FIFA વર્લ્ડ કપ : એમ્બાપ્પેએ કરી કમાલ, પેરુગ્વેને હરાવી ફ્રાન્સની ક્વાર્ટર ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

FIFA World Cup 2026: ફ્રાન્સના સ્ટાર સ્ટ્રાઇકર કિલિયન એમબાપ્પેનું શાનદાર પ્રદર્શન અવિરત ચાલુ રહ્યું છે. એમબાપ્પેના દમદાર પ્રદર્શનના જોરે ફ્રાન્સે રોમાંચક મુકાબલામાં પરાગ્વેને 1-0 થી હરાવીને સતત ચોથી વખત વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. રવિવારે (5 જુલાઈ 2026) ફિલાડેલ્ફિયાના સ્ટેડિયમમાં આશરે 38 ડિગ્રી સેલ્સિયસની કાળઝાળ ગરમી વચ્ચે રમાયેલી આ મેચમાં એમબાપ્પેએ પેનલ્ટી પર મેચનો એકમાત્ર વિજયી ગોલ ફટકાર્યો હતો.
VAR ના નિર્ણય બાદ એમબાપ્પેએ કર્યો નિર્ણાયક ગોલ
મેચમાં પરાગ્વેના ડિફેન્સે ફ્રાન્સના મજબૂત આક્રમણને લાંબા સમય સુધી ગોલ કરવા દીધો નહોતો. પરંતુ, મેચની 70મી મિનિટે VAR (વિડિયો આસિસ્ટન્ટ રેફરી) ની દખલગીરી બાદ ફ્રાન્સને મોટી તક મળી. પરાગ્વેના ડિએગો ગોમેઝ પર ફાઉલનો નિર્ણય આવ્યા બાદ ફ્રાન્સને પેનલ્ટી એનાયત થઈ હતી. જેના પર એમબાપ્પેએ કોઈ પણ ભૂલ કર્યા વિના બોલને સીધો ગોલ પોસ્ટમાં ધકેલી દીધો હતો. પરાગ્વેના ગોલકીપર ઓર્લેન્ડો ગિલે ઇન્જરી ટાઇમમાં એમબાપ્પેના બે ખતરનાક શૉટ્સ રોકીને શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ પેનલ્ટી પર તે એમબાપ્પેને રોકી શક્યો નહોતો.
19 મેચમાં 19 ગોલ અને મેસ્સીના રેકોર્ડની નજીક
ફીફા વર્લ્ડ કપના ઇતિહાસમાં કિલિયન એમબાપ્પેનો આ 19મો ગોલ છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે તેણે આ સિદ્ધિ માત્ર 19 વર્લ્ડ કપ મેચોમાં જ હાંસલ કરી છે. આ ગોલ સાથે તે આર્જેન્ટિનાના મહાન ફૂટબોલર લિઓનલ મેસ્સી (20 ગોલ) ના ઓલ-ટાઇમ રેકોર્ડથી માત્ર એક ગોલ પાછળ છે. મેસ્સી હાલમાં વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનારો ખેલાડી છે.
ગોલ્ડન બૂટની રેસમાં સૌથી આગળ
કિલિયન એમબાપ્પે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 7 ગોલ ફટકારી ચૂક્યો છે અને તે ગોલ્ડન બૂટની રેસમાં ટોચ પર છે. લિઓનલ મેસ્સીએ પણ આ ટૂર્નામેન્ટમાં સાત ગોલ કર્યા છે, પરંતુ એમબાપ્પેએ આ વર્લ્ડ કપમાં બે આસિસ્ટ પણ કર્યા હોવાથી તે આગળ છે. ચાર વર્ષ પહેલા કતાર વર્લ્ડ કપમાં પણ એમબાપ્પેએ ગોલ્ડન બૂટ જીત્યો હતો, પરંતુ ફાઇનલમાં મેસ્સીની આર્જેન્ટિના સામે ફ્રાન્સ હારી ગયું હતું.
હવે ક્વાર્ટર ફાઇનલમાં મોરોક્કો સામે ટક્કર
ફ્રાન્સની ટીમ હવે 10 જુલાઈએ ફોક્સબોરોના બોસ્ટન સ્ટેડિયમ ખાતે રમાનારા ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં મોરોક્કોનો સામનો કરશે. ફ્રાન્સની નજર હવે સતત બીજી વખત વર્લ્ડ કપની ફાઇનલ તરફ આગળ વધવા પર રહેશે. જ્યારે કિલિયન એમબાપ્પેની કોશિશ મેસ્સીનો મહારેકોર્ડ તોડીને ફરી એકવાર ગોલ્ડન બૂટ પોતાના નામે કરવાની રહેશે.









