ફિફા વર્લ્ડ કપમાં ધમાકો કરનાર ‘કેપ વર્ડે’ ક્યાં આવેલો છે? જાણો તેનો રોમાંચક ઇતિહાસ અને ભારત સાથેની અનોખી સમાનતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Cape Verde vs Argentina FIFA World Cup 2026: FIFA World Cup 2026એ ફૂટબોલ જગતને એક નવો રોમાંચ આપ્યો છે. સામાન્ય રીતે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સીના પડછાયામાં રમાતા વર્લ્ડ કપમાં આ વખતે આફ્રિકાના એક નાનકડા દેશે એવી રમત બતાવી કે આખી દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ. માયામીમાં રમાયેલી એક રોમાંચક મેચમાં બધા જેને નબળી ટીમ માનતા હતા તે Cape Verde (કેપ વર્ડે) એ મહાન લિયોનેલ મેસ્સીની આર્જેન્ટિનાની ટીમને હંફાવી દીધી. એ મેચ ભલે આર્જેન્ટિના 3-2 થી જીતી ગયું, પરંતુ કેપ વર્ડેના સ્ટાર ખેલાડી સિડની લોપેસ કેબ્રાલે કરેલા ગોલ(જે ગોલપોસ્ટની બહાર જશે એમ લાગતું હતું, પણ છેલ્લી ઘડીએ એકદમ નાટ્યાત્મક વળાંક લઈને બોલ ગાઇડેડ મિસાઇલની જેમ નેટમાં ઘૂસી ગયો હતો)એ ફિઝિક્સના નિયમોને પણ પડકાર્યા છે. આ જાદુઈ ગોલે કેપ વર્ડેને ફૂટબોલના નકશા પર રાતોરાત સુપરસ્ટાર બનાવી દીધું છે. ચાલો જાણીએ કે ફૂટબોલની રમત દ્વારા આખી દુનિયાનું ધ્યાન પોતાના તરફ ખેંચનાર આ નાનકડો દેશ ક્યાં આવેલો છે અને કેવો છે.
પૃથ્વી પર ‘કેપ વર્ડે’નું સ્થાન અને તેનું કદ
કેપ વર્ડે ભારતની રાજધાની દિલ્હીથી આશરે 10,000 કિમી દૂર એટલાન્ટિક મહાસાગરમાં આવેલો એક દ્વીપસમૂહ (ટાપુઓનો સમૂહ) છે.
- વિસ્તાર: આ અત્યંત સુંદર દેશનો કુલ વિસ્તાર આશરે 4,033 ચો. કિમી છે, એટલે કે તે ભારતના નાનકડા રાજ્ય ગોવા (3,702 ચો. કિમી) કરતાં થોડોક જ મોટો છે.
- વસ્તી: અહીંની વસ્તી માત્ર 550,000 છે, જે ગોવાની વસ્તી (15 લાખ) કરતાં ઘણી ઓછી છે. રસપ્રદ વાત એ છે કે કેપ વર્ડેના જેટલા નાગરિકો આ દેશમાં રહે છે એના કરતાં વધુ લોકો (કેપ વર્ડેમાં મૂળિયાં ધરાવતા) દેશની બહાર પોર્ટુગલ અને અમેરિકામાં વસે છે. આ આંકડો 7 થી 10 લાખ હોવાનો અંદાજ છે.
- ભૌગોલિકતા: આ દેશમાં 10 થી વધુ જ્વાળામુખી આવેલા છે. તેનો સૌથી મોટો ટાપુ સેન્ટિયાગો છે અને તેનું પાટનગર પ્રાયા (Praia) છે.
ગુલામીમાંથી આઝાદી સુધીનો સફર
કેપ વર્ડેનો ઇતિહાસ ઘણો સંઘર્ષપૂર્ણ રહ્યો છે. ઈ.સ. 1460 માં પોર્ટુગીઝ ખલાસીઓએ આ નિર્જન ટાપુઓ શોધી કાઢ્યા અને ત્યાં વસવાટ શરૂ કર્યો. 1950 ના દાયકામાં એમીલકાર કેબ્રાલના નેતૃત્વમાં પોર્ટુગીઝ શાસન સામે આઝાદીની લડત શરૂ થઈ. લાંબા સશસ્ત્ર સંઘર્ષ બાદ આખરે 5 જુલાઈ 1975 ના રોજ કેપ વર્ડે સ્વતંત્ર દેશ બન્યો હતો.
કેપ વર્ડેની વિશેષતાઓ
ક્રિઓલ સંસ્કૃતિ: કેપ વર્ડેની સત્તાવાર ભાષા ભલે પોર્ટુગીઝ હોય, પરંતુ સ્થાનિક લોકો 'કેપ વેરડિયન ક્રિઓલ' ભાષા બોલે છે, જે આફ્રિકન અને પોર્ટુગીઝ સંસ્કૃતિનું મિશ્રણ છે.
સંગીતની દુનિયામાં નામ: આ દેશ તેના ખાસ 'મોરના' (Morna) સંગીત માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. સિંગર સેઝારિયા ઇવોરા(Cesaria Evora)એ કેપ વર્ડેના સંગીતને ગ્રેમી એવોર્ડ સુધી પહોંચાડ્યું હતું.
આવકના સાધનો
ઇકો-ટુરિઝમ હબ: કેપ વર્ડેના સુંદર દરિયા કિનારા હંમેશથી પર્યટકોને આકર્ષતા રહ્યા છે. આ દેશને ટુરિઝમમાંથી થતી આવક તેના GDPના 25% જેટલી થાય છે. વ્હેલ વૉચિંગ અને ટર્ટલ નેસ્ટિંગ (કાચબા ઉછેર) ને કારણે પણ અહીં પ્રવાસીઓ મોટી માત્રામાં આવે છે.
માછીમારીઃ ચારેતરફથી દરિયાથી ઘેરાયેલા હોવાથી આ દેશમાં મત્સ્યોદ્યોગ પૂરબહાર ખીલ્યો છે. દેશની GDPના 10% જેટલી આવક માછીમારીમાંથી થાય છે.
વિદેશી હૂંડિયામણઃ વિદેશમાં વસતાં કેપ વર્ડે વાસીઓ જે નાણાં મોકલે છે એ દેશની GDPના 10 થી 12% જેટલા થવા જાય છે.
ભારત અને કેપ વર્ડે વચ્ચે શું સમાનતા છે?
- સરકારનું માળખું: કેપ વર્ડેનું બંધારણીય માળખું ઘણું ખરું ભારત જેવું જ છે. અહીં પણ રાષ્ટ્રપતિ માત્ર બંધારણીય વડા છે, જ્યારે અસલી સત્તા વડાપ્રધાન પાસે હોય છે. હાલમાં અહીંના વડાપ્રધાન ફ્રાન્સિસ્કો કાર્વાલ્હો છે.
- રાજદ્વારી સંબંધો: ભારતે 1977 માં જ કેપ વર્ડેને માન્યતા આપી દીધી હતી. જોકે કેપ વર્ડેમાં ભારતનો દૂતાવાસ નથી. કેપ વર્ડેની પૂર્વમાં આવેલા આફ્રિકી દેશ સેનેગલ સ્થિત ભારતીય દૂતાવાસ જ કેપ વર્ડેનું કામકાજ સંભાળે છે. અલબત્ત, 2023 માં કેપ વર્ડેની રાજધાનીમાં એક વિશેષ ‘ઇન્ડિયન મિશન ઓફિસ’ ખોલવામાં આવી છે ખરી.
- વ્યાપારઃ બંને દેશો વચ્ચે વાર્ષિક આશરે 1 કરોડ ડોલરનો વ્યાપાર થાય છે. ભારત ત્યાંથી મેટલ સ્ક્રેપ (ભંગાર) ખરીદે છે અને બદલામાં તેને ફિનિશ્ડ પ્રોડક્ટ્સ (જેમ કે વાહનો, ઓટો પાર્ટ્સ અને બાંધકામમાં વપરાતા લોખંડના સળિયા) વેચે છે. ભારત ત્યાં દવાઓ, ટાઇલ્સ, ચોખાની પણ નિકાસ કરે છે.









