?

સપાટ બનેલી પીચ પર અંતિમ દિવસે ન્યૂઝીલેન્ડની બાકીની 5 વિકેટ ખેરવવા માટે ભારતીય બોલરોએ ભારે પરસેવો પાડ્યો હતો, પરંતુ પીચ તૂટી ન હતી. આવી કપરી પરિસ્થિતિમાં અનુભવી ઝડપી બોલર મોહમ્મદ સિરાજ અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની ખોટ પડી કે કેમ, તે અંગે ક્રિકેટ વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.

70/5 થી 368 સુધી પહોંચ્યું ન્યૂઝીલેન્ડ

ભારતે ટોસ જીતીને પ્રથમ દિવસે શરૂઆતના એક કલાકમાં જ ન્યૂઝીલેન્ડને 70/5 પર ધકેલી દીધું હતું. જોકે, ત્યારબાદ પીચ બેટિંગ માટે અનુકૂળ બની ગઈ હતી. હેનરી નિકલ્સ (175*) ની અણનમ ઈનિંગ્સ અને ગ્લેન ફિલિપ્સ (118) ની બીજી ટેસ્ટ સદીની મદદથી ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગ્સમાં 368 રન બનાવ્યા હતા.

ભારતના 720/9d અને ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ

ગ્રીન-ટોપ દેખાતી પીચ બ્રાઉન થતાં જ ભારતીય બેટ્સમેનોએ રનનો વરસાદ કર્યો હતો. કેએલ રાહુલ અને રિષભ પંતની સદી, શુભમન ગિલના 98 રન તેમજ જયસ્વાલ અને પડીક્કલના 80+ સ્કોરની મદદથી ભારતે 720/9d નો વિશાળ સ્કોર ખડકીને 352 રનની લીડ મેળવી હતી. આ ઈનિંગ્સ દરમિયાન ભારતની પ્રથમ સાત ભાગીદારીઓ 50+ રનની રહી હતી, જે ટેસ્ટ ક્રિકેટમાં એક નવો વર્લ્ડ રેકોર્ડ છે. જોકે, પીચની મદદ ન મળતાં ભારત 352 રનની લીડ છતાં મેચ જીતી શક્યું ન હતું.

દક્ષિણ આફ્રિકા નંબર-1, ઓસ્ટ્રેલિયા બીજા ક્રમે

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27ના પોઇન્ટ ટેબલમાં દક્ષિણ આફ્રિકા 75 પીસીટી સાથે ટોચના સ્થાને છે. જ્યારે બીજા સ્થાને રહેલી ઓસ્ટ્રેલિયાનો પીસીટી 69.23 છે. ન્યૂઝીલેન્ડ ત્રીજા અને ભારત ચોથા ક્રમે છે. બાંગ્લાદેશ પાંચમા સ્થાને છે.

WTC 2025-27 પોઇન્ટ ટેબલ

  1. દક્ષિણ આફ્રિકા - 75.00%
  2. ઓસ્ટ્રેલિયા - 69.23%
  3. ન્યૂઝીલેન્ડ - 66.67%
  4. ભારત - 50.00%
  5. બાંગ્લાદેશ - 40.74%
  6. ઇંગ્લેન્ડ - 38.54%
  7. વેસ્ટ ઇન્ડિઝ - 27.38%
  8. શ્રીલંકા - 13.54%
  9. પાકિસ્તાન - 12.12%

WTCની પોઇન્ટ સિસ્ટમ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કોઈપણ મેચ જીતવા પર મહત્તમ 12 પોઇન્ટ મળે છે. જ્યારે મેચ ટાઈ થાય તો બંને ટીમને 6-6 પોઇન્ટ આપવામાં આવે છે. મેચ ડ્રો થાય તો બંને ટીમને 4-4 પોઇન્ટ મળે છે. વેલિંગ્ટનમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચ ડ્રો રહેતા બંને ટીમને 4-4 પોઇન્ટ મળ્યા હતા. WTCમાં ટીમોની રેન્કિંગ કુલ પોઇન્ટના આધારે નક્કી થતી નથી, પરંતુ ટીમે પોતાના કુલ ઉપલબ્ધ પોઇન્ટમાંથી કેટલા ટકા પોઇન્ટ મેળવ્યા છે તેના આધારે રેન્કિંગ નક્કી કરવામાં આવે છે.