India

સાત દાયકા બાદ સોલ્યુશન! ભારતીય પ્રોફેસર નીના ગુપ્તાએ ગણિતની 70 વર્ષ જૂની સમસ્યા ઉકેલી, TIMEની યાદીમાં સ્થાન

By GS Team
22 Nov 20262 mins read
TukuTouch Logo
કોલકાતાના ગણિતશાસ્ત્રી પ્રોફેસર નીના ગુપ્તાએ 70 વર્ષ જૂની જારિસ્કી કેન્સલેશન પ્રોબ્લેમનો ઉકેલ શોધી ઇતિહાસ રચ્યો છે. આ સિદ્ધિ બદલ તેમને TIME મેગેઝિનની 'TIME100 Next India 2026' યાદીમાં 'હેલ્થ એન્ડ સાયન્સ ઇનોવેટર્સ' કેટેગરીમાં સ્થાન મળ્યું છે. ISIના પ્રોફેસર નીના ગુપ્તાએ ગણિતની જટિલ સમસ્યાનો ઉકેલ લાવી ભારતનું ગૌરવ વધાર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાત દાયકા બાદ સોલ્યુશન! ભારતીય પ્રોફેસર નીના ગુપ્તાએ ગણિતની 70 વર્ષ જૂની સમસ્યા ઉકેલી, TIMEની યાદીમાં સ્થાન

Nina Gupta TIME100 Next India 2026: ભારતીય ગણિતશાસ્ત્રી પ્રોફેસર નીના ગુપ્તાની હાલ દુનિયાભરમાં ચર્ચામાં છે. તેમણે ગણિતની એવી જટિલ સમસ્યાનો ઉકેલ શોધવામાં મહત્ત્વની સફળતા મેળવી છે, જેનો જવાબ વિશ્વના અગ્રણી ગણિતશાસ્ત્રીઓ લગભગ સાત દાયકાથી શોધી રહ્યા હતા. નીના ગુપ્તાની આ સિદ્ધિને કારણે હવે તેમને TIME મેગેઝિનની ભારતના આગામી 100 ઉભરતા પ્રભાવશાળી લોકોની યાદી TIME100 Next India 2026માં સ્થાન મળ્યું છે. આ યાદીમાં તેમને હેલ્થ એન્ડ સાયન્સ ઇનોવેટર્સ કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યાં છે.

કોલકાતાની ગણિતશાસ્ત્રી નીના ગુપ્તાની શૈક્ષણિક સફર

નીના ગુપ્તા કોલકાતાનાં રહેવાસી છે. તેઓ કોલકાતામાં આવેલી ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ (ISI)ની થિયોરેટિકલ સ્ટેટિસ્ટિક્સ એન્ડ મેથેમેટિક્સ યુનિટમાં પ્રોફેસર તરીકે કાર્યરત છે. તેમનું સંશોધન ગણિતની બે મહત્ત્વપૂર્ણ શાખાઓ કમ્યુટેટિવ અલજેબ્રા અને એફાઇન અલજેબ્રિક જ્યોમેટ્રી સાથે સંકળાયેલું છે.

કોલકાતામાં જન્મ, ISIમાંથી પીએચડી સુધીની સફર

નીના ગુપ્તાનો જન્મ વર્ષ 1984માં કોલકાતામાં થયો હતો. તેમણે 2006માં બેથુન કોલેજમાંથી ગણિત વિષયમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ 2008માં ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટમાંથી માસ્ટર ડિગ્રી મેળવી હતી. વર્ષ 2011માં તેમણે આ જ સંસ્થામાંથી ગણિત વિષયમાં પીએચડી પૂર્ણ કર્યું હતું. તેમના સંશોધન માર્ગદર્શક પ્રોફેસર અમર્ત્ય કુમાર દત્તા હતા.

શું હતી ગણિતની 70 વર્ષ જૂની સમસ્યા?

નીના ગુપ્તાને આંતરરાષ્ટ્રીય ઓળખ તેમના સંશોધનને કારણે મળી, જેમાં તેમણે જારિસ્કી કેન્સલેશન પ્રોબ્લેમ (Zariski Cancellation Problem)ના એક મહત્ત્વપૂર્ણ સ્વરૂપનો ઉકેલ રજૂ કર્યો હતો. આ સમસ્યા ગણિતશાસ્ત્રી ઓસ્કર જારિસ્કીએ વર્ષ 1949માં રજૂ કરી હતી. તે અલજેબ્રિક જ્યોમેટ્રી સાથે સંકળાયેલી એક જટિલ સમસ્યા છે.

સરળ ભાષામાં સમજીએ તો, આ સમસ્યા પૂછે છે કે જો બે ગણિતીય રચનાઓમાં એક વધારાનું ડાયમેન્શન ઉમેર્યા બાદ તે એકસરખી દેખાવા લાગે, તો શું તેનો અર્થ એ થાય કે મૂળભૂત રીતે પણ તે બંને એકસરખી જ હતી? નીના ગુપ્તાએ વર્ષ 2014માં પોતાના સંશોધન દ્વારા આનો જવાબ નકારાત્મક સાબિત કરતું ઉદાહરણ રજૂ કર્યું હતું. તેમણે દર્શાવ્યું હતું કે કેટલીક પરિસ્થિતિઓમાં વધારાનું ડાયમેન્શન ઉમેર્યા બાદ બે અલગ-અલગ ગણિતીય રચનાઓ એકસરખી બની શકે છે. આ રીતે તેમણે ગણિતની દુનિયામાં દાયકાઓથી ચાલી આવતી એક માન્યતાને પડકાર ફેંક્યો હતો.