ઝિમ્બાબ્વે સામે 3-0થી જીત બાદ પણ કેપ્ટન શ્રેયસ અય્યરે ટીમની એક ભૂલ કાઢી! જુઓ શું કહ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Flawless Victory Under Fresh Leadership: ઝિમ્બાબ્વે સામેની T20I શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યા બાદ ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટીમ ઇન્ડિયાના પ્રદર્શનને 'દોષરહિત' ગણાવ્યું છે. જોકે, તેમણે સ્વીકાર્યું હતું કે ટીમથી કેચ છોડવાની કેટલીક ભૂલો થઈ હતી. શ્રેયસ અય્યરે આ ઐતિહાસિક વિજય માટે ટીમના તમામ ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે રણનીતિઓનું મેદાન પર યોગ્ય રીતે પાલન કરવાને કારણે આ સફળતા મળી છે.
આયરલેન્ડ સામે 2-0 અને ઇંગ્લેન્ડ સામે 4-0થી શ્રેણી હાર્યા બાદ, કેપ્ટન તરીકે શ્રેયસ અય્યરની આ પ્રથમ T20I શ્રેણી જીત છે. રવિવારે હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાયેલી ત્રીજી અને અંતિમ T20I મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 35 રનથી હરાવીને શ્રેણી પોતાના નામે કરી લીધી હતી.
"અમારો અભિગમ અન્ય કરતાં એક સ્તર ઉપર હતો" - કેપ્ટન શ્રેયસ અય્યર
BCCIના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર સોમવારે શેર કરવામાં આવેલા એક વીડિયોમાં કેપ્ટન શ્રેયસ અય્યરે ટીમની પ્રશંસા કરતાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે,
“જો અમે છોડેલા કેચને બાદ કરીએ, તો સાચું કહું તો આખી શ્રેણી દરમિયાન અમારું પ્રદર્શન એકદમ દોષરહિત રહ્યું હતું. સપોર્ટ સ્ટાફ સહિત દરેક વ્યક્તિએ અદ્ભુત પ્રયાસો કર્યા છે. અમે ટીમ મીટિંગમાં જે પણ ચર્ચા કરી હતી, તેને મેદાન પર પોતાની શ્રેષ્ઠ ક્ષમતા સાથે સાકાર કરવી એ જ અમારું લક્ષ્ય હતું. અમારો અભિગમ અન્ય કરતાં એક સ્તર ઉપર હતો. આ જીતનો હિસ્સો બનેલા દરેક ખેલાડીને ખૂબ-ખૂબ અભિનંદન અને દરરોજ મેદાન પર અમને પ્રોત્સાહિત કરવા તેમજ પ્રેરણા આપવા બદલ વીવીએસ લક્ષ્મણ સરનો પણ ખૂબ આભાર.”
મુશ્કેલ શરૂઆત બાદ અય્યરની શાનદાર વાપસી: વીવીએસ લક્ષ્મણ
આ શ્રેણી માટે ભારતીય ટીમના હેડ કોચ તરીકે જોડાયેલા પૂર્વ દિગ્ગજ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે કેપ્ટન શ્રેયસ અય્યરની લીડરશિપના મુક્તમને વખાણ કર્યા હતા. લક્ષ્મણે જણાવ્યું કે કેવી રીતે અય્યરે પોતાની કેપ્ટનશિપના મુશ્કેલ તબક્કામાંથી બહાર આવીને આ તદ્દન નવી યુવા ટીમને એકજૂથ કરી. લક્ષ્મણે વીડિયોમાં અય્યરની પ્રશંસા કરતાં જણાવ્યું છે કે,
“સૌથી પહેલાં બધા માટે જોરદાર તાળીઓ થવી જોઈએ. અમે આ શ્રેણી જીતવાના ઈરાદા સાથે આવ્યા હતા અને અમે તે હાસિલ કર્યું. હું શ્રેયસ અય્યરને વિશેષ અભિનંદન આપવા માંગુ છું કારણ કે તેની કેપ્ટનશિપ કરિયરની શરૂઆત ખૂબ જ મુશ્કેલ રહી હતી, પરંતુ તેણે જે રીતે વાપસી કરી તે અદ્ભુત છે. પહેલી મેચના એક દિવસ પહેલાં જ્યારે તે અમારી સાથે જોડાયો, ત્યારથી જ તે ખૂબ જ સકારાત્મક હતો. તે આ તદ્દન નવા ખેલાડીઓના ગ્રૂપ સાથે રમવા માટે ઉત્સુક હતો. ઇંગ્લેન્ડ પ્રવાસના માત્ર 4 કે 5 ખેલાડીઓ જ આ ટીમમાં સામેલ હતા. પરંતુ શ્રેયસ અય્યર ખૂબ જ આત્મવિશ્વાસથી ભરપૂર હતો અને આ જીતનો મોટો શ્રેય કેપ્ટનને જવો જોઈએ. તેણે જે રીતે દરેક ખેલાડીનો ઉત્સાહ વધાર્યો, તે ખરેખર એક સામૂહિક પ્રયાસ હતો.”
પહેલા દિવસથી જ ટીમમાં હતો 'વિનર્સ માઇન્ડસેટ'
વીવીએસ લક્ષ્મણે વધુમાં ઉમેર્યું કે ઝિમ્બાબ્વે પહોંચ્યાના પહેલા દિવસથી જ આખી ટીમે વિજેતા બનવાની માનસિકતા અપનાવી લીધી હતી. તેમણે કહ્યું, “અમારે એક જ વસ્તુ હાંસિલ કરવી હતી અને તે હતી 'વિનર્સ માઇન્ડસેટ'નું પ્રદર્શન કરવું. જો તમને યાદ હોય તો પહેલી મેચ પહેલાંની આપણી પ્રથમ મીટિંગમાં મેં કહ્યું હતું કે એક ટીમ તરીકે આપણે વિજેતાની માનસિકતા બતાવવાની છે અને આ ત્રણેય મેચો દરમિયાન તમારામાંથી દરેક ખેલાડીએ તે કરી બતાવ્યું છે. આ માટે તમને બધાને અભિનંદન. હું તમામ કોચ, સપોર્ટ સ્ટાફ, અમિત અને મેનેજરનો પણ આભાર માનું છું. ઘણીવાર આપણને અહેસાસ નથી થતો કે આ પડદા પાછળના લોકો કેટલી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ખેલાડીઓ દરેક મેચ માટે સંપૂર્ણ રીતે તૈયાર રહે તે સુનિશ્ચિત કરવા બદલ તમારી પ્રતિબદ્ધતાની હું પ્રશંસા કરું છું.”




