CWG 2026 : જ્ઞાનેશ્વરી યાદવે ભારતને અપાવ્યો પાંચમો મેડલ, વેટલિફ્ટિંગમાં જીત્યો સિલ્વર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Commonwealth Games 2026 : ગ્લાસ્ગોમાં રમાઈ રહેલા કૉમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતે પોતાનું શાનદાર પ્રદર્શન યથાવત રાખ્યું છે. ભારતીય ખેલાડીઓ સતત દેશ માટે મેડલ જીતી રહ્યા છે. સ્પર્ધાના પાંચમા દિવસે ભારતીય વેટલિફ્ટર જ્ઞાનેશ્વરી યાદવે સિલ્વર મેડલ જીતીને ભારતનું નામ રોશન કર્યું છે.

જ્ઞાનેશ્વરી યાદવે વેટલિફ્ટિંગમાં સિલ્વર જીત્યો
22 વર્ષીય વેટલિફ્ટર જ્ઞાનેશ્વરી યાદવે (Gyaneshwari Yadav) 53 કગ્રા કેટેગરીમાં કુલ 199 કિલો (સ્નેચમાં 88 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 111 કિલો) વજન ઉપાડીને સિલ્વર મેડલ મેળવ્યો છે. છત્તીસગઢના રાજનાંદગામ જિલ્લાના ભોંડિયા ગામની રહેવાસી જ્ઞાનેશ્વરી હાલ પોલીસમાં અસિસ્ટન્ટ સબ-ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવે છે.

પિતાનો સંઘર્ષ અને દીકરીની સફળતા
જ્ઞાનેશ્વરીના પિતા દીપક યાદવ પોતે બોડીબિલ્ડર હતા, પરંતુ પરિવાર ચલાવવા માટે તેમણે રમત છોડીને વીજળીનું કામ શરૂ કરવું પડ્યું હતું. દીકરીને એથલીટ બનાવવા માટે તેમણે દિવસમાં 20-20 કલાક કામ કર્યું હતું. કોવિડ મહામારી દરમિયાન જ્યારે સપ્લીમેન્ટ્સ ખરીદવાના પૈસા નહોતા, ત્યારે પણ પિતાએ મિત્રો અને સંબંધીઓ પાસેથી ઉધાર પૈસા લઈને દીકરીની ટ્રેનિંગ અટકવા દીધી નહોતી. જ્ઞાનેશ્વરીએ 2022માં જૂનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર અને 2025ના નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ પણ જીત્યો છે.

રાજા મુથુપાંડીએ પણ સિલ્વર મેડલ જીત્યો
વેટલિફ્ટિંગમાં પુરુષોની 65 કગ્રા કેટેગરીમાં રાજા મુથુપાંડીએ પણ ભાર ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે. તેમણે સ્નેચમાં 126 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 160 કિલો મળીને કુલ 286 કિલો વજન ઉપાડ્યું હતું.
ભારતે કુલ 5 મેડલ જીત્યા
ગ્લાસ્ગો 2026ની સત્તાવાર મેડલ ટેબલ પોઈન્ટ મુજબ, ભારતે 27 જુલાઈ બપોર સુધીમાં 1 ગોલ્ડ, 3 સિલ્વર અને 1 બ્રોન્ઝ સહિત કુલ 5 મેડલ મેળવ્યા છે. આ શાનદાર પ્રદર્શન સાથે ભારત હાલ મેડલ પોઈન્ટ ટેબલમાં 8મા ક્રમે છે.
ભારતના મેડલ વિજેતા ખેલાડીઓની યાદી
ભારત માટે પેરા પાવરલિફ્ટિંગમાં ઝંડુ કુમારે (Jhandu Kumar) પુરુષોની હેવીવેટ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે વેટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનૂએ (Mirabai Chanu) મહિલાઓની 48 કગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ, ઋષિકાંત સિંહે (Rishikanta Singh) પુરુષોની 60 કગ્રા કેટેગરીમાં સિલ્વર મેડલ અને રાજા મુથુપાંડીએ (Raja Muthupandi) 65 કગ્રા કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવ્યો છે.
સમગ્ર મેડલ પોઈન્ટ ટેબલની સ્થિતિ
મેડલ ટેલીમાં 17 ગોલ્ડ, 9 સિલ્વર અને 14 બ્રોન્ઝ મળી કુલ 40 મેડલ સાથે ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાને છે. બીજા સ્થાને ઇંગ્લેન્ડ (5 ગોલ્ડ, કુલ 21 મેડલ), ત્રીજા સ્થાને નાઇજીરિયા (5 ગોલ્ડ, કુલ 9 મેડલ), ચોથા સ્થાને કેનેડા (4 ગોલ્ડ, કુલ 12 મેડલ), પાંચમા સ્થાને સ્કોટલેન્ડ (4 ગોલ્ડ, કુલ 6 મેડલ) અને છઠ્ઠા સ્થાને દક્ષિણ આફ્રિકા (3 ગોલ્ડ, કુલ 9 મેડલ) રહ્યું છે, જ્યારે ભારત 1 ગોલ્ડ અને કુલ 5 મેડલ સાથે 8મા સ્થાને આવે છે.









