Business

સોનામાં કડાકા વચ્ચે ચીનની મોટી રમત, ગોલ્ડની ખરીદીમાં બનાવ્યો રેકોર્ડ, જાણો કેટલે પહોંચ્યો જથ્થો

By GS Team
23 Nov 20262 mins read
TukuTouch Logo
વિશ્વભરમાં સોનાના ભાવમાં કડાકો બોલ્યો હોવા છતાં, ચીનની સેન્ટ્રલ બેંક સતત 24મા મહિને સોનાની જંગી ખરીદી કરી રહી છે. ઓક્ટોબરમાં 26 ટન સોનું ખરીદી, ચીને પોતાનો ગોલ્ડ રિઝર્વ 2,435 ટન પર પહોંચાડ્યો છે. ડોલર પર નિર્ભરતા ઘટાડવા અને ભૌગોલિક રાજકીય કટોકટીમાં સુરક્ષા માટે ચીન આ મોટો 'ગોલ્ડ ગેમ' રમી રહ્યું છે. વિશ્વની અન્ય સેન્ટ્રલ બેંકો પણ સોનું ખરીદી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સોનામાં કડાકા વચ્ચે ચીનની મોટી રમત, ગોલ્ડની ખરીદીમાં બનાવ્યો રેકોર્ડ, જાણો કેટલે પહોંચ્યો જથ્થો

Gold and China : વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારોમાં સોનાના ભાવમાં ભારે કડાકો બોલાઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ ચીન પીળી ધાતુને લઈને એક મોટો ખેલ કરી રહ્યું છે. દુનિયાભરમાં સોનાના ભાવ તૂટવા છતાં ચીનની સેન્ટ્રલ બેંક સતત 24મા મહિને દનાદન સોનાની ખરીદી કરીને પોતાનો ગોલ્ડ રિઝર્વ વધારી રહી છે.

ઓક્ટોબરમાં 26 ટન સોનું ખરીદી તોડ્યો રેકોર્ડ

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) ના અક્ટોબર 2026 ના રિપોર્ટ અનુસાર, પીપલ્સ બેંક ઓફ ચાઈના (People's Bank of China) એ ઓક્ટોબર મહિનામાં જ આશરે 26 ટન સોનું ખરીદ્યું છે. ઓક્ટોબર 2023 પછી ચીનની આ સૌથી મોટી મંથલી ગોલ્ડ ખરીદી છે. આ સાથે જ ચીનનો ઓફિશિયલ ગોલ્ડ રિઝર્વ ઉછળીને 2,435 ટન પર પહોંચી ગયો છે, જે તેના કુલ ફોરેન એક્સચેન્જ રિઝર્વના 8.1% હિસ્સો ધરાવે છે.

ભાવ ગગડ્યા છતાં ગોલ્ડ ઈટીએફ અને રિઝર્વમાં વધારો

આંતરરાષ્ટ્રીય બજારમાં LBMA ગોલ્ડ પ્રાઈઝ ડોલરના હિસાબે 6.3% અને શંઘાઈ બેન્ચમાર્ક યુઆનના હિસાબે 5.9% ગગડ્યો છે. આ ઘટાડા છતાં ચીની ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (Gold ETF) માં સતત ચોથા મહિને 6.3 ટન ($784 Million) સોનું ઠાલવવામાં આવ્યું છે, જેથી ચીનની કુલ મેટલ ઈટીએફ હોલ્ડિંગ્સ રેકોર્ડ 310 ટન પર પહોંચી ગઈ છે.

શું છે ચીનનો મોટો 'Gold Game'?

સોનું સસ્તું થઈ રહ્યું હોવા છતાં ચીન આટલા મોટા પાયે ભંડાર વધારી રહ્યું છે તેની પાછળ તેની લાંબા ગાળાની આર્થિક વ્યૂહરચના છે:

ડોલર પર નિર્ભરતા ઘટાડવી: ચીન વૈશ્વિક અર્થતંત્રમાં પોતાની પકડ મજબૂત કરવા અને અમેરિકી ડોલર પરની નિર્ભરતા ઘટાડવા માટે પોતાના ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં સોના જેવા સેફ એસેટ્સ ઉમેરી રહ્યું છે.

જિયોપોલિટિકલ કટોકટીમાં સુરક્ષા: કોઈપણ વૈશ્વિક કટોકટી કે યુદ્ધની સ્થિતિમાં સોનું 'સેફ હેવન' ગણાય છે, જેના પર અન્ય કોઈ દેશનું નિયંત્રણ હોતું નથી.

વિશ્વભરની સેન્ટ્રલ બેંકો પણ ગોલ્ડ ખરીદીમાં આગળ

માત્ર ચીન જ નહીં પરંતુ વિશ્વભરની કેન્દ્રીય બેંકો પણ નીચા ભાવે સોનું એકઠું કરી રહી છે. જેફરીઝના રિપોર્ટ મુજબ, 2026 ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં વૈશ્વિક સેન્ટ્રલ બેંકોએ નેટ 321.2 ટન સોનાની ખરીદી કરી છે, જે 2024 ના ચોથા ત્રિમાસિક ગાળા પછી સૌથી વધુ છે. બદલાતી વૈશ્વિક અને આર્થિક પરિસ્થિતિઓમાં પોતાની અનામત સંપત્તિને વૈવિધ્યસભર (Diversify) રાખવા માટે બેંકો આ પગલું ભરી રહી છે.