Sports

Explainer: ફૂટબોલની દુનિયાના 10 રેકોર્ડ, ભાવુક વિદાય... જાણો ફૂટબોલના જાદુગર મેસીની પ્રેરણાદાયી સફર

By GS Team
1 Sep 20265 mins read
TukuTouch Logo
આર્જેન્ટિનાના મહાન ફૂટબોલર લિયોનેલ મેસીએ 20 જુલાઈ 2026ના રોજ ન્યૂ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધી. સ્પેન સામે વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં હાર્યા બાદ, 21 વર્ષની કારકિર્દીનો અંત આવ્યો. બાળપણમાં ગ્રોથ હોર્મોનની બીમારીથી પીડાઈ, મેસીએ 46 ટ્રોફી જીતીને એક મહાન વર્લ્ડ ચેમ્પિયન તરીકે વિદાય લીધી.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: ફૂટબોલની દુનિયાના 10 રેકોર્ડ, ભાવુક વિદાય... જાણો ફૂટબોલના જાદુગર મેસીની પ્રેરણાદાયી સફર

Lionel Messi Inspirational Story: ફૂટબોલના મહાન ખેલાડી આર્જેન્ટિનાના લિયોનેલ મેસીએ ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધી અને રમતજગતનું એક મહા-પ્રકરણ પૂરું થયું. ફૂટબોલની દુનિયાનો સૌથી મોટો સ્ટાર મેસી આજે 1.1 બિલિયન ડૉલરની સંપત્તિનો માલિક છે. એની પાસે દુનિયાભરની સગવડો-સાધનો છે. પણ, એક સમય એવો પણ હતો જ્યારે એની આર્થિક સ્થિતિ સાવ સામાન્ય હતી. એટલી સામાન્ય કે બાળપણમાં એને લાગુ પડેલી બીમારીની સારવાર કરાવવા જેટલા પૈસા પણ એના પરિવાર પાસે ન હતા. ચાલો જાણીએ, કે ગરીબી સાથે સંઘર્ષ કરીને વિશ્વના સૌથી મહાન ખેલાડી બનવા સુધીની સફરમાં મેસીએ કેવા કેવા પડકારો ઝીલ્યા અને કેવા કેવા રૅકોર્ડ સર્જ્યા.

બાળપણમાં જ ફૂટબોલના મેદાનમાં ઝળકી ઊઠ્યો

લિયોનેલ મેસીનો જન્મ 24 જૂન 1987ના રોજ આર્જેન્ટિનાના રોઝારિયો શહેરમાં થયો હતો. તેના પિતા જોર્જ એક સ્ટીલ કંપનીમાં સામાન્ય કામદાર હતા. તેની માતા પણ કામ કરતા હતાં. પરિવારની આર્થિક સ્થિતિ એવી નહોતી કે તેઓ પોતાના દીકરાના સપનાઓ પાછળ મોટો ખર્ચ કરી શકે. પરંતુ મેસીમાં બાળપણથી જ ફૂટબોલનું જબરદસ્ત ટેલેન્ટ હતું. માત્ર 4 વર્ષની ઉંમરે તેણે 'ગ્રાન્ડોલી' નામની સ્થાનિક ક્લબમાં રમવાનું શરૂ કર્યું. તેને ફૂટબોલ મેદાન સુધી લઈ જવાનું અને કોચને મનાવવાનું શ્રેય તેની દાદીને જાય છે. આજે પણ મેસી દરેક ગોલ કર્યા પછી આકાશ તરફ આંગળી ચીંધીને પોતાની દાદીને જ યાદ કરે છે. 6 વર્ષની ઉંમરે મેસી 'ન્યુવેલના ઓલ્ડ બોય્ઝ' ક્લબમાં જોડાયો. ત્યાં તેણે 176 મેચોમાં 234 ગોલ ફટકારીને બધાને ચોંકાવી દીધા.

'ગ્રોથ હોર્મોન'ની ઉણપે કટોકટી સર્જી

10 વર્ષની ઉંમરે તેના જીવનમાં મોટો આંચકો આવ્યો. તેને 'ગ્રોથ હોર્મોન'ની ઉણપ હોવાનું નિદાન થયું, જેના કારણે તેના શરીરનો વિકાસ અટકી ગયો હતો. આ બીમારીની સારવાર માટે દર મહિને 1000 ડૉલરના ઇન્જેક્શનની જરૂર હતી, જે તેના પરિવાર માટે અશક્ય હતું. ન્યુવેલ ક્લબે થોડી મદદ કરી પણ તે પૂરતી નહોતી. રિવર પ્લેટ જેવી મોટી ક્લબે પણ આ ખર્ચ ઉઠાવવાની ના પાડી દીધી. શરીરનો યોગ્ય વિકાસ જ નહીં થાય તો ફૂટબોલની રમતમાં આગળ કઈ રીતે વધાય, એ કટોકટી સર્જાઈ.

પહેલો કરાર પેપર નેપકિન પર કર્યો!

ગ્રોથ હોર્મોનની ઉણપ વચ્ચે પણ મેસીએ ફૂટબોલ રમવાનું જારી રાખ્યું. વર્ષ 2000 માં, 13 વર્ષની ઉંમરે મેસીનું નસીબ બદલાયું. સ્પેનની પ્રખ્યાત ક્લબ બાર્સેલોનાએ તેને ટ્રાયલ માટે બોલાવ્યો. ક્લબના સ્પોર્ટ્સ ડિરેક્ટર કાર્લ્સ રેક્સાચ તેની રમતથી એટલા પ્રભાવિત થયા કે 14 ડિસેમ્બર 2000ના રોજ તેમણે એક પેપર નેપકિન પર મેસી સાથે કરાર કરી લીધો. બાર્સેલોના ક્લબે તેની સારવારનો પૂરો ખર્ચ ઉઠાવવાની જવાબદારી લીધી. મેસી પોતાના પરિવાર સાથે સ્પેન રહેવા ગયો. શરૂઆતમાં મિત્રો અને દેશથી દૂર એકલતામાં રહેવું અઘરું હતું, પણ ફૂટબોલની રમતે તેને સાચવી લીધો.

20260720043 (1).JPG

નાના કદનો ખેલાડી બન્યો ફૂટબોલનો બાદશાહ

પુખ્ત વયે મેસીની ઊંચાઈ 1.70 મીટર (5 ફૂટ 7 ઇંચ) થઈ. ફૂટબોલના સ્ટાન્ડર્ડ પ્રમાણે એ ઓછી ગણાય. પણ મેસીએ હાર ન માની. એ પોતાનો કસબ નિખારતો ગયો. સમય જતાં થયું એવું કે જે ઓછી ઊંચાઈને લોકો મેસીની નબળાઈ માનતા, એ જ તેની સૌથી મોટી તાકાત બની ગઈ. ઓછી ઊંચાઈને લીધે એના શરીરનું ગુરુત્વાકર્ષણનું કેન્દ્ર નીચું હતું, જેને લીધે મેદાન પર તે પોતાના શરીરનું સંતુલન અને બોલ પરનું નિયંત્રણ વધુ સારી રીતે જાળવી શકતો. ડિફેન્ડર્સ માટે તેને રોકવું અશક્ય બની જતું. 2004માં 17 વર્ષની ઉંમરે તેણે બાર્સેલોનાની સીનિયર ટીમ માટે ડેબ્યૂ કર્યું. બાર્સેલોના માટે તેણે 10 લા લીગા અને 4 ચેમ્પિયન્સ લીગ ટાઇટલ જીત્યા. 2012માં તેણે એક જ કેલેન્ડર વર્ષમાં 91 ગોલ કરવાનો વર્લ્ડ રૅકોર્ડ બનાવ્યો. પોતાના કરિયરમાં તેણે રૅકોર્ડ 8 વખત 'બેલોન ડી'ઓર' ઍવૉર્ડ જીત્યો છે.

અબજોની બ્રાન્ડ વેલ્યુ

આજે મેસી માત્ર એક ખેલાડી નથી, પણ એક મોટી બ્રાન્ડ છે. ફોર્બ્સના આંકડા મુજબ તેની ઓન-ફિલ્ડ અને ઓફ-ફિલ્ડ કુલ કમાણી આશરે 1.8 બિલિયન ડૉલર રહી છે. તેની પાસે એડિડાસ સાથેનો આજીવન કરાર છે. આ ઉપરાંત પેપ્સિકો, માસ્ટરકાર્ડ અને લોવ જેવી બ્રાન્ડ્સ સાથે તેની ભાગીદારી છે. હાલમાં તે અમેરિકાની ઇન્ટર મિયામી ક્લબ સાથે 2028 સુધી જોડાયેલો છે. 2026માં તેની કમાણી 70 મિલિયન ડૉલર હોવાનો અંદાજ છે. ક્લબમાં ભાગીદારી ખરીદવાનો વિકલ્પ પણ તેની પાસે છે. મેસીના આવવાથી ઇન્ટર મિયામી ક્લબની વેલ્યુ પણ વધીને 1.4 બિલિયન ડૉલર થઈ ગઈ છે.

20260720166.JPG

એક સ્ટેડિયમમાં બે વખત નિવૃત્તિ લેવાનો સંયોગ!

20 જુલાઈ 2026ના રોજ ન્યૂ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમમાં મેસીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કાયમ માટે અલવિદા કહ્યું. ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં સ્પેન સામે 0-1થી હાર્યા બાદ તેણે 21 વર્ષના આંતરરાષ્ટ્રીય કરિયરનો અંત આણ્યો. યોગાનુયોગ એ છે કે બરાબર 10 વર્ષ પહેલાં 2016માં કોપા અમેરિકાની ફાઇનલમાં હાર્યા બાદ પણ તેણે આ જ મેદાન પર રડતાં રડતાં 29 વર્ષની ઉંમરે નિવૃત્તિ જાહેર કરી હતી. જોકે, દુનિયાભરના ચાહકોના પ્રેમને લીધે તે પાછો ફર્યો હતો અને આર્જેન્ટિનાને 2021 અને 2024નો કોપા અમેરિકા કપ તથા 2022નો ફિફા વર્લ્ડ કપ જિતાડ્યો હતો. 2016માં તે અધૂરા સપના સાથે નિવૃત્ત થયો હતો, પરંતુ 2026માં તે 46 ટ્રોફી સાથે એક મહાન વર્લ્ડ ચેમ્પિયન તરીકે વિદાય લઈ રહ્યો છે.

મેસીના 10 રૅકોર્ડ, જેને તોડવા અઘરા છે

  1. સૌથી વધુ આસિસ્ટ: આર્જેન્ટિના માટે સૌથી વધુ 68 આસિસ્ટ (સાથી ખેલાડીઓને ગોલ કરવામાં મદદ) કરવાનો રૅકોર્ડ.
  2. વર્લ્ડ કપ મેચો: ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ 34 મેચ રમવાનો રૅકોર્ડ.
  3. કૅપ્ટન તરીકે વર્લ્ડ કપ વિજય: 2022માં કૅપ્ટન તરીકે અનેક શાનદાર જીત સાથે ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવી.
  4. સૌથી વધુ મેચ: આર્જેન્ટિના માટે સૌથી વધુ 207 આંતરરાષ્ટ્રીય મેચ રમીને ઇતિહાસ રચ્યો.
  5. ગોલનો પહાડ: દક્ષિણ અમેરિકાના સૌથી સફળ પુરુષ ખેલાડી તરીકે 125 આંતરરાષ્ટ્રીય ગોલ ફટકાર્યા.
  6. દરેક દાયકામાં ગોલ: વર્લ્ડ કપમાં પોતાની કિશોરાવસ્થા, 20ના દાયકામાં અને 30ના દાયકામાં પણ ગોલ કરનાર તે એકમાત્ર ખેલાડી છે.
  7. 6 વર્લ્ડ કપમાં આસિસ્ટ: વર્લ્ડ કપની અલગ-અલગ 6 આવૃત્તિઓ(2006, 2010, 2014, 2018, 2022, 2026)માં ઓછામાં ઓછી 1 આસિસ્ટ આપવાનો અનોખો રૅકોર્ડ.
  8. સૌથી વધુ સમય: વર્લ્ડ કપના ઇતિહાસમાં મેદાન પર સૌથી વધુ 3,064 મિનિટ રમવાનો રૅકોર્ડ.
  9. પ્લેયર ઑફ ધ મેચ: વર્લ્ડ કપમાં સૌથી વધુ 15 વખત 'પ્લેયર ઑફ ધ મેચ' ઍવૉર્ડ જીતવાનું સન્માન.
  10. હેટ્રિકનો બાદશાહ: આર્જેન્ટિના માટે 11 આંતરરાષ્ટ્રીય હેટ્રિક (એક જ મેચમાં 3 ગોલ) ફટકારવાનો ભવ્ય રૅકોર્ડ.