Sports

Explainer: આર્જેન્ટિના સામે વિવાદાસ્પદ હાર બાદ ઇજિપ્તના કોચ હોસમ હસને કેમ કર્યો ‘X’ નો ઇશારો?, જાણો કારણ…

By GS Team
8 Jul 20263 mins read
TukuTouch Logo
ફિફા વર્લ્ડ કપ 2026માં આર્જેન્ટિના સામે 3-2થી ઇજિપ્તની હાર બાદ કોચ હોસમ હસને 'X' સાઈન કરી વિવાદ સર્જ્યો. એટલાન્ટામાં રેફરીના નિર્ણયો પક્ષપાતી હોવાનો અને ટીમ સાથે "છેતરપિંડી" થઈ હોવાનો તેમણે આરોપ લગાવ્યો. ફ્રેન્ચ રેફરી ફ્રાન્કોઈસ લેટેક્સિયરે X-સાઈન અવગણી યલો કાર્ડ આપ્યું. આ ચિન્હ ફૂટબોલમાં રંગભેદની ફરિયાદ માટે વપરાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: આર્જેન્ટિના સામે વિવાદાસ્પદ હાર બાદ ઇજિપ્તના કોચ હોસમ હસને કેમ કર્યો ‘X’ નો ઇશારો?, જાણો કારણ…

Egypt Coach X Sign Controversy: FIFA World Cup 2026માં આર્જેન્ટિના સામે 3-2થી મળેલી હાર બાદ ઇજિપ્તની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. આ પરાજય પછી યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ઇજિપ્તના મુખ્ય કોચ હોસમ હસન ભારે આક્રોશમાં જોવા મળ્યા હતા. એટલાન્ટામાં રમાયેલી આ મેચમાં ઇજિપ્તની ટીમે 2-0ની મજબૂત લીડ મેળવી લીધી હતી અને તેઓ ઐતિહાસિક ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની ખૂબ જ નજીક હતા, પરંતુ વર્તમાન ચેમ્પિયન આર્જેન્ટિનાએ જોરદાર વાપસી કરીને આ મોટો અપસેટ ટાળ્યો હતો.

જોકે, આ સમગ્ર મુકાબલો ભારે વિવાદોથી ઘેરાયેલો રહ્યો હતો. કોચ હસનનો દાવો છે કે તેમની ટીમ સાથે ‘છેતરપિંડી’ થઈ છે, કારણ કે રેફરીના કેટલાય નિર્ણયો તેમની વિરુદ્ધ ગયા હતા અને આ નિર્ણયોએ જ મેચનું પરિણામ બદલવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

મેચના પ્રથમ હાફમાં 1-0ની લીડ મેળવ્યા બાદ, મુસ્તફા ઝિકોના એક ગોલને VAR - Video Assistant Referee દ્વારા નકારી દેવામાં આવ્યો હતો, કારણ કે બિલ્ડ-અપ દરમિયાન લિસાન્દ્રો માર્ટિનેઝ પર ફાઉલ થયો હોવાનું સામે આવ્યું હતું. જોકે, ત્યારબાદ ઝિકોએ બીજો ગોલ કરીને ટીમની લીડ 2-0 કરી દીધી હતી. આર્જેન્ટિના તરફથી ક્રિસ્ટિયન રોમેરો અને લિયોનેલ મેસ્સીએ ગોલ કરીને સ્કોર 2-2ની બરાબરી પર લાવી દીધો હતો.

અસલી વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે ઇજિપ્તની ટીમે પેનલ્ટીની માંગ કરી. તેમનો આરોપ હતો કે એલેક્સિસ મેક એલિસ્ટરે બોક્સની અંદર હમદી ફાર્થીને ખેંચ્યો હતો. આ ઘટનાની થોડી જ ક્ષણો બાદ, એન્ઝો ફર્નાન્ડિઝે આર્જેન્ટિના માટે વિજયી ગોલ ફટકારી દીધો હતો.

મેચ દરમિયાન ભારે નિરાશ અને ગુસ્સામાં દેખાતા કોચ હોસમ હસને ફ્રેન્ચ રેફરી ફ્રાન્કોઈસ લેટેક્સિયર સામે પોતાના બંને હાથ ક્રોસ કરીને ‘X’ આકારનો ઇશારો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ફૂટબોલ મેચ દરમિયાન રંગભેદ કે રેસિયલ એબ્યુઝની ફરિયાદ કરવા માટે આ સિમ્બોલ વૈશ્વિક સ્તરે માન્ય છે. જોકે, રેફરી લેટેક્સિયરે આ ઇશારાને અવગણીને કોચ હસનને યલો કાર્ડ બતાવી દીધું હતું.

ઇજિપ્તના કોચ દ્વારા કરાયેલા ‘X’ સિમ્બોલનો અર્થ શું છે?

FIFAના નિયમો અનુસાર, જો કોઈ ખેલાડી કે સત્તાવાર અધિકારી મેચ દરમિયાન રંગભેદી ટિપ્પણી કે દુર્વ્યવહારનો ભોગ બને છે, તો તેઓ પોતાના બંને હાથના કાંડા એકબીજા પર ક્રોસ કરીને ‘X’નો સંકેત આપી શકે છે. આ સિગ્નલ મળતા જ રેફરીએ ફિફાના વિશેષ ‘થ્રી-સ્ટેપ પ્રોટોકોલ’નો અમલ કરવાનો રહે છે:

  • સ્ટેપ 1: મેચ રોકવી. જ્યારે રેફરી પોતે આવી કોઈ રંગભેદી ઘટના જુએ અથવા કોઈ ખેલાડી કે સત્તાવાર અધિકારી તરફથી આવી ફરિયાદ મળે, ત્યારે તેઓ મેચને તુરંત જ અટકાવી શકે છે.
  • સ્ટેપ 2: મેચ સ્થગિત કરવી. જો મેચ ફરી શરૂ થયા પછી પણ આવી કોઈ ઘટના બીજી વાર બને, તો રેફરી મેચને અસ્થાયી રૂપે સ્થગિત કરી શકે છે અને બંને ટીમોને પોતપોતાના ડ્રેસિંગ રૂમમાં જવાનો આદેશ આપી શકે છે. આ દરમિયાન સ્ટેડિયમમાં એનાઉન્સમેન્ટ કરીને મેચ રોકવાનું કારણ સ્પષ્ટ કરવામાં આવે છે.
  • સ્ટેપ 3: મેચ રદ કરવી. જો મેચ ત્રીજી વખત શરૂ થયા બાદ પણ રંગભેદી ટિપ્પણીઓ ચાલુ રહે, તો રેફરી સંબંધિત સત્તાવાળાઓ સાથે પરામર્શ કરીને મેચને કાયમ માટે રદ કરવાનો આખરી નિર્ણય લઈ શકે છે.