Sports

FIFA વર્લ્ડકપમાં હવે કરો કે મરો! ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડની 8 ટીમોમાં જાણો કોનું પલડું ભારે

By GS Team
9 Jul 20263 mins read
TukuTouch Logo
FIFA વર્લ્ડ કપ 2026 ક્વાર્ટર ફાઇનલનો રોમાંચ શરૂ થયો છે. 48 ટીમોમાંથી હવે 8 ટીમો મેદાનમાં છે. આર્જેન્ટિના, ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ, સ્પેન, બેલ્જિયમ, મોરોક્કો, સ્વિટ્ઝર્લૅન્ડ અને નોર્વેએ સ્થાન મેળવ્યું છે. 9 જુલાઈ(ભારતીય સમય મુજબ 10 જુલાઈ)થી અમેરિકામાં ક્વાર્ટર ફાઇનલ રમાશે, જેમાં ફ્રાન્સ-મોરોક્કો પ્રથમ મુકાબલો હશે. બ્રાઝિલ-જર્મની પ્રથમવાર ક્વાર્ટર ફાઇનલ પહેલાં જ બહાર થઈ ગયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

FIFA વર્લ્ડકપમાં હવે કરો કે મરો! ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડની 8 ટીમોમાં જાણો કોનું પલડું ભારે

FIFA World Cup 2026 Quarter Finals Schedule : ફિફા (FIFA) વર્લ્ડ કપ 2026 હવે તેના સૌથી રોમાંચક અને નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયો છે. 48 ટીમો સાથે શરૂ થયેલા આ મહાકુંભમાં હવે માત્ર 8 ટીમો જ ચેમ્પિયન બનવાની રેસમાં બચી છે. આ વખતે ક્વાર્ટર ફાઇનલમાં આર્જેન્ટિના, ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ, સ્પેન, બેલ્જિયમ, મોરોક્કો, સ્વિટ્ઝરલૅન્ડ અને નોર્વેએ જગ્યા બનાવી છે. અમેરિકાના સમય મુજબ 9 જુલાઈ (ભારતીય સમયાનુસાર 10 જુલાઈની રાત્રે 1:30 વાગ્યાથી) ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડની શરૂઆત થઈ રહી છે, જેમાં પ્રથમ મુકાબલો ફ્રાન્સ અને મોરોક્કો વચ્ચે રમાશે.

બ્રાઝિલ અને જર્મની પ્રથમ વખત એકસાથે ક્વાર્ટર ફાઇનલ પહેલાં બહાર

વર્લ્ડ કપના ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે જ્યારે ફૂટબોલ જગતની બે સૌથી મોટી દિગ્ગજ ટીમો બ્રાઝિલ અને જર્મની એકસાથે ક્વાર્ટર ફાઇનલ (અંતિમ-8) પહેલાં જ બહાર થઈ ગઈ હોય. બીજી તરફ, વર્ષ 2022ના વર્લ્ડ કપની ચાર ટીમો—આર્જેન્ટિના, ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ અને મોરોક્કોએ સતત બીજી વાર અંતિમ-8માં સ્થાન મેળવ્યું છે. આઠમાંથી ચાર ટીમો (આર્જેન્ટિના-3 વાર, ફ્રાન્સ-2 વાર, ઇંગ્લૅન્ડ-1 વાર, સ્પેન-1 વાર) પૂર્વ ચેમ્પિયન છે, જ્યારે બેલ્જિયમ, મોરોક્કો, સ્વિટ્ઝર્લૅન્ડ અને નોર્વે પોતાના પ્રથમ ખિતાબની શોધમાં છે.

નોર્વેએ ઇતિહાસ રચ્યો, મોરોક્કોનો દબદબો અને સ્પેનનો 'ઝીરો ગોલ' રૅકોર્ડ

એર્લિંગ હાલૅન્ડની આગેવાનીમાં નોર્વેએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં બ્રાઝિલને હરાવીને ઇતિહાસમાં પહેલીવાર ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે, જ્યાં તેનો સામનો 10મી વાર આ રાઉન્ડ રમનાર ઇંગ્લૅન્ડ સામે થશે. મોરોક્કો સતત બે વર્લ્ડ કપમાં ક્વાર્ટર ફાઇનલ રમનારી પ્રથમ આફ્રિકન ટીમ બની છે. આ વખતે પણ 6 ટીમો સાથે યુરોપનો દબદબો યથાવત છે.

ક્વાર્ટર ફાઇનલ શેડ્યૂલ (ભારતીય સમયાનુસાર)

મુકાબલો
તારીખ
ભારતીય સમય
ફ્રાન્સ વિરુદ્ધ મોરોક્કો
10 જુલાઈ
રાત્રે 1:30 વાગ્યે
સ્પેન વિરુદ્ધ બેલ્જિયમ
11 જુલાઈ
રાત્રે 12:30 વાગ્યે
નોર્વે વિરુદ્ધ ઇંગ્લેન્ડ
12 જુલાઈ
રાત્રે 2:30 વાગ્યે
આર્જેન્ટિના વિરુદ્ધ સ્વિટ્ઝર્લૅન્ડ
12 જુલાઈ
સવારે 6:30 વાગ્યે

ફ્રાન્સે તમામ મેચ નિર્ધારિત સમયમાં પૂર્ણ કરી

આંકડાની વાત કરીએ તો, ફ્રાન્સ એકમાત્ર એવી ટીમ છે જેણે પોતાની તમામ 5 મેચ નિર્ધારિત 90 મિનિટમાં જીતી છે. સ્પેનની ટીમે નવો ઇતિહાસ રચતાં 5 મેચોમાં હજુ સુધી એકપણ ગોલ ખાધો નથી, જે વર્લ્ડ કપનું સર્વશ્રેષ્ઠ ડિફેન્સ છે. ગોલ કરવાના મામલે આર્જેન્ટિના અને ફ્રાન્સ 14-14 ગોલ સાથે સૌથી આક્રમક ટીમો સાબિત થઈ છે.

ગોલ્ડન બૂટ માટે મેસી અને એમ્બાપ્પે વચ્ચે ટક્કર

ટૂર્નામેન્ટમાં ગોલ્ડન બૂટ જીતવાની રેસ અત્યંત રસપ્રદ બની ગઈ છે. હાલમાં આર્જેન્ટિનાનો લિયોનલ મેસી 8 ગોલ સાથે સૌથી આગળ છે. તેની પાછળ ફ્રાન્સનો કિલિયન એમ્બાપ્પે અને નોર્વેનો એર્લિંગ હાલૅન્ડ 7-7 ગોલ સાથે બીજા સ્થાને છે, જ્યારે ઇંગ્લૅન્ડનો હેરી કેન 6 ગોલ સાથે રેસમાં બનેલો છે.

  • આ વખતે ગોલ્ડન બૂટની રેસ અત્યંત રોમાંચક બની ગઈ છે.
  • સૌથી આગળ લિયોનલ મેસી છે, જેમણે આઠ ગોલ કર્યા છે.
  • તેમની બિલકુલ પાછળ કિલિયન એમ્બાપ્પે અને એર્લિંગ હાલૅન્ડ સાત-સાત ગોલ સાથે બીજા સ્થાને છે.
  • આ સિવાય હેરી કેન છ ગોલ કરી ચૂક્યા છે અને તેઓ હજુ પણ આ રેસમાં છે.
  • જ્યારે જુડ બેલિંગહામ અને ઉસ્માન ડેમ્બેલે ચાર-ચાર ગોલ સાથે પાછળ ચાલી રહ્યા છે.
  • ઇસ્માઇલ સાઇબારી અને જોહાન મંઝામ્બીએ પણ ત્રણ-ત્રણ ગોલ કરીને પોતાની મજબૂત છાપ છોડી છે.