Sports

કેપ્ટન બનતાં 4માંથી 3 મેચમાં હાર... હતાશ અય્યરે કોના પર ફોડ્યું હારનું ઠીકરું?

By GS Team
5 Jul 20262 mins read
TukuTouch Logo
ઈંગ્લેન્ડ સામેની બીજી T20 મેચમાં ભારતનો 4 વિકેટે પરાજય થયો હતો. શનિવારે (4 જુલાઈ 2026) મેન્ચેસ્ટરમાં રમાયેલી આ મેચમાં 190 રન બનાવ્યા બાદ ભારત 16 ઓવર સુધી જીતની નજીક હતું, પરંતુ રવિ બિશ્નોઈની 17મી ઓવરમાં 29 રન ફટકારતા ઈંગ્લેન્ડે બાજી પલટી નાખી. કેપ્ટન શ્રેયસ અય્યરે હાર માટે કોઈ એક ખેલાડીને જવાબદાર ઠેરવવાનો ઇનકાર કર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

કેપ્ટન બનતાં 4માંથી 3 મેચમાં હાર... હતાશ અય્યરે કોના પર ફોડ્યું હારનું ઠીકરું?

India vs England 2nd T20I Manchester: ભારતીય ક્રિકેટ ટીમને ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચોની ટી20 શ્રેણીના બીજા મુકાબલામાં 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. શનિવારે (4 જુલાઈ 2026) મેન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાયેલી આ મેચમાં ભારત જીતની નજીક હતું, પરંતુ લેગ સ્પિનર રવિ બિશ્નોઈની 17મી ઓવર મેચનો સૌથી નિર્ણાયક વળાંક સાબિત થઈ, જેમાં ઇંગ્લેન્ડે 29 રન ફટકારીને મેચ પોતાના નામે કરી લીધી. આ હાર બાદ નવા કેપ્ટન શ્રેયસ અય્યર નિરાશ જરૂર દેખાયા હતા, પરંતુ તેમણે હાર માટે કોઈ એક ખેલાડીને જવાબદાર ઠેરવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.

16 ઓવર સુધી મેચ ભારતની પકડમાં હતો, 17મી ઓવરમાં બાજી પલટી

મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 190 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. એક સમયે ઇંગ્લેન્ડનો સ્કોર ૧૬ ઓવરમાં 142 રને 5 વિકેટ હતો અને ભારત જીત તરફ આગળ વધી રહ્યું હતું. આ સમયે કેપ્ટન અય્યરે 17મી ઓવર રવિ બિશ્નોઈને સોંપી હતી. જોકે, ઓવરની શરૂઆત જ નો-બોલથી થઈ, જેના પર જેકબ બેથલે ફ્રી-હીટમાં સિક્સર ફટકારી. ત્યારબાદ બિશ્નોઈએ વધુ એક નો-બોલ ફેંક્યો અને બેથલે આ ઓવરમાં ઉપરાઉપરી મોટા શૉટ્સ ફટકારી 29 રન ઝૂડી કાઢ્યા હતા.

શ્રેયસ અય્યરે રવિ બિશ્નોઈ અને પિચ અંગે શું કહ્યું?

મેચ બાદ શ્રેયસ અય્યરે જણાવ્યું કે, "આપણે બધા જાણીએ છીએ કે મેચ ક્યાંથી આપણા હાથમાંથી નીકળી ગઈ, પરંતુ હું કોઈ એક ખેલાડી પર આંગળી ચીંધવા માંગતો નથી. મને પૂરો ભરોસો હતો કે પ્રથમ નો-બોલ પછી રવિ શાનદાર વાપસી કરશે. હા, 17મી ઓવર આપણને ભારે પડી, પણ રવિ આ ભૂલમાંથી ઘણું શીખશે." અય્યરે ઉમેર્યું કે આ પિચ પર અસમાન ઉછાળો હતો, તેથી 190 રનનો સ્કોર જીતવા માટે પૂરતો હતો અને ટીમ 15 ઓવર સુધી સંપૂર્ણ હાવી હતી. તેણે ઇંગ્લેન્ડના યુવા બેટ્સમેન જેકબ બેથલ (76 રન અણનમ) ની નિડર બેટિંગના પણ વખાણ કર્યા હતા.

અય્યરની કપ્તાની હેઠળ હજુ સુધી એકપણ જીત નહીં

ચિંતાજનક બાબત એ છે કે શ્રેયસ અય્યરની કપ્તાની હેઠળ ભારતીય ટીમ હજુ સુધી એકપણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ જીતી શકી નથી. આ પહેલા આયર્લેન્ડ પ્રવાસ પર ભારતે બંને ટી20 મેચ ગુમાવી હતી. ત્યારબાદ ઇંગ્લેન્ડ પ્રવાસની પ્રથમ મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી અને હવે મેન્ચેસ્ટર ટી20 પણ ભારતે ગુમાવવી પડી છે. અય્યરની આગેવાનીમાં ટીમ 4 માંથી 3 મેચ હારી ચૂકી છે. આ જીત સાથે ઇંગ્લેન્ડ શ્રેણીમાં 1-0 થી આગળ થઈ ગયું છે. હવે શ્રેણીનો ત્રીજો મુકાબલો 7 જુલાઈએ નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ મેદાન પર રમાશે, જ્યાં ભારત 1-1 ની બરાબરી કરવાના ઈરાદા સાથે ઉતરશે.