Sports

આર્જેન્ટિના સામે રેફરીના વિવાદિત નિર્ણયોને કારણે FIFA વર્લ્ડ કપથી બહાર ફેંકાતા ઈજિપ્તે ઓફિશિયલ કમ્પલેન કરી

By GS Team
9 Jul 20263 mins read
TukuTouch Logo
FIFA વર્લ્ડ કપ 2026માં આર્જેન્ટિના સામે 3-2થી હાર્યા બાદ ઇજિપ્ત ફૂટબોલ ફેડરેશને રોષ વ્યક્ત કર્યો છે. તેમણે રાઉન્ડ ઓફ 16ની મેચમાં રેફરી ટીમ સામે FIFAમાં ફરિયાદ કરી, તેમને તાત્કાલિક હટાવવાની માંગ કરી છે. ફ્રાન્સના મુખ્ય રેફરી ફ્રાંસવા લેટેક્સિયેર સામે તપાસની માંગ કરાઈ છે. ઇજિપ્તનો એક ગોલ VAR દ્વારા રદ થયો હતો અને પેનલ્ટી ન મળ્યાનો પણ દાવો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આર્જેન્ટિના સામે રેફરીના વિવાદિત નિર્ણયોને કારણે FIFA વર્લ્ડ કપથી બહાર ફેંકાતા ઈજિપ્તે ઓફિશિયલ કમ્પલેન કરી

FIFA World Cup 2026: FIFA વર્લ્ડ કપ 2026માં આર્જેન્ટિના સામે રોમાંચક અને વિવાદાસ્પદ મેચમાં મળેલી હાર બાદ ઇજિપ્ત ફૂટબોલ ફેડરેશન ભારે રોષમાં છે. ઇજિપ્ત ફૂટબોલ ફેડરેશને સત્તાવાર જાહેરાત કરી છે કે તેમણે રાઉન્ડ ઓફ 16ની મેચમાં આર્જેન્ટિના સામે 3-2થી મળેલી હાર બાદ ઓફિશિયેટિંગ ટીમ વિરુદ્ધ FIFAમાં ઔપચારિક ફરિયાદ નોંધાવી છે અને આ સમગ્ર રેફરી ટીમને તાત્કાલિક અસરથી વર્લ્ડ કપમાંથી હટાવવાની માગ કરી છે.

ફેડરેશન દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે,

"ઇજિપ્ત ફૂટબોલ ફેડરેશનના અધ્યક્ષ હાની અબુરિદાએ FIFAમાં લેખિત ફરિયાદ નોંધાવી છે અને ફ્રાન્સના મુખ્ય રેફરી ફ્રાંસવા લેટેક્સિયેર સામે કડક તપાસની માંગ કરી છે. રેફરી ટીમ દ્વારા મેચ દરમિયાન ગંભીર ભૂલો કરવામાં આવી હતી અને બેવડા ધોરણો અપનાવવામાં આવ્યા હતા. આ પક્ષપાતી નિર્ણયોના કારણે જ ઇજિપ્તની ટીમ મેચ હારી ગઈ અને વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે."

VARના નિર્ણયો પર ઉઠ્યા ગંભીર સવાલો

મંગળવારે રાત્રે રમાયેલી આ હાઈ-વોલ્ટેજ મેચમાં જ્યારે ઇજિપ્ત 1-0થી આગળ હતું, ત્યારે મુખ્ય રેફરી લેટેક્સિયેરે VARની મદદ લીધા બાદ મુસ્તફા ઝિકોનો એક મહત્ત્વપૂર્ણ ગોલ રદ કરી દીધો હતો. VAR ફૂટેજમાં દર્શાવવામાં આવ્યું હતું કે ગોલના ઘણાં સમય પહેલાં બનેલી એક મૂવમાં લિસાન્ડ્રો માર્ટિનેઝ સામે ફાઉલ થયો હતો.

જોકે, આ આંચકા બાદ પણ થોડી જ મિનિટોમાં ઝિકોએ શાનદાર વાપસી કરીને ઇજિપ્તને 2-0ની મજબૂત લીડ અપાવી દીધી હતી. આ ગોલ સાથે ઇજિપ્તની ટીમ પ્રથમ વખત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની ખૂબ જ નજીક દેખાઈ રહી હતી.

એક્સ્ટ્રા ટાઇમમાં ડ્રામા: મેસીની ટીમ સામે પક્ષપાતનો આરોપ

મેચના અંતિમ ગાળામાં અને વધારાના સમયમાં વિવાદ વધુ વકર્યો હતો. ક્રિસ્ટિયન રોમેરો અને લિયોનેલ મેસીના શાનદાર ગોલની મદદથી આર્જેન્ટિનાએ સ્કોર 2-2ની બરાબરી પર લાવી દીધો હતો. ત્યારબાદ એન્ઝો ફર્નાન્ડિઝે આર્જેન્ટિના માટે વિજયી ગોલ કર્યો હતો.

ઇજિપ્ત ફૂટબોલ ફેડરેશનનો દાવો છે કે એન્ઝો ફર્નાન્ડિઝના આ નિર્ણાયક ગોલ પહેલાં એલેક્સિસ મેક એલિસ્ટરે ઇજિપ્તના ખેલાડી હમદી ફાથીને બોક્સમાં ખેંચ્યો હતો. આ નિયમ વિરુદ્ધની રમત હતી અને ઇજિપ્તને પેનલ્ટી મળવી જોઈતી હતી, જે ન આપવામાં આવી.

અધ્યક્ષ હાની અબુરિદાએ પોતાના નિવેદનમાં ઉમેર્યું કે,

"અમે માત્ર મેદાન પરના મુખ્ય રેફરી જ નહીં પરંતુ VAR રૂમમાં બેઠેલી સમગ્ર ટીમની તપાસની માંગ કરીએ છીએ. મેચ દરમિયાન સ્પષ્ટ ભૂલો થઈ હતી. અમને પૂરી આશંકા છે કે ઇજિપ્તના હિતમાં હોય તેવા કેટલાક મહત્ત્વપૂર્ણ કેમેરા ફૂટેજની સમીક્ષા જાણી જોઈને કરવામાં આવી નહોતી. અમારા મતે ઇજિપ્તને તે ગોલ અને પેનલ્ટી બંને મળવા પાત્ર હતા."

'તેઓ મેસીને ટૂર્નામેન્ટમાં રાખવા માંગતા હતા' - કોચ હોસામ હસન

આ વિવાદ પર ઇજિપ્તના મુખ્ય કોચ હોસામ હસને પણ મેચ બાદ પત્રકારો સામે પોતાનો ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં આને આયોજિત અન્યાય ગણાવ્યો હતો. હોસામ હસને પત્રકારોને જણાવ્યું કે,

"હું આ હારને માત્ર ખરાબ નસીબ કહીને વાતને ટાળવા માંગતો નથી. આજે મેદાન પર અમારી સાથે ઘોર અન્યાય થયો છે. ઇજિપ્તની ટીમ સાથે છેતરપિંડી કરવામાં આવી છે."

તેમણે સ્પોર્ટ્સ ચેનલ સાથે વાતચીત કરતા સીધા જ FIFA અને ઓફિશિયલ્સ પર પ્રહારો કર્યા હતા:

"મેદાન પર અમને ક્યાંય સન્માન કે 'ફેર પ્લે' જોવા મળ્યું નથી. કદાચ તેઓ વર્તમાન વિશ્વ ચેમ્પિયન આર્જેન્ટિનાને ગમે તે ભોગે ટૂર્નામેન્ટમાં જાળવી રાખવા માંગતા હતા. કદાચ તેઓ ઇચ્છતા હતા કે લિયોનેલ મેસી આ વર્લ્ડ કપમાં આગળ રમતા રહે. ફૂટબોલમાં કેટલીક વખત એવી બાહ્ય પરિસ્થિતિઓ અને દબાણ કામ કરે છે, જે રમતની ટેકનિકલ બાબતોથી ઘણી આગળ હોય છે. આજે વિશ્વ ચેમ્પિયન ટીમને દરેક સ્તરે ઓફિશિયલ સમર્થન મળ્યું છે."

હવે જોવાનું એ રહેશે કે ઇજિપ્ત ફૂટબોલ ફેડરેશનની આ સત્તાવાર ફરિયાદ પર વિશ્વ ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા FIFA શું પગલાં લે છે.