દિલ્હીમાં બે ક્રિકેટર્સ પર યૌન ઉત્પીડનના આરોપ બાદ DDCAનું નિવેદન, કહ્યું- લાઉડસ્પીકર મામલે થયો હતો વિવાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| DDCA X |
Cricketers Accused Of Molestations Minor : દિલ્હીની અંડર-23 ક્રિકેટ ટીમ કર્નલ સી.કે. નાયડૂ ટ્રોફીમાં ભાગ લેવા પહોંચી છે, પરંતુ ટીમને તેના બે ખેલાડીઓની કરતૂતને કારણે શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું છે. આ બંને ખેલાડીઓ પર કથિત રીતે 15 વર્ષની સગીરાનું શારીરિક શોષણ કરવાનો આક્ષેપ થયો છે. આ ઘટનાને પગલે હવે ડીડીસીએ (DDCA) ની શિસ્તબદ્ધ વ્યવસ્થા અને પ્રતિષ્ઠા પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.
DDCAએ ખેલાડીઓની હોટલ બદલી
DDCA ના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલાની જાણ થતાની સાથે જ બંને ખેલાડીઓને ટીમની હોટલમાંથી બહાર કાઢીને અન્ય હોટલમાં ખસેડવામાં આવ્યા છે. તંત્રને સૂચના આપવામાં આવી છે કે, આ મામલે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. સૂત્રોના મતે, આ પ્રકારની ઘટનાઓ રમતની ભાવનાને નુકસાન પહોંચાડવાની સાથે DDCA ની છબી પણ ખરડે છે. આ સમગ્ર મામલે સત્તાવાર તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
DDCA અધિકારીએ આરોપોને ફગાવ્યા
આ મામલે DDCA ના સહ-સચિવ અમિત ગ્રોવરનું નિવેદન પણ સામે આવ્યું છે. જે સૂત્રોની માહિતીથી વિપરીત છે. તેમના જણાવ્યા અનુસાર, સગીરાનું કોઈ શારીરિક શોષણ થયું નથી. ગ્રોવરે આને માત્ર અનુશાસનભંગનો મામલો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, "બંને ખેલાડીઓ ખૂબ જ ઊંચા અવાજે ગીતો સાંભળી રહ્યા હતા, જેનો હોટલ સ્ટાફે વિરોધ કર્યો હતો અને આ જ બાબતે વિવાદ થયો હતો." તેમણે વધુમાં ઉમેર્યું કે, ખેલાડીઓએ શારીરિક શોષણ કર્યું હોય તેવા કોઈ મજબૂત પુરાવા હજુ સુધી સામે આવ્યા નથી.
મેદાન પર પણ દિલ્હીનું નબળું પ્રદર્શન
એક તરફ DDCA આ વિવાદને કારણે મુશ્કેલીમાં છે, તો બીજી તરફ રણજી ટ્રોફીમાં પણ દિલ્હીની ટીમની સ્થિતિ શરમજનક છે. ગ્રુપ-ડીમાં સામેલ દિલ્હીની ટીમ અત્યાર સુધી એક પણ મેચ જીતી શકી નથી. પાંચ મેચ ડ્રો થઈ છે અને એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે ટીમની આગામી મેચ મુંબઈ સામે યોજાય તેવી શક્યતા છે.




